(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયાનું રોકાણ લાવી આપવાની લાલચે વેપારી પાસેથી 34.20 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા બે આરોપીની મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ વિનોદકુમાર આસારામ યાદવ અને દિલીપ ઈંદુકુમાર મામતોરા તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે બન્નેને કાશિગાવ પોલીસના તાબામાં સોંપાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીને તેમના વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા નાણાં રોકાણની જરૂર હતી. આ માટે તેમના દ્વારા અલગ અલગ ઠેકાણે પ્રયત્નો ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત આરોપી સાથે થઈ હતી. આરોપીએ ફરિયાદીની કંપની માટે 50 કરોડ રૂપિયાનું રોકાણ લાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ તે માટે એક ટકા પ્રોસેસિંગ ફી ચૂકવવાનું ફરિયાદીને કહ્યું હતું.
રોકાણની અમુક રકમ આંગડિયાથી આવી રહી હોવાની ખોટી રસીદ આરોપીએ ફરિયાદીને દેખાડી હતી. એ સિવાય 28 લાખ યુએસ ડૉલરની ચુકવણીની બનાવટી રસીદ પણ ફરિયાદીને બતાવવામાં આવી હતી. આની સામે ફરિયાદી પાસેથી 34.20 લાખ રૂપિયા આરોપીએ પડાવ્યા હતા.
રૂપિયા આપ્યા પછી પણ ફરિયાદીને રોકાણની રકમ ન મળતાં તેમણે પૂછપરછ કરી હતી. ઉડાઉ જવાબ આપનારા આરોપીએ પછી સંપર્ક તોડી નાખ્યો હતો. પરિણામે ફરિયાદીએ 12 માર્ચે કાશિગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ આવા જ પ્રકારના ગુના મુંબઈના સમતાનગર અને દાદર તેમ જ થાણેના કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.