Fri Apr 17 2026

Logo

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત

2026-03-17 20:03:53
Author: Vipul Vaidya
Article Image

એકનાથ શિંદેએ તેમના ખાસ ઉદય સામંતને પણ દિલ્હી બોલાવી લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એકનાથ શિંદે પહેલેથી જ દિલ્હીમાં હતા ત્યારે તેમણે તાત્કાલિક ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને દિલ્હી તેડાવ્યા હતા. સામંત તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા હોવાની જાણકારી મળી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અથવા આગામી રાજકીય રણનીતિ પર ચર્ચા થવાની ધારણા છે. એકનાથ શિંદે ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા, જેના કારણે તેમની દિલ્હીની મુલાકાતને ખાસ મહત્વ મળ્યું છે.

મુંબઈમાં મહત્વપૂર્ણ બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે શિંદેના દિલ્હી આગમનથી રાજકીય નિરીક્ષકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે શાસક પક્ષ કહી રહ્યું છે કે આ મુલાકાત રાજ્યની માંગણીઓ માટે છે, પરંતુ આ મુલાકાતોએ રાજ્યના રાજકારણમાં કેટલાક મોટા ફેરફારોની ચર્ચા પણ જગાવી છે.

.આ બધાની વચ્ચે એવી જાણકારી પણ સામે આવી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દિલ્હીની મુલાકાત લેશે. મુખ્ય પ્રધાન કેન્દ્રીય સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં હાજરી આપશે એવું જણાવવામાં આવ્યું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાં ટિકિટ વિતરણ અંગે કેન્દ્રીય ભાજપમાં ફરી મનોમંથન કરવામાં આવી રહ્યું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં પણ કેન્દ્રીય સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.