મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે, આગામી રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષી MVAમાં સૌથી મોટા ઘટક પક્ષ તરીકે, મહારાષ્ટ્રમાંથી ગઠબંધનની એકમાત્ર જીતી શકાય તેવી બેઠક પર તેમનો 'પહલો અધિકાર' છે. તેમના આ નિવેદનને પાર્ટીના નેતા સંજય રાઉતે રવિવારે સમર્થન આપ્યું હતું.
એપ્રિલમાં, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, ધૈર્યશીલ પાટિલ અને ફૌઝિયા ખાન, સેના (યુબીટી)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદી, આરપીઆઈ (આઠવલે ) ના રામદાસ આઠવલે, ભાજપના ભાગવત કરાડ, અને કોંગ્રેસના રજની પાટિલનો રાજ્યસભા કાર્યકાળ સમાપ્ત થશે.
વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) પોતાની ઓછી સંખ્યાને કારણે સંસદના ઉપલા ગૃહમાં એક ઉમેદવાર મોકલી શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, આદિત્ય ઠાકરેએ સંસદના ઉપલા ગૃહમાં MVA ની એકમાત્ર જીતી શકાય તેવી બેઠક પર પોતાનો પક્ષનો દાવો રજૂ કર્યો હતો. વિધાનસભામાં સંખ્યાને ધ્યાનમાં લેતા, રાજ્યસભા બેઠક તેમના પક્ષની "છે" અને "MVA માં ચોક્કસપણે તે દિશામાં વાતચીત થશે", એમ તેમણે કહ્યું હતું.
અહીં પત્રકારો સાથે વાત કરતા, રાઉતે કહ્યું કે પક્ષના વલણમાં "કોઈ વિસંગતતા નથી" અને નિર્દેશ કર્યો કે શિવસેના (યુબીટી) 20 ધારાસભ્યો સાથે વિપક્ષમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિત્ય ઠાકરેએ જે કહ્યું તેમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ પાસે ૧૬ અને એનસીપી (એસપી) પાસે 10 ધારાસભ્યો છે. તેથી, જે પણ રાજ્યસભામાં ચૂંટાય છે તે એમવીએના ઉમેદવાર તરીકે જશે. સૌથી મોટા પક્ષ તરીકે, શિવસેના (યુબીટી)નો પહેલો અધિકાર છે.
શરદ પવાર વિશેની તેમની અગાઉની ટિપ્પણીઓ વિશે સ્પષ્ટતા કરતા રાજ્યસભાના સાંસદે કહ્યું કે તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે એક વરિષ્ઠ નેતા તરીકે, શરદ પવારે તેમની ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ એમવીએના એક વરિષ્ઠ નેતા છે. અમે સાથે બેસીને સામૂહિક નિર્ણય લઈશું. પરંતુ પહેલા એ સ્વીકારવું પડશે કે સૌથી મોટા પક્ષ તરીકે, શિવસેના (યુબીટી)નો પ્રાથમિક દાવો છે. એનસીપી (એસપી)ના વડાએ અત્યાર સુધી તેમની પાર્ટીમાંથી સત્તાવાર રીતે તેમની ઉમેદવારી જાહેર કરી નથી.
મહારાષ્ટ્રમાં વિકસતી રાજકીય પરિસ્થિતિ પર MVA નેતૃત્વ યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ છે. આ પહેલા, શરદ પવાર અને પ્રિયંકા ચતુર્વેદી ચૂંટાયા હતા. તે સમયે, પરિસ્થિતિ અલગ હતી, અને અમે બધા વધુ સંખ્યાબળ સાથે હતા. આદિત્ય ઠાકરે ખોટું નિવેદન નહીં આપે, તેમણે કહ્યું હતું.
જોકે, ગણિત મહત્વપૂર્ણ રહેશે તેવો સંકેત આપતા તેમણે સમજાવ્યું કે, 1 સાંસદની વરણી માટે 37 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. આ વખતે અમારી પાસે 10થી 12 વધુ મત હોવાનું જણાય છે. અમારે બીજા 20-21 મતો એકત્રિત કરવાની જરૂર પડશે. જો આવું થાય તો બે ઉમેદવારો ચૂંટાઈ શકે છે.
ચૂંટણી પંચ 16 માર્ચે યોજાનારી સાત રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત 26 ફેબ્રુઆરીના રોજ કરશે તેવું મનાય છે. ભાજપ, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતા શાસક મહાયુતિ ગઠબંધનમાં 232 ધારાસભ્યો છે અને તે 6 બેઠકો જીતી શકે છે.
(પીટીઆઈ)