Fri Apr 17 2026

Logo

જાલના જિલ્લા આયોજન સમિતિ વિરુદ્ધ અરજી પર પંકજા મુંડે અને અન્યોને હાઇકોર્ટની નોટિસ...

2026-03-08 19:50:29
Author: Vipul Vaidya
Article Image

જાલના (મહારાષ્ટ્ર): રાજ્ય સરકાર દ્વારા રચાયેલી જાલના જિલ્લા આયોજન સમિતિની કાયદેસરતાને પડકારતી અરજીમાં બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના પ્રધાન પંકજા મુંડે અને અન્ય સરકારી અધિકારીઓને નોટિસ ફટકારી છે.

મુંડે જાલનાના પાલક પ્રધાન છે.
સ્થાનિક કાર્યકર્તા ભાઉસાહેબ ગોરે દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીની સુનાવણી કરતી વખતે ઔરંગાબાદ ખાતેની હાઇકોર્ટની  જસ્ટિસ વિભા કાંકનવાડી અને જસ્ટિસ હિતેન વેણેગાવકરની ડિવિઝન બેન્ચે ચોથી માર્ચે રાજ્ય સરકાર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ ફટકારી હતી.

અરજદારના મતે, જિલ્લા આયોજન સમિતિની રચના કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હોવાના કારણે ગેરકાયદે ભંડોળ ફાળવવામાં આવ્યું છે જેનો હેતુ માટે ઉપયોગ થતો નથી.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે ગોરેને અગાઉ બાવીસમી ઓગસ્ટ, 2024ના રોજના સરકારી ઠરાવ (જીઆર) હેઠળ સમિતિના ખાસ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે અને તેઓ હવે સમિતિ સાથે સંકળાયેલા નથી.

અરજદારે દાવો કર્યો હતો કે તેમને તાજેતરમાં જ ખબર પડી હતી કે સમિતિનું બંધારણ કાયદા અનુસાર નથી, જેના કારણે તેમને રિટ અરજી દાખલ કરવાની ફરજ પડી હતી.
બેન્ચે કહ્યું કે તેણે બાવીસમી ઓગસ્ટ, 2024ના જીઆરનો અભ્યાસ કર્યો છે. જો કે, આ પ્રારંભિક તબક્કે, કોર્ટે કહ્યું કે તે હાલની સમિતિ દ્વારા પહેલાથી લેવામાં આવેલા પગલાં અથવા નિર્ણયો પર ટિપ્પણી કરશે નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે તે તપાસ કરશે કે સમિતિની રચના સંબંધિત કાનૂની જોગવાઈઓ અનુસાર છે કે નહીં.હાઈકોર્ટે મુંડે, તેમજ રાજ્ય ગ્રામ્ય વિકાસ વિભાગના સચિવ, વિભાગીય કમિશનર, જિલ્લા કલેક્ટર અને અન્યોને નોટિસ ફટકારી હતી.

પ્રતિવાદીઓને 27 માર્ચ સુધીમાં તેમનો જવાબ દાખલ કરવા અને બીજી બાજુ અગાઉથી એક નકલ પ્રદાન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ મામલાની આગામી સુનાવણી પહેલી એપ્રિલના રોજ રાખવામાં આવી છે.