અંધેરીમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ: યુવકની ધરપકડ
મુંબઈ: સિક્યોરિટી ગાર્ડ વિનાના અંધેરીના ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) તોડવામાં નિષ્ફળ ગયેલા યુવકને પોલીસે ગુનો નોંધાયાના ૨૪ કલાકમાં પકડી પાડ્યો હતો. એટીએમ સેન્ટરથી પાંચ જ મિનિટના અંતરે ઘર હોવા છતાં પોલીસને ગફલતમાં નાખવા માટે આરોપી વિવિધ વિસ્તારોમાં ફરીને અંદાજે ત્રણ કલાકે ઘરે પહોંચ્યો હતો.
અંબોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઈર્શાદ પઠાણ (૨૦) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના વતની એવા આરોપી પઠાણે પૂછપરછમાં એવો દાવો કર્યો હતો કે ઝટપટ રૂપિયા કમાઈને વતન પાછા ફરવા માટે તેણે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ગર્ભવતી પત્ની ગણતરીના દિવસોમાં સંતાનને જન્મ આપવાની હોવાથી આરોપીને રૂપિયાની જરૂર હતી.
પઠાણ અંધેરી પશ્ર્ચિમમાં વીરા દેસાઈ રોડ સ્થિત કુરેશી કમ્પાઉન્ડ ખાતે છેલ્લા ચાર મહિનાથી કાકા સાથે રહેતો હતો. તે રાતના સમયે કથિત ગેરકાયદેસર રિક્ષા ચલાવતો હતો. તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી અને શહેરમાં રિક્ષા ચલાવવા માટેનો યુનિયનનો રજિસ્ટ્રેશન નંબર પણ નથી.
છેલ્લા કેટલાક દિવસથી એટીએમ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ ન હોવાનું નોંધી પઠાણે રૂપિયા ચોરવાની યોજના બનાવી હતી. બુધવારની રાતે માસ્ક પહેરીને તે એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યો હતો. દાંતરડાની મદદથી તેણે લગભગ ૬૦ સેક્ધડ સુધી બધી તરફથી મશીન ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મશીન ખોલી શક્યો નહોતો.
પઠાણનું ઘર એટીએમ સેન્ટરથી ચાલતા પાંચ જ મિનિટના અંતરે આવેલું છે, પરંતુ પોલીસ તેને ટ્રેસ ન કરી શકે તે માટે વિવિધ વિસ્તારોમાં ફરીને તે ત્રણ કલાકે ઘરે પહોંચ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં આરોપીનું કરતૂત ઝડપાઈ ગયું હતું. બીજે દિવસે બૅન્ક અધિકારીએ ફૂટેજ જોયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ૨૦ જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીના ઘર સુધી પહોંચી હતી. ચાલતાં ચાલતાં એક વાર આરોપીએ માસ્ક કાઢી નાખ્યું હતું. તે સમયે કૅમેરામાં તેનો ચહેરો ઝડપાઈ ગયો હતો, જેને આધારે તેની ઓળખ થઈ શકી હતી.