Fri Apr 17 2026

Logo

કાળમુખો સોમવારઃ કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર સિમેન્ટ મિક્સર અને કારનો ભીષણ અકસ્માત, 11ના મૃત્યુ

2026-04-13 14:58:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર સોમવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં સિમેન્ટ મિક્સર અને ઈકો ટેક્સી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. 

અકસ્માત બાબતે સામે આવી રહેલી પ્રાથમિક માહિતી મુજબ મુરબાડથી કલ્યાણ તરફ જઈ રહેલા મુસાફરો માટે સોમવારની સવાર કાળમુખી સાબિત થઈ હતી. પાંજાર પુલ પર સવારે 11.15 કલાકે આ ભીષણ ટક્કર થઈ હતી. મુસાફરોથી ભરેલી ઈકો કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતા સિમેન્ટ મિક્સરે તેને જોરદાર ટક્કર મારી હતી.

કારમાં કુલ 12 મુસાફરો સવાર હતા, જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માત એટલો બધો ભીષણ હતો કે કારના લોખંડી માળખાને ઓળખવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. આટલા ભયાનક અકસ્માતમાં એક વૃદ્ધાનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કચડાઈ ગયેલી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં જ ટિટવાલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક પંચનામું કરવાનું શરૂ કર્યું છે અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકોનો આંકડો હજી સુધી આપવામાં નથી આવ્યો, પરંતુ આ આંકડો મોટો હોઈ શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ અકસ્માત કઈ રીતે થયો એનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ તે અંગે તપાસ કરી રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતમાં ગુજરાત પછી મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત નોંધાયા છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર ટ્રકચાલકે ચપેટમાં લેતા સાત લોકોનાં મોતના અહેવાલ બાદ મહારાષ્ટ્રના કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર સિમેન્ટ મિક્સર અને કારનો ભીષણ અકસ્માતમાં અગિયાર લોકોનાં મોતથી આજનો દિવસ બંને રાજ્યો માટે ગમખ્વાર રહ્યો છે.