Fri Apr 17 2026

Logo

કોમર્શિયલ એલપીજીનો ખોરવાતો પુરવઠોઃ દાર્જિલિંગ ચા ઉદ્યોગમાં ઉત્પાદન ઘટની ચિંતા

2026-03-13 19:43:26
Author: Ramesh Gohil
Article Image

કોલકાતાઃ કોમર્શિયલ-ઔદ્યોગિક એલપીજીની અનુપલબ્ધિને કારણે પશ્ચિમ બંગાળના જિલ્લાઓની ફેક્ટરીઓમાં સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં દાર્જિલિંગના ચાના ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ સ્થાનિક ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે. 

તાજેતરમાં દાર્જિલિંગ ટી એસોસિયેશને કોલકાતા ખાતે ટી બોર્ડનાં નાયબ અધ્યક્ષ (ડેપ્યૂટી ચેરમેન)ને લખેલા પત્રમાં પેટ્રોલિયમ ઍન્ડ નેચરલ ગૅસ મંત્રાલય સાથેના સંદેશવ્યવહારનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તમામ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને માત્ર ઘરગથ્થુ ધોરણે જ પુરવઠો પૂરો પાડવાનો અને માર્કેટિંગ કરવાનું જણાવાયું છે. આ બાબતને ધ્યાનમાં લેતા એસોસિયેશને ચેતવણી આપી હતી કે આ આદેશના પરિણામે ચા એસ્ટેટની ફેક્ટરીઓમાં કોમર્શિયલ એલપીજીના અભાવથી દાર્જિલિંગ ચાના ઉત્પાદન પર માઠી અસર થવાની સાથે સાથે અંદાજે 55,000 કાયમી કામદારોનાં પરિવારોની આજીવિકા પર પણ અસર થશે. 

આથી એસોસિયેશનનાં સભ્યોએ દાર્જિલિંગ ચા ઉદ્યોગની ફેક્ટરીઓને અવિરત કોમર્શિયલ એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરવા પત્રમાં અનુરોધ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં દાર્જિલિંગ ખાતેનાં ચા એસ્ટેટોની ફેક્ટરીઓ જે અગાઉ કોલસા આધારિત હતી તેને એલપીજીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ વિકાસ ખાસ કરીને દાર્જિલિંગ ચા ઉદ્યોગ જ્યારે ઉત્પાદન સંકટનો સામનો કરી રહ્યો હતો તેવાં સંવેદનશીલ સમયગાળામાં થયો છે. 

એસોસિયેશને આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 1990માં ચાનું ઉત્પાદન જે 1.4 કરોડ ટન હતું તે વર્ષ 2024માં ઘટીને 60 લાખ ટનની અંદર ઉતરી ગયું છે અને વર્ષ 2025માં નવી નીચી સપાટી સુધી ઘટવાની શક્યતા છે. વર્ષ 2025માં જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન ઉત્પાદન આગલા વર્ષના સમાનગાળાની તુલનામાં 8.79 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 

આ ઉપરાંત ઉદ્યોગ અનેક મોરચે માળખાકીય પડકારોનો સામનો કરી રહ્યો હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે નેપાળથી આયાત થતી સસ્તી ચા ભારતીય બજારમાં છલકાઈ રહી છે અને તેમાની ઘણી વેરાઈટીઓ સમાન લાક્ષણિકતા ધરાવતી હોવાથી સ્થાનિક દાર્જિલિંગ પ્રમાણિત ચાના ભાવ પર પણ માઠી અસર પડી રહી છે અને ઉત્પાદન પણ સ્થિર થઈ ગયું હોવાનું ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્લેષકોએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે બગીચાઓમાં બદલી કરવા માટે અપૂરતા છોડવાઓ પણ ઉત્પાદન ઘટાડા માટે કારણભૂત છે. વૃદ્ધ થયેલા છોડવાને પુનર્જિવિત કરવા માટે પર્યાપ્ત પ્રયાસો કરવામાં નથી આવ્યા. એકંદરે જો એલપીજીની અછત સર્જાશે તો ફર્સ્ટ ફ્લશની ઉચ્ચ ગુણવત્તાસભર ચાની માગ પર માઠી અસર પડવાની શક્યતા એસોસિયેશને વ્યક્ત કરી છે.