મલાડના મેદાનને ગેરકાયદે ટીપુનું નામ આપનાર શિવસેના મહાત્મા ગાંધીને ભૂલી ગઈ
ભાજપે સ્થાયી સમિતિમાં કર્યો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડના સ્પોર્ટ્સ કૉમ્લેક્સને ટીપુ સુલતાનનું નામ આપવાને લઈને શિવસેના-ભાજપ વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. તેમાં હવે વરલીની બી. ડી. ડી. ચાલના જાંભોરી મેદાન પરના મહાત્મા ગાંધીના નામના બોર્ડને લઈને નવો વિવાદ ઊભો થયો છે. આ મેદાન પરનું મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ ગાયબ હોવાની ફરિયાદ ભાજપે કરી છે. સત્તા માટે અમુક લોકો સાથે હાથ મિલાવનારાઓ મહાત્માને ભૂલી ગયા એવી ટીકા ભાજપે શુક્રવારે સ્થાયી સમિતિમાં કરી હતી. વરલીના આ મેદાનને દસ દિવસમાં મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ નહીં લાગ્યું તો ભાજપ તરફથી ગાંધીગીરી સ્ટાઈલમાં આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ભાજપે આપી છે.
જાંંભોરી મેદાનમાં સ્વાતંત્ર્યની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હાજરી પૂરાવી હતી. સ્વાતંત્રતા બાદ આ મેદાનનું નામકરણ ‘મહાત્મા ગાંધી મેદાન’ એવું કરવામાં આવ્યું હતું. આ મેદાનને ઐતિહાસિક અને હેરિટેજ દરજ્જો મળ્યો છે. હાલમાં જ આ મેદાનનું સુશોભીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. અહીંના મેદાનના નૂતનીકરણ કરવામાં આવ્યા બાદ મેદાનના કોઈ પણ પ્રવેશદ્વાર પર અથવા પર્યાવરણ પ્રધાનના ટ્વિટમાં મહાત્મા ગાંધી મેદાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી એવો આરોપ પણ ભાજપે કર્યો હતો.પર્યાવરણ પ્રધાન, મેયર અને કમિશનર આ ઐતિહાસિ મેદાનના નામને કેવી રીતે ભૂલી ગયા? ટીપુ સુલતાનના ગેરકાયદે રીતે આપવામાં આવતા નામના બોર્ડને સંરક્ષણ આપવામાં આવે છે, પણ કાયદેસરના નામના બોર્ડ ગાયબ થઈ જાય છે તે બેસાડવાનું યાદ આવતું નથી એવી ટીકા પણ ભાજપે કરી હતી.
ભાજપના આ આરોપ બાદ સત્તાધારી પાર્ટી જાગી હતી. આ મેદાનનું લોકાર્પણ ૨૪ જાન્યુઆરીના કરવામાં આવ્યું હતું. તેથી હવે નામના બોર્ડનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવતો હોવાથી સ્થાયી સમિતિ અધ્યક્ષ યશવંત જાધવે પ્રશાસન પાસેથી આ બાબતે માહિતી મગાવી હતી. તેમ જ મેદાનના નામની તેની દેખરેખ રાખવાની જવાબદારી સંભાળતી એજન્સીની માહિતી લઈને કોણ દોષી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું તેમણે કહ્યું હતું.