Fri Apr 17 2026

Logo

શું તમારા રસોડામાં પણ છે આ જાણીતી બ્રાન્ડના મસાલા? સોશિયલ મીડિયા પર લેબ ટેસ્ટના ચોંકાવનારા દાવાઓ વાઈરલ...

2026-03-11 14:38:00
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયાના આવ્યા બાદ ફેક ન્યુઝ અને અફવાઓનું બજાર તો સતત ગરમ રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર જાણીતી ભારતીય બ્રાન્ડ એવરેસ્ટ (Everest) મસાલાના કેટલાક ઉત્પાદનોના લેબ ટેસ્ટના રિપોર્ટ્સ વાઈરલ થઈ રહ્યા છે, જેને કારણે નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે. આ કથિત અહેવાલોમાં મસાલાની શુદ્ધતા અને તેમાં રહેલા અમુક તત્વો પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. ચાલો આ સ્ટોરીમાં જાણીએ કે આખરે શું છે સચ્ચાઈ... 

એવરેસ્ટ મસાલાની ગણતરીભારતની સૌથી મોટી મસાલા બ્રાન્ડ્સમાં કરવામાં આવે છે, જોકે એના કેટલાક ચોક્કસ પ્રોડક્ટ અત્યારે તપાસના દાયરામાં અને વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ બાબતે હજી સુધી સરકાર કે સંબંધિત કંપની દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ દાવાઓ પર કેટલો ભરોસો કરી શકાય એ એક પ્રશ્નાર્થ ચિહ્ન જ છે. 

લેબ ટેસ્ટમાં આવ્યા ચોંકાવનારા પરિણામો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એવરેસ્ટના કેટલાક મસાલામાં 'એથિલિન ઓક્સાઈડ' (Ethylene Oxide) નામના જંતુનાશકનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધુ જોવા મળ્યું છે. આ કેમિકલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી અને કેન્સરકારક (Carcinogenic) હોવાનું મનાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અગાઉ થયેલી કાર્યવાહી
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે કોઈ ઈન્ડિયન મસાલાની બ્રાન્ડ અને તેના પ્રોડક્ટની ગુણવત્તા સામે સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હોય. આ પહેલાં પણ સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોએ પણ ભારતીય બ્રાન્ડ્સના અમુક મસાલામાં હાનિકારક તત્વો કે કેમિકલ્સનો ઉપયોગ કરાયો હોવાના દાવાને આધારે તેમના વેચાણ પર રોક લગાવી હતી અથવા તો તેને પાછા મંગાવ્યા હોવાના દાખલા જોવા મળી ચૂક્યા છે. 

કંપનીનું શું કહેવું છે?
એવરેસ્ટ કંપની દ્વારા આ અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના પ્રોડક્ટ્સ તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરે છે અને કડક ગુણવત્તા તપાસ બાદ જ બજારમાં મૂકવામાં આવે છે. વાત કરીએ આ આખા મામલામાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભૂમિકાની તો તેઓ આ મામલે ખૂબ જ સતર્ક છે અને સેમ્પલ્સની તપાસ કરીને રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરી શકે છે.

તમે શું ધ્યાનમાં રાખશો?
નિષ્ણાતોના મતે જ્યાં સુધી આ બાબતે કોઈ ઓફિશિયલ રિપોર્ટ્સ કે પછી ગર્વન્મેન્ટ એજન્સી દ્વારા ઓફિશિયલી એનાઉન્ટમેન્ટ કે એડવાઈઝરી ના આપવામાં આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા પરની આવી અફવાઓ કે દૂર રહેવું જોઈએ. જોકે, ગ્રાહકો પેકિંગ પરની વિગતો અને એક્સપાયરી ડેટ હંમેશા તપાસીને તકેદારીના પગલાં લઈ શકે છે.