થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં પૂરપાટ વેગે આવેલી મોટરસાઇકલે અડફેટે લીધા બાદ ‘જીવન બદલી નાખનારી’ ઇજાઓ તેમ જ શારીરિક દિવ્યાંગતાનો ભોગ બનેલા યુવકને 47.28 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ 13 માર્ચે આપેલા પોતાના ચુકાદામાં ટૂ-વ્હીલરની વીમા કંપનીને પ્રથમ દાવેદારને રકમ ચૂકવવાના અને બાદમાં વાહનમાલિક પાસેથી તે વસૂલવાના નિર્દેશ આપ્યા હતા. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે વાહનચાલક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાથી વીમા પોલિસીની શરતોનો ભંગ થયો હતો.
દાવેદાર અબ્દુલ ગફુર મોહંમદ અલ્તાફ શેખ (એ સમયે 20 વર્ષનો અને અંડરગ્રેજ્યુએટ કોમર્સનો વિદ્યાર્થી હતો) મીરા ભાયંદરમાં ફ્લાયઓવર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મોટરસાઇકલે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શેખ અનેક ફ્રેક્ચર થયા હતા અને માથામાં પણ ગંભીર ઇજા પહોંચી હતી.
ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે દાવેદાર શેખની વિવિધ હોસ્પિટલમાં થયેલી સારવારનો ખર્ચ પચીસ લાખ રૂપિયાથી વધુ થયો હતો. દાવેદારે એક કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું, જ્યારે ટ્રિબ્યુનલે તેની કાર્યાત્મક દિવ્યાંગતાનું મૂલ્યાંકન 35 ટકા કર્યું હતું.
ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે મોટરસાઇકલસવાર પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહ્યો હતો. ઘટના સમયે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. આથી મોટરસાઇકસવાર દ્વારા વીમા પોલિસીની શરતો અને નિયમોનો ભંગ થયો છે.
ટ્રિબ્યુનલે અરજીની તારીખ (19 એપ્રિલ, 2019)થી રકમની વસૂલાત સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે 47.28 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)