બળાત્કાર કરી રહેલા પુરુષોને ત્યાં હાજર મહિલાઓ ઉશ્કેરી રહી હતી, દિલ્હી ગેંગરેપ પ્રકરણે પીડિતાનો ચોંકાવનારો ખુલાસો

દિલ્હીમાં મહિલા પર ગેંગરેપ પ્રકરણે સાત મહિલાઓ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શાહદરા પોલીસે મહિલા સાથે દુષ્કર્મ મામલે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 2 સગીરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય સીસીટીવી ફૂટેજના આધારે 15 લોકોની ઓળખ પણ કરવામાં આવી છે.
આરોપીને વહેલી તકે પકડી શકીએ તે માટેના તમામ પ્રયાસો પોલીસ કરી રહી છે. પૂર્વ દિલ્હીના કસ્તુરબા નગરમાં એક મહિલાનું કથિત રીતે અપહરણ અને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પછી, મહિલાના ચહેરા પર કાળો રંગ લગાવી તેને ચંપલનો હાર પહેરાવવામાં આવ્યો હતો.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે, પીડિતાનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યા બાદ તેને ગેરકાયદે ડ્રગ્સની હેરફેરમાં સામેલ લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે તેની સાથે યૌન શોષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલાઓ ત્યાં હાજર હતી અને પુરુષોને ઉશ્કેરતી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષની પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તે આનંદ વિહારમાં તેના પતિના ઘરે રહેતી હતી, તેની મમ્મીનું ઘર કસ્તુરબા નગરમાં હતું. માતાના ઘર પાસે રહેતા આરોપીએ મહિલાનું અપહરણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીના પરિવારનો દીકરો અને પીડિતા મિત્ર હતાં. આરોપી પરિવારના છોકરાએ ગયા વર્ષે નવેમ્બરમાં આત્મહત્યા કરી હતી અને તેનો પરિવાર પીડિતા પર આરોપ લગાવી રહ્યો છે. દીકરાની આત્મહત્યાનો બદલો લેવા માટે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
અધિકારીઓએ ખુલાસો કર્યો કે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેઓએ પીડિતાને બદનામ કરવા માટે જાતીય શોષણ કર્યું અને પછી જાહેરમાં અપમાન કર્યું હતું. આ કેસમાં અપહરણ અને સામૂહિક બળાત્કાર સહિત ભારતીય દંડ સંહિતાની 12 કલમો ઉમેરવામાં આવી છે સાથે જ પીડિતાના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર અને DCW પ્રમુખ સ્વાતિ માલીવાલે આ ઘટનાની નિંદા કરી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે, ‘ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે થઈ? હું કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ઉપરાજ્યપાલને વિનંતી કરું છું કે પોલીસને કડક કાર્યવાહી કરવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપવાનો નિર્દેશ આપે. દિલ્હીવાસીઓ આવા ઘૃણાસ્પદ અપરાધને કોઈપણ કિંમતે સહન કરશે નહીં.