પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય ખેંચતાણ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક અત્યંત સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે ઈરાનની લશ્કરી શક્તિ તૂટી ભાંગી છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે, કારણ કે ટ્રમ્પે ઈરાની વાયુસેના અને નૌસેનાને થયેલા ભારે નુકસાનનો સીધો ઉલ્લેખ કર્યો છે.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાએ ઈરાનના 44 જેટલા નૌસેનાના જહાજો અને તેમની વાયુસેનાના લગભગ તમામ વિમાનોને તોડી પાડ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે તેમના મિસાઈલ નિર્માણ ક્ષેત્રો પર ભારે હુમલા કર્યા છે, જેના કારણે હવે તેઓ વધુ મિસાઈલો છોડવાની સ્થિતિમાં નથી. તેમની ડ્રોન ક્ષમતા પણ નબળી પડી છે અને ઈરાની સેના હવે લગભગ નહિવત્ જેવી જ બચી છે." જોકે, ભવિષ્યના હુમલા અંગે તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય હજુ લેવાનો બાકી છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું રશિયા આ મુશ્કેલ સમયમાં ઈરાનને મદદ કરી રહ્યું છે, ત્યારે તેમણે આ વાતને નકારી કાઢી હતી. ટ્રમ્પે કટાક્ષ કરતા જણાવ્યું કે તેમની પાસે એવા કોઈ સંકેત નથી કે રશિયા ઈરાનનું સમર્થન કરી રહ્યું છે. તેમણે મજાકિયા અંદાજમાં ઉમેર્યું કે જો રશિયા ખરેખર મદદ કરી રહ્યું હોય, તો પણ તે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યું છે, કારણ કે અત્યારે ઈરાનની આર્થિક અને સૈન્ય સ્થિતિ અત્યંત દયનીય છે.
વૈશ્વિક તેલ બજાર અને વધતી કિંમતો અંગે વાત કરતા ટ્રમ્પે અમેરિકાની આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. તેમણે સંકેત આપ્યો કે અમેરિકા તેલની કિંમતો પર દબાણ ઓછું કરવા માટે કડક પગલાં લઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, "અમારા દેશ પાસે તેલનો વિપુલ જથ્થો છે. જમીન અને સમુદ્ર બંનેમાં અમારો તેલ ભંડાર એટલો મોટો છે કે આપણે અન્ય કોઈ દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી."