Fri Apr 17 2026

Logo

અજબ  ગજબની દુનિયા

2026-04-01 09:57:00
Author: Henry Shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી  

હેલ્ધી ફૂડએ ખેડૂતોને રડાવ્યા

બાળકોનું એક સરસ મજાનું જોડકણું છે કે ‘આલૂ - કચાલૂ બેટા કહાં ગયે થે? બૈંગન કી ટોકરી મેં સો ગએ થે. બૈંગન ને લાત મારી રો રહે થે.’ 

જોકે, આલૂ એટલે કે બટાકાની ખેતી કરતા એન્ડી ગુડકેર સહિત અનેક ખેડૂતોને બૈંગન (રિંગણ)ની લાતથી નહીં પણ લોકો ‘હેલ્ધી ફૂડ’ને પ્રાધાન્ય આપી રહ્યા હોવાથી રોવાનો વારો આવ્યો છે. થયું છે એવું કે છેલ્લાં 40 વર્ષથી એન્ડી ભાઈ પોટેટો ચિપ્સના ઉત્પાદકોને બટાકા સપ્લાય કરતા આવ્યા છે. જોકે, જનતામાં લેન્ટીલ ચિપ્સ (મગ, તુવેર, ચના, મસૂરની ચિપ્સ) જેવી આરોગ્યપ્રદ વાનગી માટે લગાવ વધ્યો હોવાથી પોટેટો ચિપ્સના ઉત્પાદકોના વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે આ વર્ષે એ કંપનીએ એન્ડીને કોઈ ઓર્ડર જ નથી આપ્યા અને આપશે પણ નહીં એવો ભય સતાવી રહ્યો છે એટલે આશરે એક લાખ વીસ હજાર પાઉન્ડ (આશરે સવા કરોડ રૂપિયા)ની કિંમતનો 600 ટન પાક વેડફાઈ જવાની આશંકા પેદા થઈ છે. આ બટાટાના પહાડને ફૂડબેન્કને આપવા એન્ડી વિચારી રહ્યો છે, પણ જો એ લોકો માલ નહીં ઉપાડે તો એ બધા બટાકા પ્રાણીઓને ચારા તરીકે દેવા પડશે એવું મન પણ તેણે મનાવી લીધું છે. આરોગ્ય માટેનો લગાવ પોટેટો ફાર્મર્સની તબિયત બગાડી રહ્યો છે.

કિસી નઝર કો તેરા ઈંતેઝાર આજ ભી હૈ

શ્વાનને માણસનો શ્રેષ્ઠ મિત્ર માનવામાં આવે છે. આજે એક મનુષ્ય બીજા મનુષ્ય પર વિશ્વાસ મૂકતા અચકાય છે. એમની વચ્ચે સ્નેહના સરવાળા શરૂ થાય અને ક્યારે અચાનક બાદબાકી શરૂ થઈ જાય ખબર નથી પડતી. 

પચીસેક હજાર વર્ષ પહેલા માનવ - શ્વાનની મૈત્રીનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. આ ઉમદા દોસ્તીના અનેક ઉદાહરણ ઈતિહાસના ચોપડે નોંધાયા છે. યુએસના મોન્ટાના રાજ્યમાં આજથી 86 વર્ષ પહેલાની એક દોસ્તીની વાત આજે પણ લોકો હોંશે હોંશે કરતા જોવા મળે છે. વાયકા અનુસાર 1936માં એક ભરવાડ માંદો પડ્યો એટલે એને મોન્ટાનાના ફોર્ટ બેન્ટન શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે એક શ્વાન પણ એ ભરવાડની પાછળ પાછળ આવી હોસ્પિટલના દરવાજે પહેરો દેવા લાગ્યો. કમનસીબે એ ભરવાડનું અવસાન થયું. એના મૃતદેહને શબપેટીમાં ટ્રેનમાં રવાના કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક પેલો શ્વાન સ્ટેશન પર આવી પહોંચ્યો. ટ્રેન તો રવાના થઈ ગઈ પણ શ્વાન માલિક એક દિવસે પાછા ફરશે એની રાહ જોતો સ્ટેશન પર બેઠો રહેતો. સાડા પાંચ વર્ષ રાહ જોયા પછી શ્વાનનું પણ મૃત્યુ થયું. એને અંતિમ વિદાય આપવા સેંકડો લોકો આવેલા અને સ્ટેશન નજીક જ એને દાટવામાં આવ્યો હતો. 1992માં ફોર્ટ બેન્ટનમાં મૈત્રીની અનોખી મિસાલ પૂરી પાડતી આ શ્વાનની કાંસાની પ્રતિમા ઊભી કરવામાં આવી હતી.

નોટનું કદ ને પૈસાનો પાવર

‘હની, વ્હેર ઈઝ માય મની’ એકવીસમી સદીનો ‘સળગતો પ્રશ્ન’ છે. નોટના કદને અને પૈસાના પાવરને સીધો સંબંધ નથી. જોકે, પૈસાનો પાવર હાહાકાર મચાવે ત્યારે નોટના કદમાં હવા ભરાતી હોવાનો ઈતિહાસ છે. 

‘ફાઈનેન્શિયલ ટાઈમ્સ’ અખબારના અહેવાલ અનુસાર યુએસ - ઈઝરાયલના આક્રમણને પગલે અર્થતંત્ર સહિત અનેક તંત્ર છિન્નભિન્ન થવાથી ઈરાનમાં ફુગાવાએ માઝા મૂકી છે. પરિણામે રોકડ રકમની જરૂરિયાતમાં ભરતી આવી છે અને પૈસાની ખરીદ શક્તિમાં ઓટ આવી છે. ઉદાહરણ તરીકે જે વસ્તુ લેવા 100 રિયાલની 10 નોટની જરૂર પડતી હતી એ જ વસ્તુ લેવા આજે કદાચ 200 નોટની જરૂર પડતી હશે. આર્થિક વ્યવહારમાં ચલણી નોટની સંખ્યા ઘટાડવાના આશય સાથે ફેબ્રુઆરીમાં 50 લાખ રિયાલની નોટ દાખલ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ વણસી ગઈ હોવાથી ફુગાવાનો ભરડો તીવ્ર બન્યો છે. ઉપાય તરીકે 10 મિલિયન - એક કરોડ રિયાલની નોટ ચલણમાં મૂકવામાં આવી છે. અલબત્ત, એનું મૂલ્ય ભારતના 720 રૂપિયા જેટલું જ છે. બેકાબૂ બની ગયેલા ફુગાવા (હાઈપર ઈન્ફ્લેશન)ને કારણે ઊંચી કિંમતની ચલણી નોટ દાખલ કરવી પડી હોય એનો રસપ્રદ ઈતિહાસ છે. 

યુરોપિયન દેશ હંગેરીમાં 1946ના જૂન મહિનામાં 100 કવીન્ટિલિયન (એકડા પર 20 મીંડાં) મૂલ્યની નોટ બહાર પાડવી પડી હતી. 2009માં ઝિમ્બાબ્વેએ 100 ટ્રિલિયન ડૉલર (એકડા પર 14 મીંડાં)ની નોટ મૂકવી પડી હતી. 2003થી પાંચ લાખ વિયેતનામ ડોન્ગની નોટ પણ વ્યવહારમાં છે. બ્રુનેઇ અને સિંગાપોર પણ તેમના 10 હજાર ડૉલરની નોટનો ઈતિહાસ ધરાવે છે. 

આ બધામાં પૂર્વ આફ્રિકાના ટચૂકડા દેશ બુરુન્ડીની નોટ કદમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જંગલના જીવ અને વનસ્પતિની લુપ્ત થતી પ્રજાતિના આંતરરાષ્ટ્રીય વેપાર પરિષદની સુવર્ણ જયંતી નિમિત્તે બહાર પાડવામાં આવેલી 10 હજાર ફ્રાન્કની નોટ 370 ડ્ઢ 220 મિલીમીટરના કદની છે. અર્થતંત્રના ઈતિહાસમાં બહાર પાડવામાં આવેલી આ સૌથી મોટા કદની નોટ છે. અલબત્ત, એનું મૂલ્ય આપણા 320 રૂપિયા જેટલું જ છે. નોટના કદને પૈસાના પાવર સાથે નાતો નથી.

પ્રાગની ‘પતલી ગલી’નો પ્રતાપ

આજના યંગસ્ટર્સમાં અજબ દુનિયાની ગજબ જગ્યાઓમાં ટહેલવાનો શોખ તીવ્ર બન્યો હોવાથી સોશ્યલ મીડિયામાં અજાયબી ધરાવતા સ્થળની વિગતો ફોટોગ્રાફ - વીડિયો સાથે શેર કરવામાં આવે છે. ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક સાંકડી ગલી આકર્ષણનું કેન્દ્ર બની છે. વિગત અનુસાર ફક્ત 70 સેન્ટી મીટર પહોળાઈની આ ગલીમાંથી બંને દિશામાંથી આવતા લોકો પસાર નથી થઈ શકતા. આ સમસ્યા દૂર કરવા 1992માં આ સાંકડી ગલીના બંને છેડે ટ્રાફિક સિગ્નલ બેસાડવામાં આવ્યું હતું. ગલીમાં દાખલ થવા માગતા રાહદારીએ સિગ્નલનું બટન દબાવવાનું અને રેડ કે ગ્રીન લાઈટ થાય એ અનુસાર અટકવાનું કે આગળ વધવાનું. હકીકતમાં આ કોઈ ગલી નથી, પણ એનો એક છેડો રેસ્ટોરાંની સીડી પાસે પૂરો થાય છે. ટૂંકમાં તમે મુખ્ય રસ્તેથી દાખલ થઈ રેસ્ટોરાંમાં દાખલ થઈ શકો, બસ. વાતમાં કંઈ માલ નથી એવી લાગણી અમુક લોકોને થઈ શકે છે, પણ એમાંથી પસાર થવાનો આનંદ લેવા જેવો છે અને રેસ્ટોરાંમાં મળતી 100 ટકા વેજિટેરિયન ડિશની મજા માણવા જેવી છે એવું આ ‘પતલી ગલી’નો અનુભવ લઈ ચૂકેલા લોકોનું કહેવું છે. હકીકતમાં આ સાંકડી શેરી ગલી નથી, પણ આગથી બચવા માટેની વ્યવસ્થા છે. પંદરમી સદીમાં આ વિસ્તારમાં આગ લાગવાથી આખેઆખો વિસ્તાર ખાક થઈ ગયા પછી બિલ્ડિંગો વચ્ચે સાંકડી ગલી રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેથી આગ લાગે તો સાગમટે બિલ્ડિંગો સ્વાહા ન થઈ જાય.

લ્યો કરો વાત 

ચોર લોકોની જમાત ક્યારેક એવું કરે કે આપણને ટીકુ તલસાણિયા જેવું વિસ્મય થાય કે ‘યે ક્યા હો રહા હૈ?’ એક નામાંકિત બ્રાન્ડની ચોકલેટ આમ જનતામાં અત્યંત પ્રિય છે. તાજેતરમાં ઘરફોડી કરનારા લોકોને એનો ચસ્કો લાગ્યો હોવાનો અસાધારણ કિસ્સો બન્યો છે. 12 ટન ચોકલેટનો પુરવઠો ભરી એક ટ્રક ઈટલીથી પોલેન્ડ જવા રવાના થઈ. જોકે, નિયત સ્થળે પહોંચી ડિલિવરી કરે એ પહેલા આખેઆખી ટ્રક ડ્રાઈવર સાથે ગાયબ થઈ ગઈ. ચોકલેટ ઉત્પાદકોએ નિવેદન આપ્યું છે કે ચોર લોકોનો ટેસ્ટ બહુ સારો છે (મતલબ કે અમારી ચોકલેટ સ્વાદિષ્ટ છે) પણ આવી ચોરી માથાનો દુખાવો છે. અલબત્ત, દરેક ચોકલેટ પર યુનિક કોડ હોવાથી એ વેચવાની કોશિશ કરશે તો પકડાઈ જશે એવો ઉત્પાદકોને વિશ્વાસ છે...