Fri Apr 17 2026

Logo

મીડિયામાં હું વિદ્રોહી ને ઝનૂની વ્યક્તિ તરીકે ‘જાણીતી’ થઈ ચૂકી હતી

2026-02-26 11:08:00
Author: Mumbaisamachar Team
Article Image

કથા કોલાજઃ કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 3)
નામ: એન્જેલિના જોલી
સમય: 2026
સ્થળ: લોસ ફેલિઝ, લોસ એન્જલિસ, કેલિફોર્નિયા
ઉંમર: 50 વર્ષ

સામાન્ય રીતે આપણે જે ધારીએ છીએ એવું કશું જ જિંદગીમાં થતું નથી... બલ્કે, નહીં ધારેલું બધું થાય છે. જોકે, એવું ન થતું હોત તો જિંદગી આટલી ઈન્ટ્રેસ્ટિંગ જ ન હોત. બધું આપણે માગીએ અને ધારીએ તે મળ્યા જ કરે એવી જિંદગી તો કંટાળાજનક થઈ જાય... મારી જિંદગી સતત ઉતાર-ચઢાવથી ભરેલી અને રસપ્રદ રહી છે. સંજોગો સામે હારવાને બદલે મેં હંમેશાં પરિસ્થિતિ સાથે દોસ્તી કરી છે. સાગર ઉપર સર્ફિંગ કરતા કોઈ ખેવૈયાની જેમ હું લહેરોની ઉપરથી પસાર થતી રહી છું. ક્યારેક લહેરોએ મને પછાડી છે, તો ક્યારેક મેં એ લહેરો પર સવારી કરી છે, પરંતુ આગળ વધતી રહી છું, એટલું નક્કી.

1997થી મારી કારકિર્દીએ એક અલગ જ વળાંક લીધો. જ્યોર્જ વોલેસ નામની ફિલ્મમાં કાર્નિલિયા વોલેસનો રોલ મને ફળ્યો. એમાં મને ગોલ્ડ ગ્લોબ પુરસ્કાર મળ્યો. એ પછી તરત જ 1998માં સુપર મોડલ જિયા કારંગીની બાયોગ્રાફિકલ ફિલ્મ ‘જિયા’માં એક્સ અને ડ્રગ્સની દુનિયા, કેરિયરનો વિનાશ અને એઈડ્સથી થયેલા મૃત્યુની જે કથા અમે રજૂ કરી એનાથી લોકોએ મને ખૂબ સ્નેહ અને સરાહના આપ્યા. 

સાચું કહું તો એ દિવસોમાં હું સાવ એકલી રહેતી, અંધારા ઓરડામાં પડી રહેતી... ડ્રગ્સ લેતી નહીં, પરંતુ એક-બે વાર ડ્રગ્સ લઈને અખતરો પણ કરી જ જોયો. જોકે, મારે ડ્રગ્સના અનુભવ માટે નવેસરથી કશું કરવાનું નહોતું. ટીનએજના સમયમાં હું જે પ્રકારના નશા અને ડ્રગ્સની બંધાણી હતી, એ વખતે થયેલા અનુભવો મને ચોક્કસ કામ આવ્યા... એ ફિલ્મમાં કામ કરતી વખતનો મારો અનુભવ એટલો ડિપ્રેસિંગ રહ્યો કે ફિલ્મ પૂરી થતાં થતાં સુધીમાં મેં થોડો સમય માટે અભિનય બંધ કરી દીધો. મને લાગ્યું કે હું પાગલ થઈ જઈશ અથવા માનસિક રોગોની હોસ્પિટલમાં દાખલ થવું પડશે. એ વખતે મારા લગ્ન જ્હોની લી મિલર સાથે થયાં હતાં.

1996માં અમે લગ્ન કર્યાં, પરંતુ 1995માં ફિલ્મ ‘હેકર્સ’ના સેટ પર અમારી મુલાકાત થઈ હતી, ત્યારે હું 19-20 વર્ષની હતી. મારા પહેલા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ચૂક્યું હતું અને હું જિંદગીમાં સેટલ થવાનો પ્રયત્ન કરી રહી હતી. મારી ફિલ્મોએ મને થોડી-ઘણી પ્રસિદ્ધિ આપી હતી, પરંતુ હજી મારે ઘણું કરવાનું બાકી હતું. એવાં સમયમાં જ્હોની સાથેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. એણે પ્રપોઝ કર્યું અને મેં તરત જ લગ્ન કરવાની હા પાડી. લગ્ન કરતી વખતે મેં વ્હાઈટ ગાઉન ન પહેર્યો બલકે કાળું પેન્ટ અને શર્ટ પહેર્યું હતું. મારા શર્ટ ઉપર મેં મારા લોહીથી જ્હોનીનું નામ લખ્યું હતું. 

મીડિયાએ આ વાતની ખૂબ ચર્ચા કરી અને અમારા સંબંધોને ઉછાળ્યા. એ વખતે એવો આક્ષેપ કરવામાં આવ્યો કે અમારા લગ્નનું કારણ સ્વાર્થ અને પબ્લિસિટી છે... જોકે, મેં ક્યારેય આવી કોઈ વાતને ગંભીરતાથી લીધી નથી. જ્હોની પણ મારા જેવો જ નોખા પ્રકારનો વ્યક્તિ છે, એટલે એણે પણ એ વાતને હસી કાઢી. અમારા લગ્ન બે વર્ષ તો ખૂબ સારી રીતે ચાલ્યા, પરંતુ 1998ની શરૂઆતમાં જ્યારે હું ફિલ્મ ‘જિયા’ કરી રહી હતી ત્યારે જ્હોનીને લાગ્યું કે હું કોઈ કારણ વગર એ ફિલ્મને ગંભીરતાથી લઉં છું. મારું ડિપ્રેશન વધી રહ્યું હતું, ત્યારે મને લાગ્યું કે જ્હોની મને સમજવાને બદલે મારે માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે. 

પહેલાં અમે અલગ રહેવાનું શરૂ કર્યું. હું ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગઈ અને મેં યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં ફિલ્મ પ્રોડક્શનનો કોર્સ જોઈન કરી લીધો. સાથે સાથે મેં ફિલ્મ રાઈટિંગનો કોર્સ પણ લીધો. મારી બાકીની ફિલ્મોનું કામ, શૂટિંગ-ડબિંગની સાથે સાથે આ શિક્ષણમાં મારો એટલો સમય જવા લાગ્યો કે હું જ્હોનીને સમય આપી શકતી નહીં. 1998 અને 99ના વર્ષમાં મેં ચાર ફિલ્મો કરી. બેક-ટુ-બેક શૂટિંગને કારણે પણ અમે એકબીજાથી દૂર થતાં ગયાં. અંતે 1999માં અમે છૂટા પડવાનું નક્કી કર્યું. અમે દોસ્તો તરીકે છૂટા પડ્યાં. કોઈપણ પ્રકારની કડવાશ વગર, અમે ખૂબ નિરાંતે એકબીજાને ‘ગુડબાય’ કહ્યું. જોકે, મીડિયાએ ત્યારે પણ અમારા છૂટાછેડાને ‘અરેન્જમેન્ટ પૂરી થઈ’ કહીને વગોવ્યા. 

1999 પછી હું બિલી બોબ થોર્નટર્નને મળી. એ મારાથી 20 વર્ષ મોટા હતા. 1999માં જ્યારે હું હજી કારકિર્દીમાં મારા પગ જમાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે એ ઓસ્કાર મેળવીને પોતાને અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા. એ એક જુદા જ પ્રકારના અભિનેતા હતા. હું એમના ઈન્ટરવ્યૂ જોતી ત્યારે મને લાગતું કે એમના વ્યક્તિત્વમાં કશુંક આકર્ષક છે. કેરિયરની શરૂઆત એમણે લેખક અને અભિનેતા તરીકે કરી હતી. 

ખાસ્સાં વર્ષોની સ્ટ્રગલ પછી 1996માં એમની ફિલ્મ ‘સ્લીંગ બ્લેડ’ રજૂ થઈ. એમને ઓસ્કાર મળ્યો અને એ સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે નોમિનેટ થયા. એ પછી એમણે ટીવી સિરીઝ અને સિનેમામાં અભિનય કર્યો. મારાથી 20 વર્ષ મોટા બોબ થોર્નટર્ન મને મળ્યા પહેલા ચાર લગ્ન કરી ચૂક્યા હતા. એમની પહેલી પત્ની મેનિષા લી ગેટલિન હતી. એનાથી એમને એક દીકરી પણ છે. બીજી પત્ની ટોની લોરેન્સ, ત્રીજી સિન્ડા વિલિયમ્સ જેની સાથે તો થોડા અઠવાડિયામાં જ લગ્ન ખતમ થઈ ગયા. 

એ પછી પેટ્રીયા ડોન સાથે લગ્ન કર્યાં. એ એમના સૌથી લાંબા ચાલેલા લગ્ન છે. દરમિયાનમાં એમને બે દીકરા થયા, પરંતુ બંને જણાએ એકબીજા સામે કડવા અને ભયાનક આરોપો કરીને છૂટા પડવાનું નક્કી કર્યું. 1997થી 2000 સુધી એ સિંગલ હતા, પરંતુ એમના જાત-ભાતના રોમાંસની ચર્ચાઓ ચાલતી રહી. 2000માં જ્યારે થોર્નટર્ન 45 વર્ષના હતા ત્યારે હું 25 વર્ષની હતી, ત્યારે અમે લગ્ન કરી લીધાં. આ લગ્નનો નિર્ણય કેટલો સાચો હતો એ મને આજે પણ નથી સમજાતું, પરંતુ હોલિવૂડના સૌથી ઈન્ટેન્સ અને ઝનૂની સંબંધોમાંનો એક અમારો સંબંધ હતો. અમે બંને પોતપોતાની અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યાં હતાં. 

મીડિયામાં હું વિદ્રોહી અને ઝનૂની વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. જ્યારે એ પણ સ્વભાવથી એક વિચિત્ર વ્યક્તિ તરીકે ઓળખાતા. એમના ઈન્ટરવ્યૂઝમાં એ એવા જવાબ આપતા, જેનાથી ક્યારેક ઈન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ઓફેન્ડ થઈ જતા. એ શાંત અને એકલવાયુ જીવન પસંદ કરવા લાગ્યા હતા. પોતાના જીવનમાં સ્થિરતા ઈચ્છતા હતા અને હું 25 વર્ષની ઉંમરે પણ મારા જીવનના પુરુષમાં મારા પિતાને શોધી રહી હતી. 

એવા સમયે અમારો રોમાંસ મીડિયામાં ચગ્યો. એ સમયે અમે એકબીજાના રક્તની શીશીઓ ગળામાં પહેરતાં. એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરતાં હતાં કે અમે એકબીજાના જીવનનો જ નહીં બલ્કે શરીરનો પણ હિસ્સો છીએ. જોકે, હવે વિચારું છું ત્યારે એવું સમજાય છે કે આ બધું અર્થ વગરનું છે. આનો ખાસ મતલબ નહોતો, પરંતુ ત્યારે ઈશ્કના ઝનૂનમાં કદાચ જ્હોની સાથેના લગ્ન સમયે શર્ટ પર લોહીથી નામ લખવું કે બિલીના રક્તની શીશી પહેરવી એ ખૂબ રસપ્રદ અને દુનિયા સામે કશુંક સાબિત કરવાની અર્થવિહીન મૂર્ખતા હતી.

આવા ઝનૂની સંબંધો લાંબા ટકતા નથી. બિલી સાથેનો સંબંધ પણ ત્રણ જ વર્ષમાં પૂરો થઈ ગયો. અમે 2003માં છૂટાછેડા લીધા. અમારા છૂટાછેડા પછીના ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું કે, જોલી પ્રસિદ્ધિની ભૂખી છે. હું એની આટલી બધી પબ્લિસિટી, આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિની ભૂખ અને એની જીવનશૈલી સાથે મારી જાતને ગોઠવી શકતો નથી. જોલી જે તરફ જઈ રહી છે એ દિશામાં હું એની સાથે બહુ લાંબો સમય નહીં રહી શકું. માટે અત્યારે જ છૂટા પડી જવું યોગ્ય હતું. બિલીએ એવું પણ સ્વીકાર્યું કે એ મને પ્રેમ કરતા હતા ને હું આજે પણ વિચારું તો મને લાગે છે કે હું પણ બિલીને પ્રેમ કરતી રહી. મને એમના માટે અત્યંત સન્માન હતું, જે કદી ઘટ્યું નહીં.

2003માં અમે જ્યારે છૂટા પડ્યા ત્યારે હું મારી કારકિર્દીના પગથિયાં સડસડાટ ચઢી રહી હતી. ‘ટોમ્બ રેડર’ ફિલ્મને કારણે મને ખૂબ પ્રસિદ્ધિ મળી અને એક્શન સ્ટાર તરીકે હું એક જુદાં જ સ્લોટમાં એસ્ટાબ્લિશ થઈ ગઈ. કોઈએ ધાર્યું નહોતું, પરંતુ એ ફિલ્મને 275 મિલિયનનો પ્રોફિટ થયો. એક પછી એક એક્શન ફિલ્મોએ મારી કારકિર્દી બદલી નાખી. લોરા ક્રોફ્ટના રોલમાં લોકોએ મને સ્વીકારી લીધી. 2002માં ‘લાઈફ ઓફ સમથિંગ લાઈક ઈટ’ ફિલ્મે પણ ખૂબ મોટો પ્રોફિટ કર્યો. એ જ વખતે મેં ‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ’ સાઈન કરી. હું એ વખતે બ્રાડ પીટને પહેલી વાર મળી...       
(ક્રમશ:)