ભારતીય ઓટો ઉદ્યોગ કોરોનાના ફટકા પછી હજુ બેઠો થઈ શક્યો નથી
મુંબઇ: ભારતીય ઓટો સેક્ટર અત્યારે સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ૨૦૧૮-૧૯માં મજબૂત દેખાવ પછી ઓટો સેક્ટરનો દેખાવ સતત કથળ્યો છે. બીએસ-૬ રેગ્યુલેશન પછી એપ્રિલ ૨૦૨૦માં ગ્રોથની અપેક્ષા હતી પરંતુ કોવિડના કારણે બધું બદલાઈ ગયું. દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ જીડીપીમાં ઓટો સેક્ટરનો અડધો હિસ્સો છે. તે કુલ જીડીપીમાં ૭.૫ ટકા હિસ્સો આપે છે. પરંતુ કોવિડના કારણે સર્વિસ ક્ધઝમ્પશનમાં ઘટાડો થતા ઓટોને ફટકો પડ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગ પણ ઘટી છે. તેથી કોમર્શિયલ વાહનોના વેચાણને અસર થઈ છે.
સરકાર અત્યારે ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ પર ભાર મુકે છે. તેથી ગ્રાહકોના મનમાં ગુંચવણ છે કે તેમણે અત્યારે વાહન ખરીદવા કે રાહ જોવી. ઓટો સેક્ટરની તમામ મોટી કંપનીઓની નફાકારકતામાં કોવિડના કારણે ઘટાડો થયો છે. આવામાં ઓટો ઉદ્યોગ આગામી બજેટમાં કેટલાક બૂસ્ટર ડોઝની અપેક્ષા રાખે છે. સરકાર સ્થિર ટેક્સ પોલિસી રાખે અને ખર્ચ વધારે તો ઓટો સેક્ટરમાં રિવાઈવલ આવી શકે. ઇલેક્ટ્રિક વ્હીકલ પર કંપનીઓ ફોકસ કરી રહી હોવાથી તેમનો મૂડી ખર્ચ ઘણો વધી જશે અને તેના પર રિટર્ન મળવામાં સમય લાગશે. ઓટો ઉદ્યોગ અત્યારે ટેક્સ અને રેગ્યુલેટરી નીતિ નિશ્ચિત રહે તેમ ઇચ્છે છે. સરકારે ટેક્સ કાયદાને સરળ બનાવવા ઘણા પ્રયાસ કર્યા છે પરંતુ તેમાં હજુ ઘણી વિસંગતતા છે જેના કારણે બિઝનેસ જગત પરેશાન છે.