Fri Apr 17 2026

Logo

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયની અપીલઃ ગેસ બિલના નામે થતી છેતરપિંડીથી સાવધ રહેવા સૂચના

2026-03-19 18:36:50
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં વધતા ઘર્ષણ વચ્ચે દેશમાં ગેસ અને ઇંધણની અછતના અહેવાલ મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર જનતાને શાંત રહેવા માટે અપીલ કરી છે. વર્તમાન સ્થિતિમાં કેટલાક લોકો નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યાં હોવા મુદ્દે સરકારનું ધ્યાન ગયું છે, જેથી પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, અત્યારે ગભરાઈને ગેસનું બુકિંગ કરવાની જરૂર નથી. પેટ્રોલ પંપો પર તેલની સપ્લાય ચાલુ રાખવા સાથે PNG કનેક્શનની ગતિને પણ વેગ મળ્યો છે. 

પાઈપ્ડ નેચરલ ગેસને સરકારે પ્રોત્સાહન આપ્યું

પેટ્રોલિયમ મંત્રાલયની જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું કે પેટ્રોલ પંપો પર તેલ ખતમ થાય નહીં તેના માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વિદેશમાંથી આયાતમાં પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલે પેટ્રોલિયમ મંત્રાલય શિપિંગ અને વિદેશ મંત્રાલય સાથે મળીને સપ્લાય ચેક કરે છે. 

સરકાર LPG વપરાશ ઘટાડી PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ને પ્રોત્સાહિત આપી રહી છે. આમાં સારી વાતએ છે કે છેલ્લા એક અઠવાડિયામાં 1.25 લાખ નવા કનેક્શન આપવામાં આવ્યા. હવે અરજીઓ 7 દિવસમાં મંજૂર થશે. એટલે કે જો તમે PNG માટે અરજી કરો તો માત્ર સાત દિવસમાં અરજી મંજૂર થઈ જશે અને ગેસ લાઈન શરૂ કરી દેવામાં આવશે. 

પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)એ પાઈપલાઈન દ્વારા સીધા રસોડા સુધી પહોંચાડવામાં આવતું સ્વચ્છ, સુરક્ષિત અને મીથેનયુક્ત ઈંધણ છે. આના કારણે તમે ગેસનો બોટલો બુક કરાવવાની અને લાઈનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. એટલા માટે અત્યારે સરકાર પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરી રહી છે. 

ગેસ બિલના નામે થતી છેતરપિંડીથી સાવધાન!

ગેસ બિલના નામે થતી છેતરપિંડીથી બચવા માટે સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સી. સેન્થિલ રાજને જણાવ્યું કે, લોકોને હાલમાં તેમના મોબાઇલ ફોન પર "ગેસ બિલ APK" નામે મેસેજ આવી રહ્યાં છે. આ મેસેજમાં તમારી બેંક વિગતો માંગવામાં આવે છે અને જે ક્ષણે તમે આ માહિતી દાખલ કરો છો, તે ક્ષણે તમારું બેંક ખાતું સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે. જો તમને આવો કોઈ મેસેજ મળે તો સાવચેત રહો અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે.