નવી દિલ્હીઃ દર વર્ષે બજેટ રજૂ થાય ત્યારે ઈલેક્ટ્રોનિકસ ડિવાઈસ અને ફોન સસ્તા થશે કે મોંઘા એ અંગે લાંબી ચર્ચા થાય છે. ટેલિકોમ કંપનીઓની સર્વિસને લઈને અનેકવાર ઘણા વિવાદ થયા છે પણ સરકાર હવે ટેલિકોમ ક્ષેત્રને લઈ કંઈક નવું સાહસ કરવા જઈ રહી છે. ભારતમાં આવનારા સમયમાં મોબાઈલ ઈન્ટરનેટ માટે વધારે રકમ ચૂકવવી પડશે. મોબાઈલ રીચાર્જ મોંઘા થતાં ઈન્ટરનેટ વપરાશકારોમાં સિસકારો બોલી ગયો હતો. સરકાર હવે મોબાઈલ ઈન્ટરનેટ ડેટા પર નવો ટેક્સ લગાવવાના મૂડમાં છે.
ઈન્ટરનેટ ડેટા પર ટેક્સ?
રીપોર્ટ અનુસાર આ વિષય પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, આ વિષય પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સવાલ એ પણ થાય છે કે, શું ઈન્ટરનેટ ડેટા પર ટેક્સ શક્ય છે ખરા? તાજેતરમાં ટેલિકોમ સેક્ટરની એક રીવ્યૂ બેઠકમાં આ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ પછી મંત્રાલયે કહ્યું હતું કે, યોગ્ય મુદ્દાની તપાસ કરવામાં આવશે. જો ઈન્ટરનેટ ડેટા પર ટેક્સ લગાવવામાં આવે તો એનું મોડલ શું હશે એ અંગે સ્પષ્ટતા કરાશે. સરકાર જે વિક્લ્પ પર વિચારણા કરી રહી છે એમાં ₹1 પ્રતિ GB ડેટા પર ટેક્સ લાગુ થઈ શકે છે.
ભારતમાં ઈન્ટરનેટ સસ્તુ
જો આવું થશે તો દરેક યુઝર જે મોબાઈલથી ઈન્ટરનેટનો ઉપયોગ કરશે એને રીચાર્જ સાથે વધારાના પૈસા ભરવાનો વારો આવશે. આ પોલીસીથી સરકારને ₹22,900 કરોડની કમાણી થઈ શકે છે. જોકે, આ પ્રસ્તાવ પર હજું સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. ભારત દુનિયાના એ દેશમાં આવે છે જ્યાં ઈન્ટરનેટ સસ્તુ છે. સસ્તા ઈન્ટરનેટ ડેટાના કારણે ઝડપથી સર્ફિગ થઈ રહ્યું છે. વિડિયો સ્ટ્રિમિંગ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને રીલ્સ પર મોટી માત્રામાં ડેટાનો ઉપયોગ થાય છે. હકીકત એ પણ છે કે, મોબાઈલ રીચાર્જ અને પોસ્ટપેઈડ બિલ પર હાલમાં 18 ટકા જીએસટી વસુલવામાં આવે છે. યુઝર્સ ઓલરેડી ટેલિકોમ કંપનીઓને ટેક્સ આપી જ રહ્યા છે.
ડેટા પર અલગ ટેક્સ
જો ઈન્ટરનેટ ડેટા પર અલગથી ટેક્સની વસૂલાત કરવામાં આવશે તો હાલના ટેક્સ કરતા વધારાનો ચાર્જ ટેક્સ પેટે ચૂકવવો પડશે. હાલ મંત્રાલયનું એવું કહેવું છે કે,આ વિષય પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ફાયદો અને નુકસાન અંગે વિચાર કરવામાં આવશે. રીપોર્ટ તૈયાર થયા બાદ સરકાર નિર્ણય કરશે અને જાહેર કરવામાં આવશે. સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ સત્તાવાર નિવેદન સરકારે જાહેર કર્યું નથી.