ક્રિકેટ જગતના 'કુંવારા બાપ'

માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે, પણ લગ્ન પહેલા અગર મહિલા બાળકની માતા બને છે તો એને કલંકની નજરે જોવામાં આવે છે. આવી કુંવારી માતાઓની જિંદગી ભારે કઠિનાઇ વેઠવી પડે છે. જોકે, પુરુષો માટે વસ્તુસ્થિતિ અલગ છે. ભારતમાં ક્રિકેટની રમત ઘણી પ્રખ્યાત છે. ચાહકો ક્રિકેટરોના જીવનની નાની નાની વાતો જાણવા માટે ઉત્સુક હોય છે. ક્રિકેટ જગતમાં એવા ઘણા ખેલાડી છે જેઓ લગ્ન પહેલા પ્રેમમાં પડ્યા અને બાળકોના પિતા ('કુંવારા બાપ') પણ બન્યા. વિવ રિચર્ડ્સથી લઈને હાર્દિક પંડ્યા સુધી આવા ઘણા ક્રિકેટરો છે. આમાંથી કેટલાક ક્રિકેટરોના સંબંધો લગ્ન સુધી પહોંચી ગયા છે તો કેટલાક ક્રિકેટરોએ પિતા બન્યા બાદ પણ લગ્ન કર્યા નથી. વિવિયન રિચર્ડ્સ અને ડ્વેન બ્રાવો એવા ક્રિકેટરો છે. જેમણે પિતા બન્યા પછી લગ્ન નથી કર્યા.
ઇમરાન ખાન
પાકિસ્તાનના હાલના વડા પ્રધાન અને પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન લગ્ન કર્યા વિના પિતા બન્યા હતા. ઈમરાન ખાન સીતા વ્હાઈટ સાથે સંબંધ ધરાવતા હતા. સીતા અને ઈમરાનનો સંબંધ 1987-88માં શરૂ થયો હતો. 1991માં બંને નજીક આવ્યા હતા. 1992માં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો. આ બાળક ઇમરાન ખાનનું જ હતું, પરંતુ ઇમરાને આ વાતનો ઇનકાર કર્યો હતો. બાળકનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ખબર પડી હતી કે આ બાળક ઇમરાન ખાનનું જ છે.
વિવિયન રિચાર્ડ્સ
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન સર વિવ રિચર્ડ્સ તેમની કારકિર્દી દરમિયાન ભારતીય અભિનેત્રી નીના ગુપ્તાના પ્રેમમાં પડ્યા હતા. તેમના અફેરની ચર્ચા 1980ના દાયકામાં ઘણી ચગી હતી. વિવિયન રિચાર્ડ્ઝ પરિણીત હતા. બંનેનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું હતું. 1989માં નીના ગુપ્તાએ મસાબા નામની પુત્રીને જન્મ આપ્યો. જોકે, વિવિયને ક્યારેય નીના સાથે લગ્ન કર્યા નહીં. તેમની પુત્રી હવે પ્રખ્યાત ભારતીય ડિઝાઇનર છે. નીનાએ દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે લગ્ન કર્યાં પરંતુ તે હજુ પણ વિવિયન રિચર્ડ્સના સંપર્કમાં છે.
જૉ રૂટ
ઇંગ્લેન્ડનો શ્રેષ્ઠ બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન જો રૂટ 2017માં પ્રથમ વખત પિતા બન્યા હતા. તે સમયે રૂટના લગ્ન થયા ન હતા પરંતુ માર્ચ 2016માં તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ થઈ હતી. કેરી કોટ્રેલ અને જો રૂટ તેમના પ્રથમ બાળકના જન્મના થોડા સમય બાદ લગ્ન કર્યા હતા. રૂટે તેના પુત્રનું નામ આલ્ફ્રેડ વિલિયમ રૂટ રાખ્યું છે, જે હવે ઘણીવાર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની મેચો દરમિયાન જોવા મળે છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર અને તેની પત્ની કેન્ડિસ વોર્નર પણ એકબીજા સાથે લગ્ન કરતા પહેલા માતા-પિતા બન્યા હતા. 2014 માં, કેન્ડિસે તેમની પ્રથમ પુત્રી આઇવીને જન્મ આપ્યો. ક્રિકેટ વર્લ્ડ કપના એક વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા અને હવે એકબીજા સાથે ખુશ છે. હવે આ દંપતી ત્રણ દીકરીઓના માતા-પિતા છે.
ડ્વેન બ્રાવો
ડ્વેન બ્રાવોની બે ગર્લ ફ્રેન્ડ છે અને ત્રણ બાળકો છે. ત્રણ બાળકોનો પિતા હોવા છતાં, બ્રાવોએ હજુ સુધી લગ્ન કર્યા નથી. બ્રાવો તેની ગર્લફ્રેન્ડ ખેતા ગોન્સાલ્વિસ અને રેજિના રામજીતના બાળકોનો પિતા છે. બ્રાવોની મોટી પુત્રી 17 વર્ષની છે. જ્યારે તેમની બીજી પુત્રી અને પુત્ર હજી ઘણા નાના છે.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ 2020 માં લોકડાઉન દરમિયાન નતાસા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા. તેણે 31 મે, 2020 ના રોજ નતાશા સાથે તેના લગ્નની જાહેરાત કરી. જુલાઈ 30, 2020 ના રોજ દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. તેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું.
વિનોદ કાંબલી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ પહેલા ગર્લફ્રેન્ડ નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા, પણ કમનસીબે, સંબંધોનો અંત આવ્યો. બાદમાં તેણે એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા. આ દંપતીને જૂન 2010માં એક બાળકનો જન્મ થયો હતો અને તેઓએ 2014માં લગ્ન કર્યા હતા.