Fri Apr 17 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટી: LPGની અછત વચ્ચે ઈન્ડક્શન હીટરનું ઉત્પાદન વધારવા સરકારની મોટી હિલચાલ

2026-04-03 20:56:17
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે સ્થાનિક સ્તરે એલપીજી (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ)ની ઉપલબ્ધિની ચિંતા સપાટી પર આવતાં ઈન્ડક્શન હીટર અને તેને અનુરૂપ વાસણોના ઉત્પાદનમાં વધારો કરવા કંપનીઓને પ્રોત્સાહિત કરવા સરકારે એક ચર્ચાનું આયોજન કર્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે તેલ અને કુદરતી ગૅસનું પરિવહન થતું હતું તે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ વિક્ષેપિત થતાં રાંધણ ગૅસના પુરવઠા પર માઠી અસર પડતાં લોકો ઈન્ડક્શન હીટર અને તેને અનુરૂપ વાસણોની ખરીદી તરફ ઘસારો વધ્યો છે. 

આજે વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલના વડપણ હેઠળ પાવર સચિવ પંકજ અગરવાલ, ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) લવ અગરવાલ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ(ડીપીઆઈઆઈટી)સચિવ અમરદીપ સિંઘ ભાટિયા સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈન્ડક્શન હીટર અને તેને અનુરૂપ ઈન્ડક્શન કૂકર જેવાં વાસણોનાં ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી કેમ કે આ ઉત્પાદનોના વેચાણમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ઉદ્યોગના ખેલાડીઓનાં જણાવ્યાનુસાર પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થતાં રાંધણગૅસની ચિંતા સપાટી પર આવતા ઈન્ડક્શન કૂક ટોપ અને ઈલેક્ટ્રિક કિટલીનાં વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

નોંધનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયાની કટોકટીને ધ્યાનમાં લેતા અન્ય ક્ષેત્રો સાથે સપ્લાય ચેઈન જાળવી રાખવા અને ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને ટેક્સ્ટાઈલ જેવાં ક્ષેત્રોને રાહત માટે સરકારે ગત ગુરુવારે મહત્ત્વના પેટ્રોકેમિકલ ઉત્પાદનોને આગામી ત્રણ મહિના સુધી અથવા તો આગામી 30મી જૂન સુધી કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

સરકારના આ પગલાંથી પેટ્રોકેમિકલ ફિડસ્ટોક અને પ્લાસ્ટિક પેકેજિંગ, ટેક્સ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઑટોમેટિવ કમ્પોનન્ટ્સ, અને અન્ય મેન્યુફેક્ચરિંગ સેગ્મેન્ટ્સ પર નિર્ભર ક્ષેત્રોને ડ્યૂટી છૂટનો લાભ મળશે. જોકે, તેને કારણે સરકારી તિજોરી પર રૂ. 1800 કરોડનું ભારણ વધશે. ભારત ક્રૂડતેલ અને ખાતરનો મુખ્ય આયાતકાર દેશ છે અને પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે શિપિંગ માર્ગ વિક્ષેપિત થતાં ખાતર, ક્રૂડતેલ અને કુદરતી ગૅસની આયાત પર માઠી અસર થઈ છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરતાં ઈરાને પણ વળતા હુમલાઓ કર્યા હતા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરતાં સ્થાનિકમાં કુદરતી ગૅસના પુરવઠાની ચિંતા સપાટી પર આવી છે.