Fri Apr 17 2026

Logo

ગાંધીધામના ૧૮૨ કરોડના સાયબર ફ્રોડના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ બેંકના કર્મચારીની ધરપકડ

2026-02-28 14:34:00
Author: MayurKumar Patel
Article Image

ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં તાજેતરમાં બહાર આવેલા સાયબર ફ્રોડના પ્રકરણમાં સામેલ એક બેંકના ત્રણ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરતાં રાજ્યભરના બેન્કિંગ આલમમાં ચકચાર મચી ગઈ છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છના વિસ્તારના કેટલાક ગરીબ-અભણ વ્યક્તિઓને લોભ-લાલચ આપી, તેમના દસ્તાવેજો વડે સોફા ભાડે આપવાની બોગસ પેઢીઓ બનાવીને તેના બેંક ખાતાંઓ દેશભરમાં સાયબર ઠગાઇ આચરતા રહેતા સાયબર ક્રિમિનલોને કમિશનથી ભાડે આપી દેવાનું આ કૌભાંડ બહાર આવ્યું હતું. 

કોની કોની થઈ ધરપકડ

તપાસમાં જાણવા મળ્યું હતું કે, કુલ ૮૧ જેટલા બેંક ખાતા ખોલાવી તેમાં સાયબર ઠગાઈ દ્વારા મેળવાયેલા રૂા. ૧૮૨ કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. ૭૪ જેટલા ખાતાધારક સામે જુદા-જુદા રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી યશ મૂલચંદ ભાટિયા, સિદ્ધાર્થ સુનીલ સોની, સાહિલ દિનેશ શર્મા, અલ્પેશ સુરેશ લુહાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. 

ત્યારબાદ રાપરના ઇલુભા મંગુભા જાડેજા નામના શખ્સને પણ ઝડપી લેવાયો હતો. મોટી રવનો વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુભા બાલુભા જાડેજા અને મુખ્ય આરોપી વિજય રાણા નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જ્યારે હાર્દિક હરેશ રાજગોર અગાઉના ગુનામાં જેલમાં છે. પકડાયેલા શખ્સોની પૂછપરછ દરમ્યાન એચ.ડી.એફ.સી. બેંકની કાસેઝ શાખાના ચંદન કપિલ પંડયા, એજન્સી મેનેજર યાસિન રમજુ સાયચા, જના બેંક ગાંધીધામના હિતેશ કિશન કપ્તાના નામ તપાસમાં બહાર આવ્યા હતા તેમજ અગાઉ બેંકમાં કામ કરી ગયેલા દીપક જેઠાલાલ શર્માનું નામ પણ છતું થયું હતું. 

આ બેંક કર્મીઓએ ખોટી પેઢીઓના નામે કરાર તથા સેવિંગ ખાતા ખોલવામાં મદદ કરી, આરોપીઓ પાસેથી પૈસા મેળવ્યા હતા. ટાર્ગેટ પૂરા કરવા આ ખાતા ખોલવાની લાલચે કમિશન મેળવી, ઇન્સેન્ટીવના લાભ લીધા હતા તેમજ પેઢીઓના નામે ઇન્વોઇસની ચકાસણી કર્યા વગર આરોપીઓએ બીજાના નામે ખોલવામાં આવેલાં ખાતાઓમાં આચરાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદથી ફ્રીઝ થયેલા ખાતાઓ અનફ્રીઝ કરવામાં પણ બેંકના કર્મીઓએ મદદ કરી હતી. 

ચંદન પંડયા, હિતેશ કપ્ટા, યાસિન સાયચાની પોલીસે ધરપકડ કરી તેમના આગામી તા.૩-૩ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે દીપક શર્માને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સાયબર ક્રાઇમના પી.આઇ. ડી.જી. પટેલે જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય )