Fri Apr 17 2026

Logo

ક્રૂડતેલના ભાવ ઉછળતાં રૂપિયો 89 પૈસા ગબડીને 94ની પાર

2026-03-27 19:48:51
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને પશ્ચિમ એશિયના વિવાદને કારણે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલાં હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવમાં તેજીનો અન્ડરટોન અને આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 89 પૈસા તૂટીને 94.85ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે માસાન્તને કારણે આયાતકારોની પણ ડૉલરમાં લેવાલી પ્રબળ રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 93.96ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.18ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.85 અને ઉપરમાં 94.18ની રેન્જમાં રહ્યા બાદ અંતે 89 પૈસાના ઘટાડા સાથે 94.85ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે (ગુરુવારે)બજાર રામનવમી નિમિત્તે બંધ રહી હતી, જ્યારે તે પૂર્વે ગુરુવારે ડૉલર સામે રૂપિયો 20 પૈસાના ઘટાડા સાથે 93.96ના મથાળે બંધ રહ્યો હતો. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.11 ટકા વધીને 100ની સપાટી આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.53 ટકા વધીને બેરલદીઠ 109.8 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1690.23 પૉઈન્ટનો અને 486.85 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી અને ગત બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1805.37 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.