હમીદ અંસારી જેવા મુસ્લિમો ક્યારે સુધરશે?

એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત
આપણે ત્યાં કેટલાક લોકો એવા છે કે જેમને પોતાના હોદ્દા કે સ્ટેટસના ગૌરવની તો પડી નથી જ પરંતુ દેશના ગૌરવની પણ પડી નથી. પોતાની અંગત માન્યતાઓ, પૂર્વગ્રહો અને ઝેરીલાપણાથી ગ્રસ્ત આ લોકો મોં ખોલે ત્યારે ઝેર જ ઓકે છે, દેશની બદનામી કરે છે. આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી આવા જ લોકોમાં આવે છે ને પ્રજાસત્તાક દિને તેમણે ભારતની વર્તમાન સ્થિતિ વિશે કરેલા લવારા તેનું તાજું ઉદાહરણ છે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી) નામના સંગઠનના કાર્યક્રમમાં અંસારી અને અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે મુસ્લિમો સહિતની લઘુમતીને પરેશાન કરાઈ રહી હોવાનો બકવાસ કર્યો. પેલા ચાર નમૂના તો અમેરિકન હતા તેથી એ લોકો ભારતને ગાળો આપે તેમાં કશું આઘાતજનક નથી, કેમ કે એ નમૂનાઓને ભારત સાથે કંઈ લેવાદેવા નથી પણ અંસારી તો ભારતીય છે. આ દેશે તેમને ઉપરાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ હોદ્દા પર બેસાડ્યા ને છતાં એ દેશની વાટવા બેસી ગયા એ આઘાતજનક કહેવાય.
આ કાર્યક્રમમાં અંસારીએ ભારતમાં માનવાધિકારોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતમાં ચૂંટણીમાં મળેલી બહુમતીના નામે ધાર્મિક બહુમતી ચડી બેઠી છે કે જે રાજકીય સર્વોપરિતા સ્થાપિત કરી રહી છે. ભારતમાં વરસોથી સભ્ય રાષ્ટ્રવાદની બોલબાલા હતી, પણ હવે નવા અને કાલ્પનિક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે નવો જ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ભારતમાં આસ્થાના નામે લોકોને અલગ કરાઈ રહ્યા છે, અસહિષ્ણુતા વધી રહી છે, પરાયા હોવાની લાગણી પેદા કરાઈ રહી છે તથા અશાંતિ અને અસલામતીનો માહોલ પેદા કરાઈ રહ્યો છે. આ પૈકી તાજેતરની કેટલીક વાતો તો થથરાવી નાંખે એવી છે. અંસારીએ બીજું પણ ઘણું કહ્યું છે ને તેનો અર્થ એ છે કે ભારતમાં હવે હિંદુવાદીઓ ચડી બેઠા છે કે જેમણે મુસ્લિમો સહિતની લઘુમતીનું જીવવું હરામ કરી નાંખ્યું છે.
આ લવારા બદલ ભાજપ ને મોદી સરકાર બંનેએ અંસારીને બરાબર ઝાટક્યા છે. અંસારી જે કાર્યક્રમમાં બોલ્યા એ કાર્યક્રમના આયોજક ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી)ને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિમિ સાથે સાઠગાંઠ છે એવા આક્ષેપ કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કર્યો છે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી) ભાજપની ઈમેજ બગાડવા વરસોથી મથ્યા કરે છે ને અંસારી તેમના પ્યાદા તરીકે વર્તી રહ્યા છે એવા આક્ષેપ પણ નકવીએ કર્યા છે.
ભાજપને દરેક વાતમાં પાકિસ્તાનને ઘૂસાડવાની ને આતંકવાદીઓ સાથે સાઠગાંઠની વાત કરીને સામેવાળા પર દેશદ્રોહીનો ઠપ્પો લગાવવાની ચળ છે તેથી ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી)ના સિમિ કે આઈએસઆઈ સાથેના સંબંધોની વાતોમાં કેટલો દમ છે તે ખબર નથી, પણ અંસારીએ જે કંઈ કહ્યું એ બધું દેશવિરોધી છે તેમાં બેમત નથી. અંસારી જેવા લોકો મોદીને ગાળો દેવાના ઝનૂનમાં દેશને ગાળો આપવા બેસી જાય છે એવી ભાજપની વાત પણ સાચી જ છે, કેમ કે અંસારીએ મોદીને કે તેમની સરકારને નિશાન નથી બનાવી, પણ આ દેશને નિશાન બનાવ્યો છે, દેશમાં માહોલ ખરાબ છે એ વાત પર ભાર મૂક્યો છે.
અંસારીના લવારાની વાત કરતાં પહેલાં થોડીક મહત્ત્વની વાત કરી લઈએ. અંસારી જેવા નમૂના આખા દેશમાં માહોલ ખરાબ છે ને લઘુમતીઓને પરેશાન કરાય છે એવું કહે છે ત્યારે એ માત્ર મોદી સરકાર કે ભાજપને ગાળો નથી આપતા. પણ આ દેશના તમામ રાજકીય પક્ષોને ગાળ આપે છે. તમામ રાજકીય પક્ષો આ જ પ્રવૃત્તિ કરે છે એવું આડકતરી રીતે કહે છે, કેમ કે આપણે ત્યાં માત્ર ભાજપનું રાજ નથી, બધા પક્ષોનું રાજ છે. ભાજપની કેન્દ્રમાં સરકાર છે, ઘણાં બધાં રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે, પણ આજેય દેશનાં મોટાં રાજ્યોમાં બિન-ભાજપ પક્ષોની જ સરકારો છે. પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા, ઓડિશા, રાજસ્થાન વગેરે દેશનાં મહત્ત્વનાં કહેવાય એવાં રાજ્યોમાં કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોની બિન-ભાજપ સરકાર છે. આ રાજ્યોની સરકારો લઘુમતીનું રક્ષણ નથી કરી શકતી એવું અંસારીનું કહેવું છે.
અંસારીએ આ પ્રકારની વાત પહેલી વાર નથી કરી. અંસારી ૨૦૧૭માં દેશના ઉપરાષ્ટ્રપતિપદેથી વિદાય થયા એ પછી વારંવાર આવા લવારા કર્યા જ કરે છે. બલકે અંસારીની દેશના ઉપરાષ્ટ્રપતિપદેથી વિદાય થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે હમીદ અંસારીએ રાજ્યસભા ટીવીને એક ઈન્ટરવ્યૂ આપેલો તેમાં આવા જ લવારા કરેલા. તેમણે કહેલું કે આ દેશમા મુસ્લિમો મૂંઝારાની લાગણી અનુભવે છે ને ભારતમાં અસલામતી અનુભવી રહ્યા છે. અંસારીના કહેવા પ્રમાણે દેશમાં અસિહષ્ણુતાનો અને સતત સતર્ક રહેવાનો માહોલ પેદા કરાયો છે તેના કારણે મુસ્લિમોમાં અસલામતીની લાગણી વધતી જાય છે. અંસારીએ દેશમાં ધાર્મિક માન્યતાના નામે થઈ રહેલી હત્યાઓની ટીકા કરી હતી ને આ હત્યાઓ ભારતીય મૂલ્યોનું પતન છે તેવો દાવો પણ કર્યો છે.
અંસારીની વાતો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નીચું દેખાડવા કરાઈ હતી એ કહેવાની જરૂર નથી.
અંસારીએ ભાજપને પણ ઘણી બધી ગાળો આપી હતી. સેક્યુલારિઝમના ઝંડાધારી કરણ થાપરે અંસારીનો ઈન્ટરવ્યૂ લીધેલો તેથી તેમણે એવા સવાલો જ પૂછ્યા કે જેના કારણે અંસારી માટે દોડવું હતું ને ઢાળ મળ્યો જેવો ઘાટ થયો. અંસારીએ કાઢેલા બળાપા ને બખાળાની આખી વાત તો કરી શકાય તેમ નથી પણ તેમણે જતા જતા ભાજપ ને મોદી સરકાર સામેની જે પણ ભડાશ હતી એ બધી આ ઈન્ટરવ્યૂમાં બહાર કાઢી હતી.
અંસારીના આ ઈન્ટરવ્યૂએ ભારે વિવાદ પેદા કર્યો હતો ને એ વખતે પણ ભાજપ અને મોદી સરકારે અંસારી સામે મોરચો માંડેલો.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંસારીને ખંખેરવાની આગેવાની લીધી. મોદીએ રાજ્યસભામાં અંસારીની વિદાય વેળા કરેલા પ્રવચનમાં કોથળામાં પાંચ શેરી ભરી ભરીને ફટકારી હતી. મોદીએ કહેલું કે. અંસારી એક સમયે ઈન્ડિયન ફોરેન સર્વિસમાં હતા ને પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર રહેલા. અંસારી રાજદ્વારી તરીકે મોટા ભાગે કટ્ટરવાદી મુસ્લિમ દેશોમાં રહેલા ને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ એ જ માહોલ છે. મોદીએ અંસારી આ માહોલમાં રહ્યા તેથી અંસારીની હાલત કૂવામાંના દેડકા જેવી છે એવું મોદીએ સંસદમાં કહેલું. હવે અંસારી મુક્ત થયા છે ત્યારે તેમને પોતાની બધી છટપટાહટ પૂરી કરવાની તક મળશે તેમ કહીને મોદીએ બાકી હતી એ કસર પણ પૂરી કરી દીધી હતી. મોદી બોલ્યા એટલે ભાજપના બીજા નેતા પણ મચી પડ્યા ને તેમણે પણ અંસારીને નિશાન બનાવીને આક્ષેપબાજી શરૂ કરી દીધી. અંસારીને રાજકીય ફાયદો જોઈએ છે એટલે આ બધી વાતો કરે છે તેવા આક્ષેપોનો મારો ભાજપના નેતાઓએ ચલાવ્યો હતો.
અંસારીની એ વખતની વાતો ઉપરાષ્ટ્રપતિના હોદ્દાને અનુરૂપ નહોતી ને અત્યારે પણ તેમણે જે લવારા કર્યા એ દેશના એક મોટો હોદ્દા પર રહી ચૂકેલી વ્યક્તિના ગૌરવને અનુરૂપ નથી. જો કે અંસારીમાં પાંચ વર્ષ પહેલાં પણ એ ગૌરવ નહોતું ને આજે પણ નથી તેથી તેની વાત કરવાનો મતલબ નથી, પણ અંસારી જેવા લોકો છાસવારે આવા લવારા કેમ કરે છે એ સમજવાની જરૂર ચોક્કસ છે.
ગુજરાતીમાં કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. અંસારી સહિતના કોંગ્રેસની પેદાશ એવા મુસ્લિમ નેતાઓની માનસિકતા મુસ્લિમોમાં અસંતોષ અને અસાલમતીની લાગણી પેદા કરીને પોતાનો રોટલો શેકવાની છે. કોંગ્રેસ પહેલાંથી મુસ્લિમોના પગોમાં આળોટતી હતી. તેમને ફોસલાવીને ને ડરાવીને મત મેળવવાનું ગંદું રાજકારણ જ તેણે રમ્યું. તેના કારણે તેણે મુસ્લિમોનું ભલું કરવા માટે ખરેખર કશું નક્કર કરવાના બદલે એક તરફ તેમની સામે ટુકડા ફેંકીને એ લોકો કદી સુધરે જ નહીં એવો પાકો બંદોબસ્ત કર્યો. બીજી તરફ, મુસ્લિમોને સતત ડરાવીને ને હિંદુવાદીઓનો ભય બતાવીને પોતાની સાથે જ રહે તેવી ગંદી રમત પણ તેમણે કરી. અંસારી ભલે કોંગ્રેસમાં સીધી રીતે સક્રિય ના રહ્યા, પણ તેમનું ગોત્ર મૂળ કોંગ્રેસી છે તેથી તે પણ આ માનસિકતા જ ધરાવે છે.
ભાજપ તાકાતવર નહોતો ત્યાં સુધી તેમની આ વાતો ચાલતી. તેમની દુકાન બરાબર ચાલતી પણ ભાજપ મજબૂત બન્યો એટલે તેમની દુકાન બંધ થઈ ગઈ છે તેથી બમણા જોરથી મુસ્લિમોમાં ડર અને અસલામતી પેદા કરવા મથ્યા કરે છે. તેમાં ફાવતા નથી, કેમ કે મુસ્લિમો સમજદાર બન્યા છે. આ લોકોની જાળમાં હવે ફસાતા નથી. અંસારી સહિતના નેતાઓએ આ વાત સમજવી જોઈએ, પણ એ નમૂના સુધરતા જ નથી. મુસ્લિમોની સમજદારીના કારણે અંસારી સહિતના મુસ્લિમ મતના ઠેકેદાર મુસ્લિમ નેતાઓમાં હતાશા વધતી જાય છે. આ હતાશા આ રીતે દેશવિરોધી લવારામાં બહાર આવી જાય છે. ઉ
Comments

Mahendrabhai babariya
January 29, 2022
Very interesting and informative article.

Mahendrabhai babariya
January 29, 2022
Very interesting and informative article.

Mahendrabhai babariya
January 29, 2022
Very interesting and informative article.