નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક મોટી હોનારત ટળી ગઈ. બે વિમાનની પાંખો ટકરાઈ જતા એરપોર્ટ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. બંને વિમાનની પાંખો પરસ્પર ટકરાયા પછી બંનેને ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા હતા. સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને પ્લેનને ગંભીર નુકસાન થયું છે.
સ્પાઈસ જેટ અને અકાસા એરલાઈનના વિમાનની પાંખો ટકરાઈ હતી. અકાસા એરલાઈનનું વિમાન (ક્યુપી 1406) દિલ્હીથી હૈદરાબાદ જઈ રહ્યું હતું, જ્યારે સ્પાઈસજેટનું વિમાન (બી737-700) લેહથી આવી રહ્યું હતું, ત્યારે રનવેથી ગેટ તરફ જતી વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માત વખતે બંને એરક્રાફટની વિંગ પરસ્પર ટકરાઈ હતી. એરલાઈને કહ્યું કે તેમણે તમામ નિયમોનું પાલન કરીને ડીજીસીએ સહિત સંબંધિત એજન્સીને તમામ જાણકારી પૂરી પાડવામાં આવી છે.
બંને પ્લેનને પહોંચ્યું ગંભીર નુકસાન
આ અકસ્માત ટર્મિનલ એકની નજીક જ્યારે અકાસા એરલાઈનનું વિમાન પુશબેક માટે ઊભું રાખવામાં આવ્યું હતું અને સ્પાઈસજેટનું વિમાન લેહથી આવ્યું હતું. જોકે, બંને વિમાનની પાંખો પરસ્પર ટકારાયા પછી સ્પાઈસજેટના વિમાનની રાઈટ વિંગ અને અકાસા એરલાઈનના લેફ્ટ સ્ટેબલાઈઝરને નુકસાન પહોંચ્યું છે. બંને પ્લેનને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે કોઈ પ્રવાસી અથવા ક્રૂને ઈજા પહોંચી નથી, એમ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું.
સ્પાઈસજેટના વિમાનને દિલ્હીમાં રોકી દેવાયું
આ અકસ્માત અંગે સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે સ્પાઈસજેટ B737-700 વિમાન જ્યારે ટેક્સી કરી રહ્યું હતું, જ્યારે બીજી એરલાઈનનું વિમાનને ટકરાયું હતું. ટક્કરને કારણે સ્પાઈસજેટના વિમાનની પાંખને નુકસાન થયું હતું. ઉપરાંત, વિમાનના પાછળના ભાગને નુકસાન થયું છે. સ્પાઈસજેટના વિમાનને દિલ્હીમાં જ રોકી દેવામાં આવ્યું હતું.
પ્રવાસીઓને બીજા વિમાનથી મોકલ્યા હૈદરાબાદ
અકાસા એરના પ્રવક્તાએ કહ્યું કે દિલ્હીથી હૈદરાબાદ જનારી અકાસા એરની ફ્લાઈટ (QP 1406)ની સાથે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત સર્જાયો, જ્યારે વિમાન ઊભું હતું, ત્યારે બીજું વિમાન ટકરાયું હતું, જેને કારણે ફલાઈટની ઉડાન કેન્સલ કરવામાં આવી હતી, ત્યાર પછી વિમાનને પાર્કિંગમાં લાવવામાં આવ્યું હતું. રાહતની વાત એ છે કે તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર તમામ સુરક્ષિત છે. અકાસા એરલાઈનના પ્રવાસીઓને બીજા વિમાનથી હૈદરાબાદથી મોકલવાની વ્યવસ્થા કરી છે.