Fri Apr 17 2026

Logo

અપરાધીની સંપત્તિની ટાંચનો મુદ્દો: ડેટ રિકવરી કાનૂનથી ઉપરવટ છે પીએમએલએ: હાઈ કોર્ટ

2026-03-30 20:37:16
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ‘અપરાધીની (ગુનામાંથી મળેલી) રકમ’ને ટાંચમાં લેવાની વાત આવે ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ડેટ રિકવરી માટેના કાયદાઓ જેમ કે ‘સરફાસી’ અને આરડીબી એક્ટની ઉપરવટ છે.  23 માર્ચના રોજ આપેલા ચુકાદામાં હાઈ કોર્ટની નાગપુર બેન્ચે પીએમએલએ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા બેંકોને ટાંચમાં લેવાયેલી મિલકતોમાંથી દેવાની વસૂલાત કરવાના અધિકારોની તરફેણ કરનારા આદેશોને રદ કર્યા હતા. જસ્ટિસ એમ. એસ. જવળકર અને નંદેશ દેશપાંડેની ખંડપીઠે ભારપુર્વક જણાવ્યું હતું કે દેવાની વસૂલાત માટેના કાયદાઓ જેમ કે સિક્યોરિટાઇઝેશન એન્ડ રિક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (સરફાસી) અને દેવાની વસૂલાત અને નાદારી અધિનિયમ (આરબીડી) ‘બંને કાયદાઓના અલગ અલગ ઉદ્દેશ્યો અને કારણો ધરાવે છે, પરંતુ આથી તેઓ પીએમએલએની ઉપરવટ જઈ શકે નહીં.’ 

પીએમએલએમાં કાયદાનો ઉદ્દેશ બે અન્ય કાયદાઓ - આરડીબી એક્ટ અને સરફેસી એક્ટ -ના હેતુઓથી અલગ હોવાથી આ બંને કાયદા પીએમએલએની ઉપરવટ જઈ શકતા નથી. આ કેસ 2012 માં કોલ બ્લોક ફાળવણીમાં અનિયમિતતા અંગે ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની તપાસમાંથી ઉદ્ભવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 2015માં આરોપી સંસ્થાઓની માલિકીની આશરે રૂ. 24.92 કરોડને ‘ગુનાની આવક’ તરીકે ઓળખી કાઢી હતી અને કામચલાઉ રીતે સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. જપ્ત કરેલી મિલકતો પ્રતિવાદી એચડીએફસી બેંકને ગીરવે મૂકવામાં આવી હતી. બેંકે એવી દલીલ કરી હતી કે ઇડીની કાર્યવાહી પહેલાં મિલકતો તેની પાસે ગીરવે મૂકવામાં આવી હતી, તેથી તેઓ આરડીબી અને સરફાસી એક્ટની જોગવાઈઓ હેઠળ કાનૂની પ્રાથમિકતા ધરાવે છે. ત્યારબાદ બેંકે પીએમએલએની કલમ 26 હેઠળ જપ્તીને પડકારતી અપીલ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો. પીએમએલએ એપેલેટ ટ્રિબ્યુનલે બેંકની તરફેણમાં આદેશ પસાર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે ‘સુરક્ષિત લેણદારો દેવાની વસૂલાત કાયદાઓમાં કાનૂની પ્રાથમિકતા ધરાવે છે.’

જોકે, ઈડીએ આ આદેશને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે ટ્રિબ્યુનલે ‘ગુનાની આવક’ની જપ્તીને સિવિલ કાયદા હેઠળ વસૂલ કરી શકાય તેવી સરકારી બાકી રકમ સાથે ખોટી રીતે સરખાવી છે. ટ્રિબ્યુનલ એ સમજવામાં નિષ્ફળ રહ્યું છે કે પીએમએલએએ દેવાની વસૂલાત નહીં, પરંતુ ગુનાની મિલકત જપ્ત કરવાનો એક ખાસ દંડ કાયદો છે,  એમ ઈડીએ રજૂઆત કરી હતી. ઈડીએ દલીલ કરી હતી કે વિવાદિત આદેશ પીએમએલએના જપ્તીના ઉદ્દેશ્યને સિવિલ વસૂલાતની કાર્યવાહીને આધીન બનાવીને તેને નબળી પાડે છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને, હાઈ કોર્ટે નોંધ્યું હતું કે બંને કાયદાઓની જોગવાઈઓ એકબીજા પર ભારે અસર કરતી હોવાનું કહી શકાય નહીં. ‘અમે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી ડિરેક્ટર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી વિરુદ્ધ એક્સિસ બેંક એન્ડ અધર્સના કેસમાં લેવામાં આવેલા મંતવ્યને સમર્થન આપીએ છીએ કે પીએમએલએ હેઠળ જપ્તીનો આદેશ ગેરકાયદેસર નથી કારણ કે સુરક્ષિત લેણદારનો વિષય મિલકતમાં પૂર્વ સુરક્ષિત હિત છે,’ એમ કોર્ટે કહ્યું હતું. 

જોકે, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો જપ્તીનો આદેશ પસાર કરવામાં આવ્યો હોય, અથવા પીએમએલએની કલમ 4 હેઠળના ગુના માટે કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હોય, તો કાયદેસર હિત હોવાનો દાવો કરનાર પક્ષના દાવા પર ફક્ત ખાસ અદાલત દ્વારા જ નિર્ણય લેવામાં આવશે.
ટ્રિબ્યુનલનો આદેશ ‘ગેરકાયદેસર, મનસ્વી અને કાયદાની જોગવાઈ વિરુદ્ધ’ હોવાનો ચુકાદો આપતા, હાઈકોર્ટે બેંકને પીએમએલએ જોગવાઈઓ હેઠળ ખાસ અદાલત સમક્ષ મિલકતની જપ્તી મુક્તિ માટે યોગ્ય અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી. (પીટીઆઈ)