કેમેરા સામે ઇન્ટરવ્યુ આપીને ઝડપાઈ ગયેલા કાતિલ!

ભાતભાતકેલોગ - જ્વલંત નાયક
સુરતમાં થોડાં વર્ષો પહેલાં એક અજીબ બનાવ બનેલો. થયું એવું કે એક યુવાન કોઈક કારણોસર અચાનક ગુમ થઇ ગયો. થોડા સમય બાદ એની હત્યા થયેલી લાશ મળી આવી. સ્વાભાવિક રીતે જ એ યુવાનના પરિવારના લોકો અને મિત્રો આ કેસ ઉકેલવા માટે પોલીસ પર દબાણ લાવી રહ્યા હતા. આ લોકો વારંવાર પોલીસ સ્ટેશને જઈને કેસ વિશેની માહિતી મેળવતા હતા અને પોલીસ પર હત્યારાને પકડવાનું દબાણ બનાવી રાખતા હતા. આખરે પોલીસે હત્યાની આ ગૂંચ ઉકેલી કાઢી અને સૌના આશ્ર્ચર્ય વચ્ચે હત્યારો બીજું કોઈ નહિ, પણ એ પરિવારનો અને મરનારનો જ નજીકનો મિત્ર નીકળ્યો. લોકોને ખરું આશ્ર્ચર્ય તો એ વાતનું હતું કે વારંવાર પોલીસ ઉપર અ કેસ ઉકેલવાનું દબાણ કરનાર લોકોમાં ખુદ હત્યારો પણ સામેલ હતો. મારનાર યુવાનના પરિવાર સાથે હત્યારો પણ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે પહોંચી જતો હતો! પોતાને ઓવર સ્માર્ટ ગણતા ઘણા ગુનેગારો આવી રમત રમતા હોય છે. કેટલાક ગણતરીબાજ ગુનેગારો પોલીસ કાર્યવાહી કઈ દિશામાં જઈ રહી છે, એ જાણવા માટે પણ આવી રમત કરતા હોય છે. તેઓ વારંવાર પોલીસ મથકે રજૂઆત કરવાને બહાને કે પછી મીડિયા આગળ રોદણાં રડવા પહોંચી જતા હોય છે.
આ બધાથી વિપરીત કેટલીક વાર એવુંય બને કે કોઇ હત્યા કેસ પછી મીડિયા સામાન્ય માણસોના મંતવ્ય જાણવા માટે એમના ઇન્ટરવ્યુઝ લે અને એ સામાન્ય લાગતા માણસોમાંથી જ કોઈ એક અસલી ખૂની હોય! આજે એવા જ કેટલાક કિસ્સાની વાતો મમળાવીએ, જેમાં મીડિયા સામે ઇન્ટરવ્યુમાં ડાહી ડાહી વાતો કરનારા ખૂનીઓ પાછળથી પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયા હોય!
બિચારી મારી મા આ જાણશે તો...!
૨૦૧૮માં બ્રેડફોર્ડ ખાતેની એક ખાડીમાંથી એક મહિલાની લાશ મળી આવી. પોલીસે તરત તપાસ ચાલુ કરી, પણ કોઈ પુરાવો જડતો નહોતો. મીડિયાએ પણ આ કેસને ખાસ્સું કવરેજ આપ્યું. એક ચેનલ સાથે જોડાયેલા મીડિયાકર્મીએ જ્યાંથી લાશ મળી આવેલી, એની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનાં મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો. તેઓ જાણવા માગતા હતા કે જેનો મૃતદેહ મળી આવ્યો છે, એ સ્ત્રીના મૃત્યુ વિષે આસપાસના લોકો શું વિચારે છે. એ માટે મીડિયાએ કેટલાક લોકોના ઇન્ટરવ્યુઝ લીધા. સ્વાભાવિક રીતે મોટા ભાગના લોકોએ કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ માટે પોલીસ તંત્ર-સરકાર પર માછલાં ધોયાં. મેથ્યુ હાવર્લી નામના એક સજ્જને કેમેરા સામે ઇન્ટરવ્યુ આપતી વખતે સદરહુ ઘટના અંગેની પોતાની થિયરી રજૂ કરતાં કહ્યું, ‘આ કમનસીબ સ્ત્રીને કોઈએ પોતાના વાહનની ટક્કર મારીને ઉડાવી દીધી હોય એમ લાગે છે! કદાચ કોઈએ એ સ્ત્રી પર હથિયાર વડે પ્રહાર કરીને મારી નાખી હોય અને પછી એનો મૃતદેહ નદીમાં ફેંકી દીધો હોય, એમ પણ બને.’ મેથ્યુ હાવર્લી સ્ત્રીનું મૃત્યુ કઈ રીતે થયું હશે, એની થિયરી રજૂ કરીને અટક્યો નહિ, બલકે વાતને અંતે લાગણીશીલ થઈને એણે ઉમેર્યું, ‘જ્યારે મારી માને ખબર પડશે કે એક સ્ત્રીને આ રીતે મારી નાખવામાં આવી છે, ત્યારે એ બિચારી પર શું વીતશે?!’
ખૂબીની વાત એ હતી કે જ્યારે પોલીસે આ અપમૃત્યુ કેસમાં ઊંડી તપાસ કરી ત્યારે અજાણી સ્ત્રીની હત્યા કરનાર વ્યક્તિ તરીકે ખુદ મેથ્યુ હાવર્લીનું જ નામ ખૂલ્યું! હજી વિચિત્ર બાબત તો એ હતી કે કમોતે મરનાર પેલી સ્ત્રી બીજું કોઈ નહિ, પણ મેથ્યુની સગી માતા જ હતી, બોલો! કેમેરા સામે પોતાની માતાની ચિંતા કરનાર મેથ્યુએ જ કોઈક કારણોસર પોતાની માનું ઢીમ ઢાળીને મૃતદેહ નદીમાં ફેંકી દીધેલો. પાછળથી મીડિયા કવરેજને કારણે આ કેસ હાઈ-પ્રોફાઈલ બની જતાં, મેથ્યુએ મીડિયાને બાઈટ પણ આપી, પણ આખરે...
પહેલો ‘દુશ્મન’ પડોશી!
મેથ્યુ હાવર્લી કરતાંય વધુ રોચક કિસ્સો તો આ છે. લોરેન ગીડિંગ્સ નામનો એક યુવાન અચાનક ગુમ થઈ ગયો. પોલીસ એને ચારે તરફ શોધી રહી હતી. મીડિયાવાળા પણ આ કેસમાં પૂરતો રસ લઇ રહ્યા હતા. એક ચેનલના પત્રકારે લોરેનના પડોશી એવા સ્ટીફન મેક્ડેનિયલનો ઇન્ટરવ્યુ લીધો. ‘તમને શું લાગે છે, લોરેન અચાનક ક્યાં ખોવાઈ ગયો હશે? લોરેનને કોઈ સાથે દુશ્મની હતી?’ પત્રકારે પૂછ્યું. પૂછનારને ખબર નહોતી કે જેમ પહેલો સગો પડોશી ગણાય, એ જ પ્રમાણે પહેલો દુશ્મન પણ પડોશી જ હોઈ શકે! પત્રકાર સ્ટીફનનો ઇન્ટરવ્યુ લઇ રહ્યો હતો એ દરમિયાન જ અચાનક સમાચાર આવ્યા કે પોલીસને લોરેન ગીડિંગ્સનો મૃતદેહ મળી આવ્યો છે! આથી મીડિયાકર્મીએ અધવચ્ચેથી સ્ટીફનને બોલતો અટકાવીને લોરેનનું ડેડબોડી મળ્યાના સમાચાર પ્રસારિત કર્યા. લોરેનનો પડોશી સ્ટીફન પોતે કાયદાનો અભ્યાસ કરેલો સ્નાતક હતો, આથી પોલીસ કાર્યવાહી અને હત્યાકેસમાં થતી સજા વિષે એને ખબર હતી. જેવા લોરેનના મૃતદેહ વિશેના સમાચાર આવ્યા કે તરત સ્ટીફન અપસેટ થઇ ગયો. સમાચાર પ્રસારિત કર્યા બાદ મીડિયાકર્મીએ ફરી સ્ટીફન સાથેનો ઇન્ટરવ્યુ શરૂ કરવાની કોશિશ કરી ત્યારે સ્ટીફન કશું બોલવાને બદલે મૂંઝાઈને નીચે ઘાસની લોન પર બેસી ગયો. સ્ટીફન સમજી ગયો હતો કે મૃતદેહ હાથ લાગ્યા બાદ સાંયોગિક પુરાવાઓને આધારે પોલીસ બહુ જલદી એના સુધી પહોંચી જશે. જેમ તેમ બાકીનો ઇન્ટરવ્યુ પૂરો કરીને એ ઘર તરફ નાઠો. એકાદ કલાક બાદ હત્યારાનું પગેરું દબાવતી પોલીસ સ્ટીફનના ઘરે પહોંચી ત્યાં સુધીમાં ભયંકર ઉચાટને પગલે સ્ટીફને પાણીની અનેક બોટલ પેટમાં ઠાલવી દીધેલી. પોલીસ પહોંચી ત્યારે એ પરસેવામાં રીતસર નાહી રહેલો! એની ગભરામણ જોઈને જ પોલીસ પામી ગઈ કે લોરેનની હત્યા એણે જ કરી છે. આખરે સ્ટીફને પોતાનો ગુનો કબૂલી લીધો અને એને આજીવન કેદની સજા થઇ.
રક્ષક બન્યો ભક્ષક
ઈ. સ. ૧૯૯૧માં એક મીડિયા ચેનલ પ્રાણીઓ દ્વારા મનુષ્યો પર થતા હુમલા અંગે એક ડોક્યુમેન્ટરી બનાવી રહી હતી. આ માટે એમણે એક સરકારી અધિકારીનો ઇન્ટરવ્યુ લીધો. ડેનિસ રેડર નામના આ અધિકારીનું મુખ્ય કામ ડોગ કેચર તરીકેનું હતું. સરકારે એને આ માટે ગાડી અને ગન આપ્યાં હતાં. હથિયારધારી ઓફિસર હોવાને નાતે એને સરકાર તરફથી વરદી પર ધારણ કરવા માટેનો ખાસ પ્રકારનો બેજ પણ અપાયો હતો. જ્યારે પ્રાણીઓ દ્વારા મનુષ્યો પર થતા હુમલા અંગે પત્રકારે એનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે આ ઓફિસરે દરેક પ્રશ્ર્નોના સરસ મજાના જવાબો આપ્યા, પણ કોને ખબર હતી કે કેમેરા સામે પોતાની ડ્યુટી વિષે ડહાપણ ઠાલવી રહેલો આ આદમી હકીકતે એક સિરિયલ કિલર હતો, જે પોતાના શિકારને બંધક બનાવીને, ટોર્ચર કરીને રીતસર કૂતરાના મોતે મારવાનો શોખીન હતો!
રેડર માત્ર હત્યાઓ કરીને અટકતો નહિ, પણ હત્યા કર્યા બાદ પોતાને શોધવામાં નિષ્ફળ ગયેલી પોલીસ અને મીડિયાની ખિલ્લી ઉડાવતાં કવિતાઓ અને લેખો લખીને મોકલતો. પોલીસ ખાતું એના આવા પત્રો વાંચીને ભારે ગિન્નાતું, પણ આ સિરિયલ કિલર પોલીસની પકડથી બચતો રહ્યો, પણ એક વાર આવી જ રીતે પોલીસને એક ફ્લોપી મોકલી એમાં ભાઈ ભેરવાઈ ગયા અને પગેરું દબાવતી પોલીસ રેડરના ઘર સુધી પહોંચી ગઈ. પછી તો બધાં રહસ્યો ખૂલી ગયાં. એક સમયે મીડિયા સામે ઇન્ટરવ્યુમાં ડાહી વાતો કરનાર રેડરે દસેક હત્યા કરેલી! આખરે એને ૧૭૫ વર્ષની સખત કેદની સજા થઇ.
આવી કેવી માતા?!
ગુજરાતીમાં કહેવત છે, ‘મા તે મા, બીજા બધા વગડાના વા!’ એમાંય દીકરી સાથે માતાનું બંધન કંઈક અલગ જ પ્રકારનું હોય છે. દીકરીને સૌથી વધુ સુરક્ષા પોતાની માતાની હાજરીમાં લાગતી હોય છે, પણ ક્યારેક એવા બનાવો બને છે કે...
કેશા અબ્રાહમ માત્ર છ વર્ષની બાળકી હતી. એની માતા ક્રિસ્ટી અબ્રાહમ પોતાના પતિને બદલે બીજા એક પુરુષસાથી રોબર્ટ સ્મિથ સાથે રહેતી હતી. ક્રિસ્ટી અને રોબર્ટ ફૂલ જેવડી કેશા ઉપર શારીરિક-માનસિક અત્યાચાર કરવાનો એક્કેય મોકો ચૂકતાં નહિ! રોબર્ટ માટે તો કેશા પારકી હતી, પણ ક્રિસ્ટી પોતે કમાવતર સાબિત થઇ. એ અવારનવાર પોતાની દીકરી પર હાથ ઉપાડવાથી માંડીને એને ડામ દેવા સુધી જતી! એક વાર એણે ગુસ્સામાં કોઈ ભારે પદાર્થ કેશાના માથામાં પછાડી દીધો જે કેશા માટે જીવલેણ નીવડ્યો. કેશા મૃત્યુ પામી છે, એની જાણ થતાં જ ક્રિસ્ટી અને રોબર્ટ ગભરાયાં. પહેલાં એમણે કેશાના શબને બાળી નાખવાની કોશિશ કરી, પણ એમાં સરખી ફાવટ ન આવતાં અંતે એક પેટીમાં શબને પેક કરીને પેટી જમીન નીચે દાટી દીધી.
આટલું ઓછું હોય એમ નફ્ફટ ક્રિસ્ટીએ મીડિયા સામે લાગણીસભર ઇન્ટરવ્યુઝ આપ્યા ને પોતાની ફૂલ જેવડી દીકરીને ગમે ત્યાંથી શોધી કાઢવા માટે લોકોને વિનંતીઓ કરી. લોકો તો આ બિચારી ‘લાચાર માતા’ની અપીલ સાંભળીને પાણી પાણી થઇ ગયા. પોલીસે પોતાની તપાસમાં આકાશ-પાતાળ એક કરી નાખ્યાં. આખરે એક દિવસ પોલીસે જમીનમાં દફન થયેલી પેલી પેટી શોધી કાઢી. ત્યાર બાદ એક પછી એક જે પુરાવાઓ મળ્યા, એના આધારે પોલીસે નાટકબાજ ક્રિસ્ટી અને એના સાથીદાર રોબર્ટની ધરપકડ કરી. ક્રિસ્ટીને ૨૨ અને રોબર્ટને ૧૨ વર્ષની સખત કેદની સજા થઇ.
કોઈક આવાય હોય છે
અમુક વાર સાવ ઊંધુંય બને છે. ઈ. સ. ૧૯૯૩માં બ્રાયન હોક્ધિસ નામની વ્યક્તિએ પોતાના બે સાથીદારોની મદદથી ફ્રેન્ક મેક્એલિસ્ટર નામના વીસ વર્ષના યુવાનની હત્યા કરી નાખેલી. પોલીસને એક પાર્કિંગ લોટમાં ત્યજી દેવાયેલી ફ્રેન્કની કાર મળી આવી, જેમાં લોહીનાં ખાબોચિયાં હતાં. પોલીસને ખ્યાલ આવી ગયો કે ફ્રેન્ક સાથે કંઈક અઘટિત ઘટના બની છે. પાછળથી ફ્રેન્કની હત્યા થયાનું સાબિત થયું, પણ હત્યા કોણે કરી, એ વિષે પોલીસને ક્યારેય ખબર ન પડી. એ વાતને અઢી દાયકા વીતી ગયા અને પોલીસે પણ કેસની ફાઈલ અભરાઈ પર ચઢાવી દીધી.
ઈ. સ. ૨૦૧૮માં હત્યારો બ્રાયન ઊંછઈછ નામની મીડિયા ચેનલને ઇન્ટરવ્યુ આપવા આવી ચડ્યો. ચેનલે એનો ઇન્ટરવ્યુ લીધો, જેમાં આશ્ર્ચર્યજનક રીતે બ્રાયન હોક્ધિસે પોતે કરેલી હત્યાની કબૂલાત કરી લીધી! બ્રાયને કેમેરા સામે કહ્યું કે એણે અને એના બે સાથીઓએ અઢી દાયકા પહેલાં ફ્રેન્ક મેક્એલિસ્ટર નામના યુવાનની હત્યા કરેલી. એ હત્યા બાદ પોલીસ તો બ્રાયનને પકડી ન શકી, પણ બ્રાયન જુદાં જુદાં કારણોસર દુખી થઇ ગયો. કોઈકની હત્યા કર્યાની ગુનાહિત લાગણી એને ઝંપવા નહોતી દેતી. આખરે મનમાં ને મનમાં અઢી દાયકા સુધી ધૂંધવાતા રહ્યા બાદ બ્રાયને સામે ચાલીને કેમેરા સામે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી!