ભૂજ: ભારતીય હવામાન વિભાગે શુક્રવારે કચ્છના ભુજમાં ઉનાળાના પ્રારંભે જ ગરમી માટે 'રેડ એલર્ટ' આપ્યું હતું. ત્યારે ભુજ આજે ભારતનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ અંગે મળતી સત્તાવાર વિગતો પ્રમાણે, હજુ ચૈત્ર-વૈશાખ બેઠા જ નથી ત્યારે આ પ્રકારની ગરમી અસામાન્ય છે અને આજે ભુજનું મહત્તમ તાપમાન ભારતના પ્રણાલીગત રીતે ગરમ ગણાતાં પ્રદેશો કરતાં પણ વધુ રહેવા પામ્યું હતું. જયારે શનિવારે પણ કચ્છ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂજમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
આજે ભૂજમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા 9 ના આંક સુધી પહોંચતાં ભીષણ ગરમીનો સામનો અત્યારથી જ ભુજ અને સમગ્ર કચ્છને કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત દેશના અન્ય ગરમ મથકો સોલાપુર, ગુલબર્ગા, અકોલા, મહેબૂબ નગર, વેલોર, કુર્નુલ અને ભદ્રાચલમ ખાતે મહત્તમ તાપમાનના આંક 40 ડિગ્રી આસપાસ રહેવા પામ્યા છે જે ભુજથી ઓછું તાપમાન છે.
શનિવારે પણ કચ્છ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર
ફાગણ મહિનાના ઉત્તરાર્ધનાં પ્રારંભે જ જો આવી ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો હોય તો આગામી દિવસોમાં કચ્છમાં પરિસ્થિતિ વધુ ગરમી બની જશે. અધૂરામાં પૂરું, શુક્રવારના રેડ એલર્ટ બાદ હવામાન વિભાગે શનિવારે પણ કચ્છ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમ્યાન, ભુજની સ્થાનિક હવામાન કચેરીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અસામાન્ય રીતે વહેલા શરૂ થઇ ગયેલા ઉનાળાના સંદર્ભે સંશોધન પણ શરૂ કરાયું છે. ઉનાળાના પ્રારંભે જ કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઊંચું રહેવા પામે છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ પણ તીવ્ર રીતે ઘટી જવા પામ્યું છે. કચ્છ વાસીઓએ આ વખતે આકરા ઉનાળા માટે તૈયાર રહેવું પડશે.
(ઉત્સવ વૈદ્ય)