આ ટેણિયાએ એવુ કારસ્તાન કર્યુ કે ખિસામાંથી દોઢ લાખ ખંખેરાય ગયા

સરખી રીતે બોલી કે ચાલી પણ ન શકતાં નાનાં ટેણિયાએ એવુ કારસ્તાન કરી નાખ્યુ કે તેને જોઇને તેના માતા-પિતા પણ દંગ રહી ગયા. વાત જાણે એમ છે કે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા એક ઇન્ડિયન કપલના બે વર્ષના ટેણિયાએ તેની માતાના ફોનમાં રહેલા શોપિંગ એપના માધ્યમથી લાખો રૂપિયાનો સામાન ઓર્ડર કરી દીધો હતો.
અયાંશ કુમાર નામના આ બાળકે તેની માતાના ફોનમાંથી ઢગલો સામાન ઓનલાઈન ઓર્ડર કરી દીધો, જેની કિંમત આશરે 1.50 લાખ રૂપિયા છે. માતાને આ ઓર્ડર વિશે ત્યારે જાણ થઈ જ્યારે તેના ઘરે સામાનની ડિલીવરી થઈ. અયાંશની માતાના શોપિંગ કાર્ટમાં ખુરશી, ફ્લાવર સ્ટેન્ડ અને ફર્નિચર સહિતની વસ્તુઓ હતી. જોકે કાર્ટમાં રહેલી તમામ વસ્તુની ખરીદી માટે અયાંશની મમ્મી મધુનો કોઈ વિચાર નહોતો, પરંતુ તેના દરવાજે આટલો બધો સામાન જોઈ તે પણ ચોંકી ગઈ હતી. મધુએ ડિલિવર થયેલાં સામાનમાંથી કેટલોક સામાન તેના દીકરાની આ ભૂલની યાદગીરી માટે રાખવાનો નિર્ણય કર્યો છે, જયારે બાકીનો સામાન સુપરમાર્કેટને પરત લઇ લેવા માટે કહ્યું છે.