મુંબઈઃ બોલીવૂડ ફિલ્મોના લેખક સલીમ ખાનને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સલીમ ખાન આઈસીયુમાં હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. જાવેદ અખ્તર સાથે જોડી જમાવી સુપરહીટ ફિલ્મો લખનારા સલીમ બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના પિતા છે. સલમાન ખાન સહિત પરિવાર બાન્દ્રા ખાતેની લીલાવતી હૉસ્પિટલમાં જોવા મળ્યો હતો.
હૉસ્પિટલથી સલમાન ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ઘણો ઉદાસ જોવા મળી રહ્યો છે. જે બાદ ફેંસ સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છે. સલમાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
સલીમ ખાનના સ્વાસ્થ્યને લઈ ખાન પરિવાર તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 90 વર્ષના સલીમ ખાનની ગણના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી લેખકોમાં થાય છે. નવેમ્બર 2025માં તેમણે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
જાવેદ અખ્તર સાથે મળીને લખી સુપરહિટ ફિલ્મો
સલીમ ખાનની ગણના બોલિવૂડના દિગ્ગજ લેખકોમાં થાય છે. જાવેદ અખ્તર સાથે મળીને સલીમ ખાને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે. જેમાં શોલે, દીવાર, ડોન, જંજીર, ત્રિશૂલ અને સીતા ઔર ગીતા જેવી સુપરહિટ ફિલ્મો સામેલ છે. સલીમ ખાને ફિલ્મોમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું છે.
હેલન સાથે બીજા લગ્ન
સલમાન ખાન ઉપરાંત સલીમ ખાનને ત્રણ સંતાનો છે. જેમાં અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન સામેલ છે. આ ઉપરાંત તેમણે અર્પિતાને દત્તક લીધી છે. સલીમ ખાને પ્રથમ લગ્ન સલમા ખાન સાથે કર્યા હતા. જ્યારે હેલન તેમની બીજી પત્ની છે.