Fri Apr 17 2026

Logo

એટીએસને નામે સિનિયર સિટીઝન દંપતી સાથે 2.84 કરોડનું સાયબર ફ્રોડ

2026-03-29 21:00:20
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈ)ના અધિકારીઓના સ્વાંગમાં સિનિયર આઈપીએસ અધિકારી સદાનંદ દાતેના નામનો ઉપયોગ કરીને કાંજુર માર્ગમાં રહેતા સિનિયર સિટીઝન દંપતી પાસેથી સાયબર ઠગે ‘ડિજિટસ અરેસ્ટ’ને નામે ખાસ્સા 2.84 કરોડ રૂપિયા પડાવ્યા હતા.ઈસ્ટ રિજન સાયબર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર છેતરપિંડીની શરૂઆત 16 ડિસેમ્બર, 2025થી થઈ હતી. 77 વર્ષના રહેવાસીની પત્ની નિવૃત્ત સરકારી અધિકારી છે. તેને પોલીસ અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગે કૉલ કર્યો હતો અને આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા એક બૅન્ક ખાતા સાથે તેમનો આધાર કાર્ડ લિંક હોવાનું જણાવ્યું હતું. આ કેસની તપાસ લખનઊ એટીએસ કરી રહી છે, જેણે 90 આતંકીની ધરપકડ કરી છે. પકડાયેલામાંથી એક આતંકી પાસેથી ફરિયાદીની આધારની વિગતો મળી હોવાનો દાવો ઠગે કર્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે પછી બીજા શખસે એટીએસના અધિકારી તરીકે વાત કરી અને વૉટ્સઍપ પર એનઆઈએના ડિરેક્ટર જનરલ સદાનંદ દાતેના હસ્તાક્ષરવાળું ‘ગુપ્ત એગ્રીમેન્ટ’ મોકલાવ્યું હતું. એ સિવાય આ સ્કૅમ સત્તાવાર હોવાનું દર્શાવવા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના નામનો બનાવટી લેટર પણ મોકલાવ્યો હતો.આરોપીઓએ ફરિયાદીને સિગ્નલ મેસેજિંગ ઍપ ડાઉનલૉડ કરવાની ફરજ પાડી હતી અને દંપતીને ઘરમાં પુરાઈ રહેવાની સૂચના આપી હતી. દંપતી હાલમાં ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. આ અંગે સંતાનો કે અન્ય કોઈને કશી પણ જાણ કરી તો ખરાબ પરિણામ ભોગવવાં પડશે, એવી ધમકી પણ આપી હતી.

તપાસ અને વેરિફિકેશનને નામે આરોપીઓએ દંપતીને ડરાવીને નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. ડરના માર્યા ફરિયાદીએ વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા 2.84 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા પછી આરોપીએ સંપર્ક તોડી નાખ્યો હતો. પછી તેમનો કોઈ સંપર્ક ન થતાં ફરિયાદીએ એનઆઈએની પેડર રોડ ઑફિસે તપાસ કરી હતી. આ સાયબર ફ્રોડ હોવાની ખાતરી થતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.