મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને જ્યારે તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું જાય ત્યારે તેને 'હીટવેવ' તરીકે ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આપણું શરીર કુદરતી રીતે લોહીના પરિભ્રમણ અને પરસેવા દ્વારા ઠંડક જાળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણી કેટલીક નાની ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં હીટવેવ અને ઉનાળામાં કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ એ વિશે વાત કરીશું.
દેશભરના અનેક રાજ્યો અને શહેરમાં માર્ચ મહિનામાં જ તાપમાને 40 ડિગ્રીનો આંકડો પાર કરી દીધો છે. માર્ચ મહિનામાં પડેલી કાળઝાળ ગરમીએ નાગરિકોને અકળાવી દીધા છે. સતત વધતી જતી ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે આપણે રોજબરોજના જીવનમાં કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી તબિયત ખરાબ થવાની શક્યતા વધી જાય છે. આજે આપણે આ સ્ટોરીમાં કેટલીક એવી ભૂલો વિશે જ વાત કરીશું જે ઉનાળામાં કરવાથી બચવું જોઈએ.

પૂરતું પાણી પીવાનું રાખો
ઉનાળામાં પરસેવા વાટે શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે. જો તમે તરસ લાગે તેની રાહ જોશો, તો શરીરમાં પાણીની ઘટ (ડિહાઈડ્રેશન) થઈ શકે છે. તેનાથી ચક્કર આવવા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ સર્જાય છે.
બપોરે બહાર નીકળવાનું ટાળો
હીટવેવ હોય કે પછી ઉનાળામાં બપોરના સમયે એટલે કે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સૂર્યનો તાપ વધારે હોય છે એટલે આ સમયમાં ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ સમયે સીધા તડકામાં રહેવાથી હીટ સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી જાય છે. અનિવાર્ય સંજોગો સિવાય આ સમયે ઘરની બહાર ન નીકળવું.

ડાર્ક અને ટાઈટ કપડાં પહેરવાનું ટાળો
ઉનાળાના સમયમાં બ્લેક કે ડાર્ક રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. ડાર્ક અને બ્લેક કલર ગરમીને વધારે શોષે છે, જ્યારે ચુસ્ત કપડાં ત્વચા સુધી હવા પહોંચવા દેતા નથી. પરિણામે ઉનાળામાં હંમેશા જ હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જોઈએ.
બોડીના ઈન્ડિકેશનને ઈગ્નોર ના કરશો
જો તમને સ્નાયુઓમાં ખેંચાણ, ઉબકા કે વધુ પડતો થાક લાગે, તો સમજવું કે શરીર ગરમી સામે લડી રહ્યું છે. આ સંકેતોને સામાન્ય માનીને અવગણવા નહીં, તરત જ ઠંડી જગ્યાએ જઈ આરામ કરવો.

કેફીન અને આલ્કોહોલથી દૂર રહો
ઉનાળામાં તેમ જ હીટવેવની આગાહી હોય એવા સમયે કેફીન અને આલ્કોહોલથી દૂર રહેવું જ હિતાવહ છે. નિષ્ણાતોના મતે ચા, કોફી કે દારૂ પીવાથી શરીરમાંથી પ્રવાહી બહાર નીકળવાનું પ્રમાણ વધી જાય છે, જે ડિહાઈડ્રેશન નોતરે છે. તેની જગ્યાએ તાજા ફળોનો રસ, નારિયેળ પાણી કે ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક્સ લેવા જોઈએ.
ભૂખ્યા રહેવાનું ટાળો
સામાન્યપણે એવું જોવા મળે છે કે આપણામાંથી મોટાભાગના લોકોને ઉનાળામાં ભૂખ ખૂબ જ ઓછી લાગે છે, પણ બોડીને એનર્જીની જરૂર તો એટલી જ હોય છે. આવી સ્થિતિમાં ભૂખ્યા રહેવાને બદલે તમે તમારા ડાયેટમાં કાકડી, તરબૂચ કે દહીં જેવા પાણીથી ભરપૂર અને હળવો ખોરાક લેવાનું રાખવું જોઈએ.

હેવી વર્કઆઉટ કે વધારે પડતો શ્રમ ના કરો
ઉનાળામાં અને એમાં પણ ખાસ કરીને હીટવેવ હોય એ સમયે બપોરના સમયે જીમ કે વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટી કરવાથી હાર્ટ પર પ્રેશર આવે છે. આ સિવાય એવું કરવાથી બોડીનું ટેમ્પરેચર પણ અચાનક વધી શકે છે, તેથી બપોરના સમયે હેવી વર્કઆઉટ કે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બચવું જોઈએ. એક્સસાઈઝ વગેરે કરવા માટે વહેલી સવાર કે મોડી સાંજનો સમય જ પસંદ કરવો.
બાળકો અને વૃદ્ધોએ રાખવા જેવી ખાસ તકેદારી
પ્રૌઢ વયસ્ક લોકોની સરખામણીએ બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેને કારણે તેમના પર હીટવેવની અસર સૌથી ઝડપથી થાય છે. તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળે અને તેઓ ઠંડા વાતાવરણમાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.