Fri Apr 17 2026

Logo

૩૭ પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરોએ પાલિકાના ડુબાડ્યા રૂ. ૫૪૯ કરોડ હૉટેલ, કમર્શિયલ બિલ્ડિંગના માલિકોની મિલકતની થશે નિલામી

2026-03-07 09:11:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હૉટેલ માલિકો, કમર્શિયલ બિલ્ડિંગ સહિત ઓપન પ્લોટના માલિકો એમ કુલ ૩૪ મિલકતધારકેે મુંબઈ મહાનગરપાલિકાના ૫૪૮ કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો પ્રોપર્ટી ટૅક્સ ચૂકવ્યો નથી. પાલિકા પ્રશાસને આ તમામ લોકોની મિલકતની નિલામી કરીને પોતાની રકમ વસૂલ કરવાનો નિર્ણય લીધો છે, તે માટે સંબંધિતોને નોટિસ ફટકારવામાં આવી છે.

પાલિકાના અસેસમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ટૅક્સ નહીં ભરનારા ડિફોલ્ટરો વિરુદ્ધ આકરા પગલાં લઈને તેમની મિલકતની જપ્તી કરીને તેની નિલામી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકા ૩૪ મિલકતધારકને ઈ-ઓક્શન પ્રક્રિયા અંતર્ગત લાંબા ગાળાની મુદતની નોટિસ આપવામાં આવી છે, જેમાં ઓપન પ્લોટ, કમર્શિયલ બિલ્ડિંગ, હૉટેલ સહિત અન્ય ઉપયોગમાં લેવામાં આવતી મિલકતનો સમાવેશ થાય છે. આ ૩૪ ડિફોલ્ટર પાસેથી ટૅક્સની રકમ અને દંડ સહિત કુલ ૪૫૮ કરોડ ૬૯ લાખ ૮૨ હજાર ૪૮૭ રૂપિયા જેટલી મોટી રકમ વસૂલ કરવાની બાકી છે. તેમાથી લાંબા ગાળાની નોટિસની સમયમર્યાદા પૂરી થઈ ગયેલી ૧૧ પ્રોપર્ટીની પ્રત્યક્ષમાં નિલામીની પ્રક્રિયા શરૂ કરીને ઈચ્છુક ખરીદદારો તરફથી બોલી મગાવવામાં આવી છે. નિલામીની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ પાંચ મિલકતધારકોએ ૧૦ કરોડ ૪૫ લાખ રૂપિયાની બાકી રહેલી રકમ ભરી દીધી છે.

પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે કરદાતાઓને નિર્ધારીત મુદતમાં બાકીની રકમ ભરવા માટે નોટિસ આપ્યા બાદ પણ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં ટૅક્સ ભરવાનું ટાળી રહ્યા છે. તેથી આવા ડિફોલ્ટરો સામે જપ્તી અને નિલામીની આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૪ મિલકતધારકને ૨૧ દિવસની લાંબી મુદત આપવામાં આવી છે. આ મુદતમાં ટૅક્સ નહીં ભર્યો તો તેમની મિલકતની જપ્તી બાદ નિલામીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

થાણેમાં પાણીવેરો નહીં ભરનારા સામે આકરી કાર્યવાહી
થાણે મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ મારફત બાકી રહેલો પાણીવેરો વસૂલી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ૨૭ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ, ૨૦૨૬ સુધીના સમયગાળાાં જુદા જુદા વિસ્તારમાંથી કુલ ૪,૨૨,૩૫,૭૫૦ રૂપિયા વસૂલ કરવામાં અસફળતા મળી છે. બાકી રહેલા ડિફોલ્ટરો સામે આકરી કાર્યવાહી કરીને ૧૦૩ પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે અને ૧૭૭ને નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ ઠેકાણે પંપ જપ્ત કરવામાં આવ્યા હતા.