કુરાને પાકની સાચી સમજ હદીસે શરીફના જ્ઞાન વિના અધૂરી
મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણી
શરીઅતના સ્રોતોમાં પ્રથમ સ્થાન કુરાન કરીમનું છે અને બીજું પાયાનું સ્થાન પવિત્ર હદીસનું છે. પરંતુ કુરાન શરીફની આયતો (શ્ર્લોકો)ના અર્થઘટન અને ભાવાર્થની સાચી સમજ માટે હદીસનું જ્ઞાન અતિ આવશ્યક છે. આજ કારણ છે કે દરેક યુગમાં આલિમો (જ્ઞાનિ, વિદ્વાનો)એ હદીસના શિક્ષણ, એને યાદ કરવા તથા એના ફેલાવા માટે અથાક પ્રયત્નો કર્યા છે તથા હદીસ શરીફની નાની-મોટી પુસ્તિકા, પુસ્તકો દુનિયાની જે તે ભાષાની બોલી લેખનકાર્યમાં તેની સમજૂતી સાથે લખી છે તથા તે પાછળ વિશેષ ધ્યાન આપ્યું છે.
હદીસની મહત્તા ધરાવતુ હઝરત ઇમામે આઝમ અબૂ હનીફા રદ્યિલ્લાહુ અન્હુનું કથન છે કે, ‘જો હદીસ (પયગંબર હઝરત મુંહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વ આલેહિ સલ્લામના કથનો, કાર્યપ્રણાલી, ભાષણ, ચર્ચા, વાતચીત, સુકૃત્યોની જાણકારીને હદીસ કહેવામાં આવે છે.) ન હોત તો આપણા માટે કુરાનને સમજવું અશક્ય હતું.’ આપ હઝરતનું આ કથન હદીસ શરીફની મહત્તા દર્શાવે છે.
ઇલાહી વાણી સ્વરૂપ નાઝિલ થયેલ કિતાબ પવિત્ર કુરાનમાં પયગંબર હઝરત મુહંમદ (સલ.)ની પવિત્ર રહેણીકરણી, નાના-મોટા સાથેના વ્યવહાર, ચુકાદાઓ, આપની જીવનશૈલી, આપની કાર્યપ્રણાલી, આપ હુઝૂરે અનવર (સલ.) થકી દોરેલા માર્ગ પર ચાલવા એનું અનુકરણ કરવા જેવી અનેક બાબતોનો આદેશ આપવામાં આવ્યો છે.
દરેક મોમિન (એક ઇમાનદાર, સાચો મુસલમાન) આ બાબતને સારી રીતે જાણે અને માને છે કે દીન (ધર્મ)ના મૂળ સિદ્ધાંતો, અકીદા (માન્યતા, આસ્થા, વિશ્ર્વાસ) અને તેના પર નખશીખ અમલનો પાયો કુરાન કરીમ અને હદીસે પાક છે. ત્યાર પછી ઉમ્મતે મુહમ્મદિયાના આલિમો (જાણકારો)ની એકમતીનું સ્થાન છે. જો કોઈ વ્યક્તિ હદીસનો ઇન્કારી છે તો એનું ઇમાન કમજોર છે, પછી ભલે એ કુરાન પર અમલ ધરાવતો હોય.
કુરાન મજીદની વિશાળતા, તેની વિશિષ્ટ છણાવટ, તેના રહસ્યો-ભેદોની સાદી અને સરળ સમજ હદીસ થકી જ શક્ય છે. એ વિના કુરાનને સમજવું અઘરું-અધૂરું છે.
પવિત્ર કુરાનમાં પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ની પેરવી (અનુકરણ) કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે તે ત્યાં સુધી કે હુઝૂરે અનવર (સલ.)ની આજ્ઞાપાલન અલ્લાની પોતાની આજ્ઞાપાલન ઠરાવી છે. અલ્લાહતઆલા આ સંદર્ભમાં ફરમાવે છે, ‘જેણે રસૂલનો હુકમ માન્યો, બેશક! તેણે અલ્લાહનો હુકમ માન્યો.’ આ સિવાય પણ અનેક આયતોમાં અલ્લાહે એના મહેબૂબ (પ્રિય)ની તાબેદારી (અનુકરણ-માન્ય) કરવાના આદેશો આપ્યા છે.
આપની કાર્યપ્રણાલી અને મુબારક ટેવોમાંથી કેટલીક આ પ્રમાણે છે:
* દરેક વાત ત્રણ વખત કહેતા, જેથી સાંભળનાર તેને સારી રીતે સમજી શકે
* આપ હઝરત (સલ.)નો વાતચીત કરવાનો પ્યારો અંદાજ (રજૂઆત) એ હતો કે દરેક શબ્દ છૂટો કરીને બોલતા જેથી સાંભળનાર તે સમજી શકે
* રોકાઈ રોકાઈને સાફ સાફ શબ્દોમાં કલામ (વાક્યો) ફરમાવતા
* આપ હુઝૂરે અનવર (સલ.) સખત સ્વભાવના ન હતા. અત્યંત નમ્ર-નિખાલસ હતા
* ક્યારેય કોઈના પર નાખુશ નહોતા રહેતા સૌ સાથે નમ્ર વર્તન-વ્યવહાર આપની ટેવ હતી - ઉમદા આદત હતી
* બાળકોને સામેથી સલામ ફરમાવતા ના દિલને ખુશ કરવા અને તેમની હિંમતને બિરદાવવાનો મુબારક તરીકો (નિયમ) એ હતો કે જે વાત પરસૌ હાજરજન મલકાતા (ખુશ થતા) તો આપ સરકાર પણ મુસ્કુરાતા
* ઉપસ્થિત લોકોમાં જો કોઈ વાત પર અચંબો (આશ્ર્ચર્ય) જાહેર કરતા તો આપ પણ અચંબિત થતા
* પરદેશીઓ, અજાણ્યા લોકો, મુસાફરો અને ગેરશિસ્ત આચરનારા લોકોની વાતચીત, તેમના સવાલ કરવામાં કડવાપણું આ બધી વાતોને આપ અલ્લાહના મહાન સંદેશવાહક હસતા મુખે સહન કરી લેતા. મન-હૃદયમાં પણ એવી જ ભાવના રહેતી, વિચારોમાં ક્યાંય કડવાશ રહેતી નહીં... અહીં સુધી કે અમુક સહાબાએ કિરામ (અલ્લાહ અને એ દ્વારા આપ હુઝૂર પર ઇમાન લાવનાર (સાથી-સગાંથીઓ) પોતે તેઓને આપ હુઝૂરે કરીમ (સલ.)ની મજલિસ (ઉપસ્થિત સમૂહને ધાર્મિક ઉપદેશ)માં લઈ આવતા જેથી તેમના દરેક જાતના સવાલથી પોતે પણ લાભ ઉઠાવે અને અદબ ખાતર જે વાતો પોતે હુઝૂરથી પૂછી શકતા નહોતા તેનું ઇલ્મ (જ્ઞાન) પણ મળી જાય. આપના નકશેકદમ ચાલનારને જ મોમિન કહેવાય છે. જિધર ડાલો નઝર આતે હૈં અનવારે ખુદા રોશન તુમ્હારા આસ્તાના હૈ તજલ્લી - ગાહે રબ્બાની.
- વ્હાલા વાચક મિત્રો! અલ્લાહતઆલા દ્વારા નાઝિલ થયેલ દિવ્ય વાણી કુરાન મજીદની આયતો (શ્ર્લોકો)ને સાચા અર્થમાં સમજવા હદીસ શરીફનું જ્ઞાન હાંસલ કરવું વધુ શ્રેષ્ઠ બની રહે છે. મનમાં ઉદ્ભવતા નાના-મોટા પ્રશ્ર્નો, દીન અને દુન્યવી જીવનના માર્ગદર્શનો બંને જહાંને આબાદ કરનારા બની રહેતા હોય છે.
- કબીર સી. લાલાણી
* * *
એક જિજ્ઞાસુ વાચકને
આ કોલમને નિયમિત વાંચતા ભાઈબંધ કોમના એક જિજ્ઞાસુ વાચક જાણવા માગે છે કે જ્યારે કોઈનું અવસાન થાય છે તો તે સાંભળીને ઇસ્લામમાં માનનાર ‘ઈન્નાલિલ્લાહ’ કહે છે તો તેનો અર્થ સરળ ગુજરાતીમાં શું થાય છે?
‘ઈન્નાલિલ્લાહ’ આ શબ્દ એક આખી આયતમાંથી ટૂંકાવેલો ટૂકડો છે. આમાં બે શબ્દો છે જેનો અર્થ થાય છે, ‘આપણે અલ્લાહ માટે’ જ્યારે કોઈનું મૃત્યુ થાય પછી તે કોઈપણ જ્ઞાતિ સમાજનો કેમ ના હોય, એક મુસ્લિમે આ આયત (શ્ર્લોકો) બોલવા જોઈએ કે - ‘ઈન્નાલિલ્લાહેવ ઈન્ના અલૈહે રાજેઊન’. જેનો સારાંશ એવો છે કે - ‘આપણે સૌ અલ્લાહને માટે છીએ અને અલ્લાહ સમક્ષ જ ફરી પાછા આપણે જવાના છીએ...’