‘ગેસ સિલિન્ડર ચાર-પાંચ જેટલા ગમે ત્યાંથી શોધી લાવો. પછી કહેતા નહીં કે ગરમાગરમ ભજિયાં ઉતાર.... ગરમાગરમ અને સારી સારી વાનગી ખાવાની ચળ તો બહુ આવે છે, પણ ગેસના સિલિન્ડર બ્લેકમાં તો બ્લેકમાં શોધી લાવતાં પગમાં કાંટા વાગે છે. બાજુવાળા કનૈયાભાઈ કેવા પાંચ સિલિન્ડર લઈ આવ્યા અને હવે નિરાંતે પગ પર પગ ચડાવીને ઓટલે બેઠા છે. એની સ્વીટહાર્ટ રમલી આખા ગામ હામે ડિંગ હાંકે છે કે મારા હસબન્ડનું તો બધે વજન પડે છે. જ્યાં જાય ત્યાં પોતાનું કામ કઢાવીને જ આવે. રાજકારણી પણ બધા ઓળખે. જાય એટલે બધા સલામ મારે.’;
‘હવે શાંતિથી ટીવી જોવા દે. એ કનૈયાને બધા સલામ મારે છે, એમ રમલી કાનમાં ભરી જાય બધું સાચું નથી હોતું. સમજી?’
ત્યાં ટીવીમાં પણ શરૂ થયું : ‘જરા ગૌર સે દેખીયે. પૂરે દેશમેં ગેસ કી તંગી... બેચારી મહિલા! કરે ભી તો ક્યા કરે? ગેસ લેને કે લિયે મહિલાઓં કી લાઇન લગી હૈ. અપની સરકાર ક્યા કર રહી હૈ?’
‘જોયું? જોયું? હવે તો ટીવીમાં પણ આવી ગયું. હવે તો જરા ટીવી બંધ કરીને ગેસ શોધવા ઘરની બહાર નીકળો.’
પત્ની મોના હજી પતિને ગેસ માટે દબાણ કરી રહી હતી, ત્યાં જ પતિ રમેશભાઈએ ચેનલ બદલી.
‘દેખીએ, જરા ગૌર સે દેખીએ. સરકારને પરદેશ સે ગેસ સિલિન્ડર મંગવા લિયે હૈ. દેખો, ગેસ સિલિન્ડર સે ભરી હજારોં ટ્રક આ રહી હૈ. યે તો સિર્ફ અફવા હૈ. અપને દેશ મેં હમારી સરકાર કોઈ બાત કી કમી હોને હી નહીં દેગી.’
‘જોયું? સાંભળ્યું? થોડી ધીરજ રાખતાં શીખ. એ તો હાથનો બળેલો ગામ આખાને બાળે. મોના, જે બધાનું થશે તે આપણું થશે. કટોકટીની પળોમાં સંગ્રહ કરવો દેશનાં હિતમાં નથી. બધાને એકસરખું મળવું જોઈએ...’
એટલામાં રમાબહેન નવું તૂત લઈને આવ્યાં : ‘મોનાબહેન, કાંદા, બટાકા, કઠોળ, ચા, ખાંડ, તેલ પણ ભરી દેજો. અમારે ત્યાં તો મારા કનૈયાએ બધું જ હમણાંથી લાવીને મૂકી દીધું. બધું જ દસ દસ કિલો જ સીધું લઈ આવ્યા. આખું વર્ષ ખવાય એટલું ભરી દીધું ને એમાં કાંદા, બટાકા, લસણ તો બ્લેકમાં હો મલવાનાં નથી. પછી કહેતી નહીં કે મેં તને ચેતવી નહોતી. આગ લાગે તે પહેલાં બંબા તૈયાર રાખવા જરૂરી છે. સમજી?’
-ને ત્યાં જ બે લારીવાળા સાથે જ બરાડ્યા. : ‘કાંદા, લસણ, બટાકા અડધા ભાવે લઈ જાવ... ચાલો, ચાલો, વહેલો તે પહેલો...’
રમલી કાપો તો લોહી ન નીકળે એમ કરમાઈને ઊભી રહી ગઈ અને મોના હસતી હસતી વ્યંગમાં બોલી : ‘હાશ! સારું થયું કે મેં ઉતાવળ ના કરી. રમલી, તેં નકામી ઉતાવળ કરી... પેલા પાંચ ગેસના સિલિન્ડર હો ઉતાવળ કરીને લઈ લીધાં. કોઈ વાર જરાક હો જો આગ લાગે ને, તો બધા એક હાથે જ ફાટે ને. એના કરતાં ધીરજ રાખેલી હારી.’
અહીંથી ભાગવામાં જ સાર છે એમ સમજી રમલી ત્યાંથી છૂ થઈ ગઈ ત્યાં જ કનૈયાભાઈ સામે મળ્યા. એટલે મોનાબહેને વખાણ કરતાં કહ્યું, : ‘વાહ ભાઈ! તમે તો પાંચ પાંચ બાટલા ને આખા વરસનાં દાણા પાણી હો ભરી દીધાં? કેવું પડે હોં!’
‘ના, મોનાબહેન, એમ પાંચ સિલિન્ડર ભરીને શું કરવું છે? એ તો પડહે તેવા દેવાહે. જે બધાનું થાહે તે આપણું હો થાહે. ખરું ને?’
હમ્મ્મ, હવે રમલીની પોલ પકડાઈ ગઈ. તેણે મોનાને જે કંઈ કહ્યું હતું તે માત્ર જલાવવા અને આગ લગાવવા માટે જ હતું... ત્યાં તો જેવી બટાકાની લારી ઉપર વેફરના મોટા બટાકા લેવા રમલી આવી કે મોનાએ ફરી લેક્ચર ચાલુ કર્યું.
‘રમલી, તારે ત્યાં તો આખા વરસનું બધું ભરાઈ ગયું હતું. હવે બટાકા - કાંદા લેવા કેમ આવી? થોડું બીજા માટે પણ રહેવા દે તો સારું...’
‘જો મોના, તું મને વિપક્ષની જેમ નીચે પાડવાની કોશિશ ના કર. હું આ બધું ઘરમાં ભરું છું એ ભીડમાં લોકોને મદદ કરવા ભરું છું. તું જોજે. જ્યારે કોઈ મારે ત્યાં ગેસનું સિલિન્ડર લેવા આવશે, ત્યારે હું મારા પાંચમાંથી બે - ત્રણ સિલિન્ડર ફટાફટ આપી દઈશ. હું એકલી પેલા નેતાની જેમ બધો ઘાસચારો ખાઈ જવાની નથી.’
‘એમ વાત છે રમલી... તો સાંભળ. હમણાં કનૈયાભાઈ મારે ઘેર આવીને બેઠા છે. એમણે મને કહ્યું કે રમલી તો ગાંડી, અણહમજુ તેમજ અનપઢ છે, એટલે બધું માગ્યા કરે. એમ કંઈ પાંચ પાંચ સિલિન્ડર લાવીને ખાલી મૂકી રાખવાની ભૂલ હું ના કરું. આખરે દેશ પ્રત્યે આપણી હો કોઈ ફરજ તો ખરી ને મોનાબહેન.’
મોના બટાકા - કાંદા લઈને ઘરે પહોંચી ત્યાં રમલીના બરાડા અને કનૈયાભાઈનું મૌન ... પાંચ પાંચ ગેસના બાટલાએ તો ભારે આગ લગાડી હોં!