અંતરિક્ષયાત્રાની માનવીના શરીર ઉપર કેવી અસર પડે છે?
ફોકસ - વનશ્રી પરીખ
અંતરિક્ષની સફર પરથી પાછા ફર્યા બાદ અંતરિક્ષયાત્રી એનિમિક શા માટે થઈ જાય છે? એટલે કે તેમનામાં લોહીની ઊણપ શા માટે વધી જાય છે? કેનેડાના શોધકર્તાઓનું કહેવું છે કે અંતરિક્ષમાં શરીરની ૫૦ ટકા કરતાં વધુ રક્તકોશિકાઓ નષ્ટ થઈ જાય છે.
તેમનું કહેવું છે કે ચંદ્ર ઉપર કે અન્ય અંતરિક્ષની યાત્રા એક પડકાર સમાન હોય છે. તેમના દ્વારા કરવામાં આવેલી શોધ પૃથ્વી ઉપર વસતા માનવીની બીમારીને દૂર કરવામાં અનેક રીત ઉપયોગી બને છે. અંતરિક્ષમાં જતા વૈજ્ઞાનિકોને જાણકારી તો હોય જ છે કે અંતરિક્ષમાં લોહીની નસોમાં લોહીનું પરિભ્રમણ ધીમે ધીમે ઘટતું જતું હોય છે, જેને ‘સ્પેસ એનિમિયા’ કહેવામાં આવે છે. આવું શા માટે બને છે તે વિશે રહસ્ય રહેલું છે. ૧૪ અંતરિક્ષયાત્રી પર યુનિવર્સિટી ઑફ ઓટાવાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું કે અંતરિક્ષમાં પ્રતિક્ષણ શરીરમાંથી ૩૦ લાખ રક્તકોશિકા નષ્ટ પામતી રહે છે, જ્યારે જમીન ઉપર બે લાખ રક્તકોશિકા નષ્ટ થતી હોય છે. સામાન્ય રીતે શરીર તેની ભરપાઈ કરી લે છે. જો તેમ ન થાય તો અંતરિક્ષમાં તેઓ વધુ બીમાર પડી જાય છે. જે અંતરિક્ષયાત્રીઓને સંશોધનમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમાં બ્રિટનની ટીમના ટિમ પૅક પણ હતા, જેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર છ મહિના વિતાવ્યા હતા. તેમણે સ્પેસમાં અલગ અલગ વિષયો ઉપર શોધ પણ કરી હતી. તેમનું કહેવું છે કે આ અભિયાન દરમિયાન અંતરિક્ષયાત્રીઓના લોહી તથા શ્ર્વાસનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેથી શોધકર્તા તેમના શરીરમાંથી ઘટી ગયેલી લાલ રક્તકોશિકાઓની સંખ્યા જાણી શકે. રક્તકોશિકા ફેફસાંથી શરીરના સંપૂર્ણ ભાગમાં ઑક્સિજન પહોંચાડે છે, જે જીવન માટે અત્યંત જરૂરી છે. આ સંશોધનના પ્રમુખ શોધકર્તા તથા હૉસ્પિટલ ફિઝિશિયન ડૉક્ટર ગાય ટુડલના જણાવ્યા પ્રમાણે અમને એ જાણકારી તો મળી હતી કે અંતરિક્ષમાં પહોંચ્યા બાદ શરીરની રક્તકોશિકા નાશ પામે છે, જે સંપૂર્ણ મિશન દરમિયાન બનતું હોય છે. અંતરિક્ષમાં વજન મહેસૂસ ન થવાને કારણે તે કાંઈ મોટો પ્રશ્ર્ન ન ગણી શકાય. પૃથ્વી ઉપર પાછા ફર્યા બાદ અંતરિક્ષયાત્રીને નબળાઈ તથા થાક વધુ લાગે છે. વળી તેમની માંસપેશીની મજબૂતાઈ ઓછી થઈ જાય છે. એવું પણ જાણવા મળ્યું કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ પણ તેમની રક્તકોશિકાની સમસ્યામાં સુધાર જોવા મળતો નથી. એક વર્ષ બાદ પણ તેમના શરીરમાંથી લાલ રક્તકોશિકા ઝડપથી ઘટતી જોવા મળી હતી. તેમ છતાં પણ તેમનું શરીર સારી રીતે કામ કરતું હતું. આ સમસ્યાની અસર મહિલા તથા પુરુષ ઉપર એકસમાન જોવા મળી હતી.
ડૉક્ટર ટુડલનું કહેવું છે કે જો અમને જાણવા મળે કે એનિમિયા શા માટે થાય છે તો તેને સુધારવાનો કે તેને રોકવાનો ઉપાય શોધી શકાય. અંતરિક્ષયાત્રીઓમાં થતો એનિમિયા કોવિડના દર્દીના અનુભવ જેવો છે. જેમણે કોવિડની બીમારીમાં આઈસીયુમાં મહિનાઓ પસાર કર્યા બાદ તેમનું શરીર નિષ્ક્રિય બની જાય છે. એનિમિયા તેમને વ્યાયામ કરવાથી તથા શરીરને શક્તિવર્ધક બનાવવાથી રોકે છે. શોધકર્તાની ટીમ દ્વારા એ પણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે કે ભવિષ્યના સંશોધનમાં આ તંત્ર કઈ રીતે કામ લાગશે. આ શોધ નેચર મેડિસિનમાં પ્રકાશિત થઈ છે. તેના પરિણામ મુજબ વધુ દૂરના અંતરિક્ષ અભિયાનમાં હિસ્સો લેનારે પોતાના આહારમાં વધુ આયર્નનો સમાવેશ કરવો જોઈએ તેમ જ ઊર્જા માટે વધુ કૅલરી લેવાની સલાહ આપવામાં આવશે. શોધકર્તાનું કહેવું છે કે અંતરિક્ષયાત્રા પહેલાં અંતરિક્ષયાત્રીના લોહી તથા સ્વાસ્થ્ય ઉપર એનિમિયાના પ્રભાવની તપાસ કરવી પણ જરૂરી બને છે.