Fri Apr 17 2026

Logo

ચિંતનઃ અહમ્ નિર્વિકલ્પો

2026-04-06 09:33:00
Author: Hemu Bhikhu
Article Image

 


હેમુ ભીખુ

જ્યારે વિકલ્પ વિશે વિચારવાનું શરૂ થાય ત્યારે જ સૃષ્ટિ પ્રગાઢ બનતી જાય. વિકલ્પ હોય ત્યારે પસંદગી જરૂરી બને અથવા પસંદગી કરવાનું મન થાય.આ પસંદગીની પ્રક્રિયામાં જ વ્યક્તિગત ધારણા, ઈચ્છા, માન્યતા, રસ, પરિણામ, આગળની સંભાવના તથા વ્યક્તિત્વ જેવી બાબતો પ્રવેશે. અહીંથી રાગદ્વેષ શરૂ થાય. અહીં જ ફળની અપેક્ષાથી કર્મની શરૂઆત થાય. અહીં જ સાક્ષીભાવથી વિપરીત તન્મયતા સ્થાપિત થાય. અહીં જ નિષ્કામ કર્મભાવનાથી વિપરીત કર્તાપણાનો ભાવ ઊભરે. જો વિવેક ન હોય તો, અહીંથી જ સંયમ તેમજ મર્યાદાની પાળ તૂટે. 

ત્રિપુરા-રહસ્યમાં જણાવ્યા પ્રમાણે સવિકલ્પતા, અર્થાત સવિકલ્પ સંકલ્પ, સૃષ્ટિનાં પાશને, જન્મ-મરણના બંધનને, અસ્તિત્વની મર્યાદાને સૌથી વધુ નકારાત્મકતાથી પ્રભાવિત કરતી બાબત છે. તેથી જ આદિ શંકરાચાર્ય મહારાજ ‘અહમ્ નિર્વિકલ્પો’ની વાત કરે છે.

જીવનમાં વિકલ્પ સ્વભાવિક પણ છે અને અનિવાર્ય પણ છે, પરંતુ આ વિકલ્પ જ્યારે જીવન પર હાવી થઈ જાય ત્યારે પ્રશ્નો ઊભા થાય. આજે આ ભોજન લેવું છે કે અન્ય, તે વિકલ્પ સામે આવીને ઊભો જ રહે. જ્યારે પસંદ કરાયેલાં વિકલ્પ સાથે તાદાત્મ્યતા ઊભી થાય ત્યારે પ્રશ્નો ઉદ્ભવે. પસંદગી સ્વાભાવિક છે પરંતુ પસંદગી જ્યારે વ્યક્તિગત કામના, અહંકાર, મમત્વ, વિષયો આધારિત, અનૈતિક તેમજ તામસી પ્રકારની હોય ત્યારે શરીર સાથેનું બંધન વધુ દૃઢ બને. આ વાત લગભગ દરેક શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે સ્પષ્ટ જણાવાઈ છે.

વ્યવહારિક ભાષામાં કહીએ તો જ્યાં પસંદગી છે ત્યાં જવાબદારી છે. સંસાર સાથે, સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે પસંદગી કરવાનો અધિકાર વ્યક્તિ પાસે હોય, પરંતુ આ દરેક પસંદગી સાથે કોઈ ઉત્તરદાયિત્વ જોડાયેલું રહે. ઉત્તરદાયિત્વની સ્વીકૃતિ વગરની પસંદગી સમગ્ર વ્યવસ્થાને હાનિ પહોંચાડી શકે. 

ઊંડાણમાં વિચારતાં જણાશે કે આ ઉત્તરદાયિત્વ સાથે નૈતિકતા, સત્ય-અસત્યની સમજ, ન્યાય-અન્યાય માટેની સમજદારી, સમગ્રતા કે વ્યક્તિગતતા, સ્વાર્થ કે પરમાર્થ, તત્કાલીન પ્રાપ્ત થતું ઇન્દ્રિય-સુખ કે સમગ્ર જીવન માટેનો ધ્યેય; ‘શ્રેય અને પ્રેય’ને નિર્ધારિત કરતી આ બાબતો સંકળાયેલી હોય છે. અંતે તો વ્યવહારિક વિકલ્પ પણ ધાર્મિક, નૈતિક તેમજ આધ્યાત્મિક ઘટના બની રહેવી જોઈએ.

પસંદગી માટે માત્ર ‘મને ગમે છે’ એ પ્રકારનો અભિગમ કે માપદંડ પૂરતો નથી. પસંદગી કરતી વખતે વિકલ્પના અંત વિશે જાગ્રતતા, લાંબા ગાળા માટેનો દ્રષ્ટિકોણ, આંતરિક શાંતિ તથા સંતોષ માટેનો આશય, સંસ્કાર સાથેનો તાલમેલ, સમગ્રતા વિશેનું ચિંતન તેમજ માનવીય સંવેદનશીલતા જરૂરી ગણાય. બુદ્ધિશાળી માણસો શ્રેયની પસંદગી કરે, તેની સાથે પણ જ્યારે અહંકાર પ્રવેશે ત્યારે પ્રશ્નો ઊભા થાય. જ્ઞાની જ્ઞાનમાર્ગની પસંદગી કરે, તેની સાથે પણ જ્યારે પરિણામની અપેક્ષા હોય ત્યારે જ્ઞાન પણ અવરોધક બની રહે. 

વિકલ્પ તરીકે સાધના પણ સ્વીકાર્ય છે, તેની સાથે જ્યારે સિદ્ધિની અપેક્ષા સંકળાય ત્યારે સિદ્ધિ પણ ક્યાં તકલીફ ઊભી કરે. સૃષ્ટિનું બંધારણ જ એવું છે કે વિકલ્પ તો હોય, સંસારની પ્રકૃતિ જ એવી છે કે વિરોધાભાસીનું સહઅસ્તિત્વ હોય, અસ્તિત્વની રચના જ એવી છે કે જ્યાં પસંદગીની પસંદગી કરવી પડે. શિવ મહિમ્નમાં જણાવ્યું છે તેમ દરેક વ્યક્તિ પોતાની રુચિ અનુસાર પોતાનાં માર્ગની પસંદગી કરતો હોય છે, અર્થાત્ માર્ગની પસંદગી માટે પણ વિકલ્પો તો છે જ. અગત્યનું એ છે કે જ્યારે પણ વિકલ્પમાંથી એકની પસંદગી કરવામાં આવે ત્યારે તેની સાથે અહંકાર કે મમત્વ સંકળાયેલા ન હોય.

અસ્તિત્વ એ ધબકતી વાસ્તવિકતા છે. જો વિકલ્પ ન હોય તો જીવન યાંત્રિક બની રહે. જો વિકલ્પ ન હોય તો દરેક વ્યક્તિને પોતાની રુચિ અનુસારનું કર્મ કે પોતાનાં કર્મ અનુસારનું ફળ પ્રાપ્ત થવાની સંભાવના ન રહે. વિકલ્પની પસંદગી દ્વારા જ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે. એ પણ સમજવું જરૂરી છે કે આત્મિક વિકાસ માટે સ્વતંત્રતા જરૂરી છે. 

એમ પણ કહી શકાય કે ઈશ્વરે માનવીને વિવેક આપ્યો છે ‘ફરજિયાત’તા નહીં. વિકલ્પને કારણે દ્વિધા ઊભી થાય જેને કારણે વ્યક્તિએ વિચારશીલતાને કેળવવી પડે. વિકલ્પને કારણે ક્યારેય નિર્ણય લેતાં ખચકાટ થાય અને વધુ સમય જતો રહે, તે વખતે સમયની કિંમત સમજાય. પસંદ કરેલો વિકલ્પ ઇચ્છિત પરિણામ ન પણ આપે, ત્યારે પરિસ્થિતિની સ્વીકૃતિની ભાવના જાગ્રત થાય. 

એક વિકલ્પ પસંદ કર્યા પછી પણ અન્ય વિકલ્પ તરફ મન આકર્ષાય, તે વખતે આત્મવિશ્વાસ જરૂરી બને. એ સમજવું જરૂરી છે કે વિકલ્પની પસંદગી એ, યાત્રા દરમિયાન, એક પ્રકારની માનસિક સ્થિતિનું પરિણામ છે, તે નથી સંપૂર્ણ યાત્રા કે તે નથી અંતિમ પડાવ. વિકલ્પ તો સ્વાભાવિક રીતે સામે આવી જતી વ્યવસ્થા છે, તે સંપૂર્ણ અસ્તિત્વ નથી. વિકલ્પના અભાવે પણ અસ્તિત્વ સંભવ છે. અસ્તિત્વ તો નિર્વિકલ્પ છે. અસ્તિત્વ એવી સ્થિતિ છે જ્યાં કોઈ વિરોધી નથી, દ્વૈત નથી, સંઘર્ષ નથી, અહંકાર નથી, ભેદ નથી; અને તેથી વિકલ્પ નથી.

વિકલ્પ એટલે ‘આ કે તે’ની સ્થિતિ. ગીતામાં જ્યાં કહેવાયું હોય કે ‘મૃત્યુ પણ હું છું અને અમૃત પણ હું છું, સત પણ હું છું અને અસત પણ હું છું’; ત્યારે આપમેળે સમગ્ર વિરોધી જણાતાં દ્વન્દ્વ નાશ પામે છે. દ્વન્દ્વ નાશ પામતાં સૃષ્ટિનો સમગ્ર વ્યવહાર અને તે પ્રત્યેનો દ્રષ્ટિકોણ લય પામે. દરેક માનવી તે બ્રહ્મના અંશ સમાન હોવાથી તેમાં પણ વિકલ્પતાની સંભાવના નથી. દ્વૈત તો બુદ્ધિનો પ્રપંચ છે અને માનવી બુદ્ધિ નથી, અને તેથી જ માનવી સવિકલ્પ નથી.