નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ફરી એકવાર રાજ્યસભામાં કંપનીઓની પોલ ખોલી નાંખી છે. ટેલિકોમ કંપનીઓની ઉઘાડી લૂંટ અંગે જ્વલંત રિપોર્ટ રજૂ કર્યા બાદ હવે કંપનીઓની પોલ ખોલી છે. જ્યૂસની ભ્રામક બ્રાંડિંગને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો હતો. સરકાર આ મુદ્દે ગંભીર વિચાર કરીને ધ્યાન આપે એવી અપીલ કરી હતી. તાજા ફ્રૂટની તસવીર દેખાડીને કંપનીઓ મીઠું પાણી વેચી રહી છે, જેના કારણે બાળકોને બીમાર પાડવા જેવું છે.
પ્રજાલક્ષી પ્રશ્ન ઊઠાવ્યો
ગ્રાહકોને જાગૃત કરવા માટે રાઘવ ચઢ્ઢા વારંવાર પ્રજાલક્ષી પ્રશ્નો ઊઠાવે છે. ડિલેવરી બોયના ટાઈમિંગ, ટેલિકોમ કંપનીઓની લૂંટ અને બેંકના મિનિમમ ચાર્જિસ જેવા મુદ્દાઓ પર તેઓ રજૂઆત કરી ચૂક્યા છે. હવે તેમણે ફ્રૂટ જયૂસ બનાવતી કંપનીઓ પર વાર કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ એક્સ પર પોસ્ટ મૂકી હતી કે, શું તમને લાગે છે કે તમે જ્યૂસ જે પી રહ્યા છો એ ખરેખર યોગ્ય છે કે પીવાલાયક છે? ફરી વિચાર કરો. મોટા મોટા ફૂડ બ્રાન્ડ્સ ચમકદાર “તાજા ફળો”ની તસવીરો વાળા પેકેટ દેખાડીને અંદર મીઠું પાણી વેચી રહ્યા છે. પેકેટના પાછળના નાના અક્ષરોમાં હકીકત છુપાઈ છે, જેમાં લખ્યું છે કે “તસવીરો માત્ર માર્કેટિંગ માટે છે.” સાચી વાત? કારણ કે આ ભ્રમજનક બ્રાન્ડિંગ અને ખોટી જાહેરાતો લાખો લોકો, ખાસ કરીને બાળકોને, ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત બીમારીઓ તરફ ધકેલી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે જ્યૂસના ડબ્બાના પાછળની સાચાઈને ખુલાસો કરવામાં આવે.
બીમારીનો શિકાર કરવાનો ધંધો
રાજ્યસભામાં રાઘવ ચઢ્ડાએ જણાવ્યું કે, ભારતનો કન્ઝ્યુમર એક મોટી બીમારીનો શિકાર છે, જેને ગૂમરાહ કરતી બ્રાન્ડિંગ અને ખોટી જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે ફ્રૂટ જ્યૂસની બોટલ ખરીદીએ છીએ, ત્યારે તેના ફ્રન્ટ પર ફ્રેશ ફ્રૂટ જ્યૂસની મોટી તસવીર હોય છે, પરંતુ પાછળના નાના અક્ષરોમાં લખેલું હોય છે કે આ તસવીર માત્ર માર્કેટિંગ માટે છે. અમારા દેશના યુવા આ પેય પદાર્થોને પીને આ વિચાર કરે છે કે તે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ છે, પરંતુ તેમને ખબર નથી કે તે શક્કરનું દ્રાવણ પી રહ્યા છે, જેના કારણે ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત બીમારીઓ થાય છે. તમારા માધ્યમથી મારો પ્રશ્ન છે કે સરકાર ભ્રમજનક તસવીરો પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવા માટે શું પગલાં લઈ રહી છે?" કેવી રીતે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પેકેટ પર સૌથી આગળ વધુ શુગરની માહિતી આપવામાં આવે અને અંતે સ્પષ્ટ રીતે દેખાડવામાં આવે કે આ ઉત્પાદન ફ્રૂટ જ્યૂસ છે કે શુગર અને પ્રિઝર્વેટિવ્સવાળું પાણી છે?