મૃતકની પત્ની-ભાઈ સાથે મળી પોલીસ અને તબીબી અધિકારીઓએ ઘડ્યું કાવતરું: નવની ધરપકડ
મુંબઈ: ઈન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા મેળવવા માટે લિવરની બીમારીથી મરેલો શખસ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું દર્શાવવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના જળગાંવ જિલ્લામાં બની હતી. પોલીસે ચાર પોલીસ કર્મચારી અને તબીબી અધિકારી સહિત નવ જણની ધરપકડ કરી હતી.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ તપાસ બાદ મૃતકની પત્ની અરુણા જાધવ, ભાઈ મિથુન જાધવ, ચાલીસગાંવ ગ્રામીણ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર મંદાર કરંબલેકર, પોલીસ કર્મચારીઓ મહેન્દ્ર પાટીલ, સુનીલ નિકમ, રવીન્દ્ર બત્તિસે અને સચિન કદમ તેમ જ ઈન્સ્યોરન્સ એજન્ટ્સ પ્રવીણ પાટીલ અને પ્રેમ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. નવેનવ આરોપીની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
અકસ્માતની ખોટી વાર્તા બનાવીને આરોપીઓની ટોળકીએ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી 50 લાખ રૂપિયા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે જળગાંવના ચાલીસગાંવમાં થયેલી કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. મૃતક રાજેન્દ્ર શાલિન્દર જાધવની પત્ની અરુણાએ ઈન્સ્યોરન્સ ક્લેઈમ કર્યો હતો.
ઈન્સ્યોરન્સ કરાયેલા દાવામાં જણાવાયું હતું કે રાજેન્દ્ર દહિવડથી માલેગાંવ બાઈક પર જતો હતો ત્યારે એસયુવીએ તેની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજેન્દ્રને ચાલીસગાંવ ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ અંગે મેહુનબરે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
દાવાની ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અનેક વિસંગતિ સામે આવી હતી. તપાસમાં જણાયું હતું કે રાજેન્દ્રનું મૃત્યુ ખરેખર તો ફેબ્રુઆરી, 2024માં લિવરની બીમારીથી થયું હતું. ઉપરાંત, રાજેન્દ્રના ઘરમાં લાગેલી તસવીર પર તેના મૃત્યુની તારીખ 23 ફેબ્રુઆરી, 2024 લખેલી હતી. વળી, ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં પણ તેના મૃત્યુની નોંધ કરાઈ નહોતી.
ચોંકાવનારી બાબત એટલે રાજેન્દ્રના નામે 10 કંપની પાસેથી ઈન્સ્યોરન્સ પૉલિસી કઢાવવામાં આવી હતી. અકસ્માતનો ખોટો કેસ નોંધીને બનાવટી દસ્તાવેજોની મદદથી ઈન્સ્યોરન્સનાં નાણાં મેળવવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું જણાયું હતું. પરિણામે ઈન્સ્યોરન્સ કંપની દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
પોલીસને શંકા છે કે આ મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરીને આરોપીના જૂથે વિવિધ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી 7.5 કરોડ રૂપિયાના દાવા મેળવવાના પ્રયાસ કર્યા હતા. (પીટીઆઈ)