નાયગાંવ પાસે રેલવે ટ્રેક પર ચાલી રહેલાં યુવક-યુવતી ખાડીમાં પડ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ચાલતી વખતે યુવક-યુવતી ખાડીમાં પડ્યાં હતાં. અગ્નિશમન દળના જવાનો તેમ જ માછીમારોએ યુવકને બચાવી લીધો હતો, જ્યારે યુવતીની શોધ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉલ્હાસનગર ખાતે રહેતી કોમલ ધનકે અને ઔરંગાબાદનો સંદીપ ખરાત શુક્રવારે વસઇમાં ફરવા માટે આવ્યાં હતાં. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બંને જણ નાયગાંવ અને ભાયંદર સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ચાલતા જઇ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકીને પૂછપરછ કરી હતી, જેમાં પૈસા ન હોવાથી ચાલતા જઇ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
બંને જણ બાદમાં ટ્રેક પર બેસી ગયા હતા. એવામાં કોમલને ચક્કર આવતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે ખાડીમાં પડી હતી. બીજી જ ક્ષણે સંદીપ ખરાત પણ ખાડીમાં પડ્યો હતો. દરમિયાન પોલીસકર્મીઓની નજર ખાડીમાં પડેલાં યુવક-યુવતી પર પડતાં ત્યાંથી પસાર થનારી બોટમાં હાજર માછીમારોને બૂમ પાડીને બંનેને બચાવવા કહ્યું હતું.
અગ્નિશમન દળના જવાનોની મદદથી સંદીપને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે કોમલની શોધ ચાલી રહી છે. માણિકપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ભાઉસાહેબ આહેરે જણાવ્યું હતું કે સંદીપને સારવાર માટે પાલિકાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.