કચ્છની ગીતા રબારીનાં ટહુકાએ ભાવિકોને જલસો કરાવ્યો
મુંબઈ: ભૌતિક સ્વરૂપમાં ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ અને સંગીત જલસો મુંબઈના પશ્ર્ચિમ પરાનાં બોરીવલીમાં ચાલી રહ્યો છે. જોકે, શનિવારે સાંજે કચ્છની કોયલ ગીતા રબારીના ટહુકાથી ચીકુવાડી સ્થિત સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલની સનાતન નગરી ગોકુળ, અયોધ્યા અને કૈલાશમાં પરિવર્તિત થઈ ગઈ હોય એવું વાતાવરણ ખડું થયું હતું. ‘કૌન કેહતે હૈં કે ભગવાન આતે નહીં, લોગ મીરાં કે જૈસે બુલાતે નહીં’ તેમ જ ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાએંગે, રામ આએંગે’ અને ‘ઓમ નમ: શિવાય’ના સૂર રેલાતા સમસ્ત એસી ડોમ ભક્તિ નગરી બની ગયો.

ગીતો અને ભજનો માટે ખ્યાતિ ધરાવતી ગીતા રબારીના સંગીત જલસાનો પ્રારંભ ગણેશજીની સ્તુતિથી થયો હતો. દુહો રજૂ કરી ’ગુલાલ’ ફિલ્મ માટે મૂળ પીયૂષ મિશ્રાએ ગાયેલા ‘આરંભ હૈ પ્રચંડ બોલે મસ્તકોં કે ઝૂંડ’ ગીતને ગીતા રબારીએ એવા જ આવેશ અને જુસ્સા સાથે રજૂ કર્યું ત્યારે શ્રોતાગણ ઝૂમી ઊઠ્યો હતો. પછી ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે’ અને ‘તારી આંખનો અફીણી’ જેવા ગીત રજૂ કર્યા જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા. ત્યારબાદ ‘મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાએંગે’ રજૂ થયું અને સ્ટેજ પર ગીતા રબારી ગાઈ રહી હતી અને કોરસ વૃંદમાં તેમના સાથી ગાયકો સાથે હાજર મેદની જોડાઈ ગઈ હતી. ‘હું તો તને વારું રે મણિયારો’ અને ‘ક્ધહૈયા જા જા જા’ સાથે ‘નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી’ ઉપાડ્યું ત્યારે ડોમમાં છેક છેલ્લી હરોળ સુધી નાના નાના ગ્રૂપ મસ્તીથી ઝૂમી રહ્યા હતા અને ગોકુળ નગરીનો એહસાસ કરાવતા હતા. ભક્તિ અને શક્તિનો આ જલસો એક યાદગાર સંભારણું બની ગયો.

‘મુંબઈ સમાચાર’ના આ અનોખા પ્રયાસને બિરદાવવા ભારતીય જનતા પક્ષના બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય અને નગરસેવક શિવા શેટ્ટી હાજર રહ્યા હતા. નીલેશ દવેએ શાલ ઓઢાડી સંજય ભાઈનું સન્માન કર્યું હતું અને તેમને મોમેન્ટો અર્પણ કર્યો હતો. ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથી સૌરભભાઈ મહેતાએ શાલ ઓઢાડીને સહ મનોરથી રમેશભાઈ પારેખએ મોમેન્ટો આપી ભાજપના નગરસેવક શિવા શેટ્ટીનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સંજય ઉપાધ્યાયએ ગીતા રબારીનું સન્માન કરી તેમને મોમેન્ટો આપ્યો હતો.

ભક્તિમય વાતાવરણને અનુરૂપ સંજય ભાઈએ ‘અંબે માત કી જય’, ‘જય શ્રી રામ’, ‘હર હર માહદેવ’ અને ‘કૃષ્ણ કનૈયાલાલ કી જય’ના નારા કર્યા હતા જેને સનાતન નગરીમાં હાજર રહેલા ભાવિકોએ વધાવી લીધો હતો. વકતવ્યમાં તેમણે કહ્યું હતું કે ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ માટે બોરીવલીને પસંદ કર્યું એ માટે હું આભાર વ્યક્ત કરું છું. બોરીવલી ધર્મની અને આધ્યાત્મની નગરી છે. અહીં કલાપ્રેમીઓ અને સંસ્કૃતિના રક્ષક રહે છે. અને હા, બોરીવલીની જનતા ગીતા રબારીની ચાહક છે. ભાઈશ્રી રમેશભાઈની સપ્તાહમાં લોકોનો સહભાગ જોઈ એનો ઉદ્દેશ સફળ થયો છે એ વાત નક્કી છે. દુનિયામાં લડાઈ ચાલી રહી છે ત્યારે બોરીવલીમાં લોકો ગીતા રબારી સાથે ઝૂમી રહ્યા છે. આ જ છે ‘સનાતન ધર્મની શક્તિ.’ અંતમાં ગીતા રબારીએ સરસ આયોજન બદલ આનંદ વ્યક્ત કરી માતૃભાષા સાચવવાના ‘મુંબઈ સમાચાર’ના પ્રયાસની પ્રશંસા કરી આયોજકોનો આભાર માન્યો હતો.

‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે ગીતાબહેન રબારીનાં કાર્યક્રમના મુખ્ય મનોરથી ફલક પ્રીતિ વિજય શાહ