કરપ્શનના ત્રણ કેસમાં એસીબીએ આરોપીની 6.63 કરોડની મિલકત જપ્ત કરવાની સરકાર પાસે પરવાનગી માગી
યોગેશ સી પટેલ
મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગુનો નોંધવામાં આવ્યા છતાં સંબંધિત વિભાગ દ્વારા 208 અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરવામાં ન આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સસ્પેન્ડ ન કરાયેલાઓમાં સૌથી વધુ મુંબઈ અને થાણે રિજનના અધિકારી છે. બીજી બાજુ, એસીબીએ લાંચના ત્રણ કેસમાં આરોપીઓની 6.63 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવાની પરવાનગી રાજ્ય સરકાર પાસે માગી છે.
એસીબીના આંકડા દર્શાવે છે કે અલગ અલગ 20 સરકારી વિભાગોના 208 અધિકારી વિરુદ્ધ એસીબીમાં લાંચના ગુના નોંધવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ગુનો નોંધાયા પછી સંબંધિત વિભાગ દ્વારા એ અધિકારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ 208 અધિકારીને તેમના વિભાગ દ્વારા સેવામાંથી સસ્પેન્ડ જ કરાયા નહોતા.
મળતી માહિતી અનુસાર અધિકારીઓને સસ્પેન્ડ ન કરાયા હોય તેવા સૌથી વધુ કેસ થાણેના છે. થાણેના 44 કેસમાં અધિકારીને સસ્પેન્ડ કરાયા નથી. ત્યાર બાદ મુંબઈના 43, છત્રપતિ સંભાજી નગરના 29, નાશિકના 24, પુણેના 23, અમરાવતી અને નાગપુરના 17-17 તેમ જ નાંદેડના 11 કેસમાં અધિકારી પર જાણે રહેમ દાખવવામાં આવી હતી. આશ્ર્ચર્યજનક બાબત એટલે આમાંથી અમુક કેસ તો 2014માં નોંધાયા હતા અને ત્યારથી સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરાયા નહોતા.
એસીબી અનુસાર સસ્પેન્ડ ન કરાયા હોય તેવા 49 અધિકારી એજ્યુકેશન/સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના છે અને ત્યાર બાદ મહાપાલિકા/અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના 34 અધિકારીનો સમાવેશ થાય છે.
દરમિયાન એસીબી દ્વારા ત્રણ કેસના આરોપી સરકારી અધિકારીઓની 6.63 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવા સંબંધી પ્રસ્તાવ સરકારને મોકલાવ્યો છે. આ ત્રણ કેસમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, વૉટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે કેસ પુણે રૅન્જ અને એક છત્રપતિ સંભાજીનગર રૅન્જનો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.