‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં બીજા દિવસે ભક્તજનો ઊમટ્યા
મુંબઈ: ’મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના બીજા દિવસે પણ મનોરથી પરિવાર, પોથી યજમાનો અને ભક્તજનોમાં ઉત્સાહ જળવાઈ રહ્યો હતો અને બપોરે બે વાગ્યાથી જ સનાતન નગરીમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં એસી ડોમમાં હજારો ભાવિકો પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખે ભાગવત સાંભળવા માટે સમયસર ગોઠવાઈ ગયા હતા. ચાલો એક નજર કરીએ ભાગવત સપ્તાહના બીજા દિવસની શ્રવણ યાત્રાનો.
માતૃભાષા ભાગવત સપ્તાહ માટે ખાસ પધારેલા વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્યશ્રી 108 યદુનાથજી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ને માર્ગદર્શન કરવા મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ વિનંતી કરી હતી. યદુનાથજીનું અભિવાદન કરીને નીલેશ દવે, મુખ્ય મનોરથી પરિવાર, સહ મનોરથી પરિવાર સહિત અન્ય મહાનુભાવોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્યશ્રી 108 યદુનાથજી મહોદયશ્રી (કડી - અમદાવાદ) મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે (તસવીરો: અમય ખરાડે)
યદુનાથજીએ પૂજ્ય ભાઈશ્રી માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તમે બધા ભાઈશ્રીને સાંભળી રહ્યા છો, સાંભળવાના છો, પરંતુ જો તમને ભાઈશ્રીને સંપૂર્ણપણે ઓળખવા હોય તો એક વખત પોરબંદર ખાતે આવેલા સાંદીપનિ આશ્રમની મુલાકાત લેજો. પૂજ્ય ભાઈશ્રીએ એટલું અદ્ભુત સાંદીપનિ આશ્રમનું નિર્માણ કર્યું છે એ જોઈ ઈશ્વરને પણ થતું હશે કે એક વખત મુલાકાત લઈ આવું. આજે દેશમાં તો ઠીક પણ વિદેશમાં લોકો ભાગવત સાંભળવા આવે છે એ પૂજ્ય ભાઈશ્રીને આભારી છે.
(તસવીરો: અમય ખરાડે)
‘મુંબઈ સમાચાર’ની બે સદીની અવિરત યાત્રાનો ઉલ્લેખ કરી યદુનાથજી મહારાજે જણાવ્યું કે આ 204 વર્ષની યાત્રાનો સાર છે માતૃભાષા ભાગવત સપ્તાહ. લોકચર્ચાથી શરૂ થયેલી યાત્રા જ્યારે હરિચર્ચા પર પહોંચે ત્યારે એને કહેવાય સાચી પરિપક્વતા. ભાષામાં સ્નેહ હોવો જ જોઈએ, ઘણી વખત સ્પર્શ પણ ગજબનું કામ કરી જાય છે. બોલી પણ નહીં શકતા બાળકના માથે જ્યારે માતા હાથ ફેરવે છે ત્યારે એ બાળકને સમજાઈ જાય છે કે એની માતા એને સાંત્વન આપી રહી છે કે ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે, જ્યારે એક પિતા એ જ બાળકના માથા પર હાથ ફેરવે છે ત્યારે એ બાળકને ખયાલ આવી જાય છે કે એના પિતા એને કહી રહ્યા છે કે કંઈ પણ થઈ જાય તું ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું. આમ કંઈ પણ બોલ્યા વિના કે એકપણ શબ્દની આપ લે વિના સ્પર્શથી હીલિંગ ટચથી બે વ્યક્તિ વચ્ચે સંવાદ સધાય છે.
(તસવીરો: અમય ખરાડે)
પૂજ્ય ભાઈશ્રીએ બિગબેંગ થિયરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાન એમ કહે છે કે અબજો વર્ષ પહેલાં એક મોટો વિસ્ફોટ થયો તેમાંથી આ બધાનું નિર્માણ થયું. હું વૈજ્ઞાનિક નથી જે વાંચ્યું છે, સાંભળ્યું છે એ જ કહું છું. કોઈ ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરવું. વિજ્ઞાનના પુસ્તક વાંચુ ત્યારે શાસ્ત્રોનો અભ્યાસ સાથે રાખું, જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરું ત્યારે વિજ્ઞાનના ચશ્મા પહેરીને શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ કરું છું. આવો જ અભ્યાસ આપણા શિક્ષાવિદો પણ કરે છે. ભાગવત્માં જ કથા છે. બુદ્ધિથી જ્યારે તમે આ કથા વાંચો અને વિચારો ત્યારે સવાલો થાય. બ્રહ્માજીના નાકના નસકોરામાંથી વરાહ ભગવાન પ્રગટ થાય એવું જો વિચારો તો ન માનવામાં આવે. કથા કાનથી નહીં પણ મનથી સાંભળવાની હોય છે. હિયરિંગ એ કાનની ક્ષમતા છે. શાસ્ત્રો અનુસાર તમને કાનથી શબ્દો સંભળાય. એટલે શબ્દો છે એટલે કાન છે. ટૂંકમાં કહું તો શબ્દો હતા એટલે કાનની જરૂરિયાત ઊભી થઈ.
"ગરમી સામે ભક્તિનો વિજય: ‘મુંબઈ સમાચાર’ના એસી ડોમમાં ભક્તોએ માણી શીતળતા સાથે કથાની શાતા!" (તસવીરો: અમય ખરાડે)
‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કરનારાઓને એ વાતનો ખ્યાલ આવ્યો કે મુંબઈમાં એપ્રિલ મહિનામાં ખૂબ ગરમી પડે છે, આવી સ્થિતિમાં કથા કરાવવી હોય તો ભાવિકોની સુવિધા અને શાતાનું ધ્યાન રાખવું પડશે અને એટલે એરકંડિશનની વ્યવસ્થા કરવામાં આવી. આમ એ વાત 100 ટકા સાચી સાબિત થાય છે કે નેસેસિટી ઈઝ મધર ઑફ ઈન્વેન્શન - જરૂરિયાત સંશોધનની જનની છે.
(તસવીરો: અમય ખરાડે)
પૂજ્ય ભાઈશ્રીએ ઉપસ્થિત તમામ ભાવિકો પાસે માતૃભાષાના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવા માટે સંકલ્પ કરાવ્યો હતો કે તમે કથા સાંભળીને ઘરે જાવ એટલે એક સંકલ્પ ચોક્કસ કરજો કે દરરોજ એક કલાક તમે પુસ્તક વાંચશો. પુસ્તકો અને અખબારો જ માતૃભાષાને ટકાવી રાખવામાં, જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(તસવીરો: અમય ખરાડે)
‘મુંબઈ સમાચાર’ પ્રેરિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં બીજા દિવસે દહીંસરનાં નગરસેવિકા તેજસ્વી ઘોસાળકર, ભાગ્યેશ વારા, મુકેશ પટેલ (નીલકંઠ ગ્રૂપ) ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીરો: અમય ખરાડે)
મોબાઈલ વ્રત કરવું જોઈએ: પૂજ્ય ભાઈશ્રી
આજની આ વૉટ્સઍપ યુનિવર્સિટી પર બહુ ભરોસો ના કરાય. હું તો કહું છું કે જેમ આપણે એકાદશીનું વ્રત કરીએ એમ મહિને-પંદર દિવસે મોબાઈલ વ્રત કરવું જોઈએ. કોઈ કહે કે કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા તો એમને કહો કે મારે ગઈકાલે મોબાઈલ વ્રત હતું. મને લાગે છે કે જેમ સંતોષી માતા વ્રતકથા, મહાલક્ષ્મી વ્રતકથા હોય છે એમ આ મોબાઈલ વ્રતની પણ ચોપડી છપાવવી જોઈએ એવી ટકોર કરીને પૂજ્ય ભાઈશ્રીએ આપણા જીવનમાં વધતાં જતા મોબાઈલના ઉપયોગ અંગે મીઠી ટકોર કરી હતી.
(તસવીરો: અમય ખરાડે)
ભવિષ્યમાં એવા દિવસ પણ આવશે કે જ્યારે આપણને સાંભળવા મળશે કે મોબાઈલ વ્રતને કારણે એક પરિવાર તૂટવાની તૈયારીમાં હતો, પરંતુ એ પરિવાર જોડાઈ ગયો. મોબાઈલ વ્રત કરવાથી એક ભાઈને અનિદ્રાની સમસ્યામાંથી મુક્તિ મળી ગઈ. અનિદ્રાની સમસ્યા હતી એવા ભાઈને છ મહિના સુધી મોબાઈલ વ્રત કરવાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે. આપણે મોબાઈલને વાપરીએ ત્યાં સુધી વાંધો નથી, પરંતુ હવે મોબાઈલ આપણને વાપરતો થયો છે.
(તસવીરો: અમય ખરાડે)
ભાગવત પઠનથી અશ્વમેધ યજ્ઞ કરાવીએ એટલો લાભ થાય
ભાગવતનું પઠન કરતાં ભાઈશ્રીએ જણાવ્યું હતું કે ભાગવત સાંભળવું કેમ જરૂરી છે, તેનાથી શું થાય તો તમારી જાણકારી માટે કે રોજ ભાગવતનું પઠન કરીએ તો એનો અશ્વમેધ યજ્ઞ કરાવીએ એટલો લાભ થાય. વિશ્વવિજય જવા દો પણ મન પર વિજય પ્રાપ્ત કરીને રોજ ભાગવતના થોડા થોડા અધ્યાયનું પઠન કરો.
(તસવીરો: અમય ખરાડે)
આ માતૃભાષા ભાગવત સપ્તાહથી સંકલ્પ કરો કે...
આ ભાગવત કથાથી એવું નક્કી કરો કે ભાગવત વાંચવી છે. જ્યારે એ ભાગવત વાંચીને બીજી ભાગવત સાંભળશો તો બીજી ભાગવતમાં આનંદ આવશે. બીજી ભાગવત્ સાંભળીને જ્યારે ત્રીજી ભાગવત સાંભળશો તો તેમાં વધારે આનંદ આવશે અને આમ ભાગવત્ માટે તમને અનુરાગ થશે. શ્રીમદ્ ભાગવત એ તમામ પુરાણોમાં રાજા છે અને એના માથે શ્રીમદ્ રૂપી મુગટ શોભે છે. વૈષ્ણવોની સાચી સંપત્તિ છે આ શ્રીમદ્ ભાગવત. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત નૈષ્ક્રિયની પ્રાપ્તિ કરવી હોય તો તમારે મનને કારની જેમ ન્યુટ્રલમાં રાખવું જોઈએ. કર્તાપણાનો અહંકાર, કર્મફળની લિપ્સા, અહંકાર આ બધી વસ્તુઓ આપણને કર્મ કરીએ ત્યારે આપણને બાંધે છે.
(તસવીરો: અમય ખરાડે)
જે લોકો ગીતાને સમજતા નથી એ લોકોને લાગે છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનો ઈગો ખૂબ જ મોટો છે પરંતુ વાસ્તિવકતા એ નથી. જ્યારે હુંપણું સીમિત હોય ત્યારે તે ઈગો છે, પરંતુ જ્યારે હુંપણું ફેલાય છે, વિસ્તરે છે ત્યારે તે અહંકાર નથી રહેતો. જ્યારે ગીતામાં કોઈ પણ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ હું બોલું છું નથી કહેતા. શ્રી ભગવાન ઉવાચ એવો જ ઉલ્લેખ જોવા મળે છે. આ જ અનુસંધાનમાં જ્યારે પૂજ્ય ભાઈશ્રીના મુખે નરસિંહ મહેતાના હું કરું હું કરું એ જ અજ્ઞાનતા... ભજન સાંભળીને ઉપસ્થિત ભક્તજનોના હૈયા ડોલી ઉઠ્યા હતા.
(તસવીરો: અમય ખરાડે)
જે ઘરમાં શ્રીમદ્ ભાગવત હોય એ ઘર તીર્થ સમાન: પૂજ્ય ભાઈશ્રી
આટલી સુંદર વ્યવસ્થા અને માતૃભાષા ભાગવત સપ્તાહ નિમિત્તે તમારી માતૃભાષામાં ઉપલબ્ધ ગ્રંથો વાંચો. કદાચ તમારા ઘરમાં ગ્રંથો ઉપલબ્ધ હશે અને તમારી રાહ જોઈ રહ્યા છે. જેમ એક નાનું બાળક પોતાની માતાને જુએ અને કહે કે મને તેડ એમ આ ગ્રંથો પણ વાંચવાનું રાખો. કે મને વાંચો. સારા પુસ્તકો વાંચવા જોઈએ. જે ઘરમાં શ્રીમદ્ ભાગવત બિરાજે છે એ ઘર તીર્થ સમાન છે.
સુગમ સંગીત અને ભક્તિ ગીતોથી ગૂંજી ઊઠ્યો માતૃભાષા માનવંદના કાર્યક્રમ
(તસવીરો: અમય ખરાડે)
માતૃભાષા ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે માતૃભાષા માનવંદના કાર્યક્રમ અંતર્ગત માતૃભાષાનું સંગીતમય અભિવાદન કરવામાં આવ્યું હતું. અભિનેતા અને સંચાલક હેમંત બર્વે, અભિનેત્રી અને સંચાલિકા દીપ્તિ ભાગવત, ગાયક-સંગીતકાર અજિત પરબ, ગાયિકા સંજીવની ભેલાંડે, પલ્લવી કેળકર અને ગાયક નચિકેત દેસાઈના સુગમ સંગીતના કાર્યક્રમથી વાતાવરણ ચૈતન્યમય અને ગૌરવથી ભરપૂર થઈ ગયું હતું.
(તસવીરો: અમય ખરાડે)
ગાયિકા સંજીવની ભેલાંડેએ ‘સુખકર્તા દુ:ખહર્તા’ ગણેશ આરતીથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ તેમણે ‘રૂણુઝુણુ’, ‘જિથે સાગરા’ અને ‘સુંદર તે ધ્યાન’ જેવા ભક્તિ ગીતો તેમ જ અભંગો રજૂ કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. બીજી તરફ, અજિત પરબે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલ અમર કવિતા પર આધારિત ભાવગીત ‘ને મજસી ને પરત માતૃભૂમિલા’ રજૂ કરીને વાતાવરણમાં દેશભક્તિનો એક અલગ જ રંગ ભર્યો હતો.
(તસવીરો: અમય ખરાડે)
પલ્લવી કેળકરે રજૂ કરેલા ‘અરે સંસાર સંસાર’ ગીતે બહિણાબાઈ ચૌધરીની યાદ અપાવી દીધી હતી, તો નચિકેત દેસાઈએ ‘મર્મબંધાતલી ઠેવ’ અને ગ. દિ. માડગુળકર દ્વારા લિખિત પ્રભુ શ્રીરામ પરનું ભક્તિગીત ‘સ્વયે શ્રીરામ પ્રભુ ઐકતી’ રજૂ કરીને પ્રેમ, સંબંધો અને આધ્યાત્મિકતાનો સુંદર અનુભવ શ્રોતાઓને કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમે આપણા લેખકો, કવિઓ અને માતૃભાષાઓની સમૃદ્ધિનું જીવંત દર્શન કરાવ્યું હતું.
(તસવીરો: અમય ખરાડે)