આંસુ બન ગયે મોતી: ૧૪૦૦ વર્ષો પૂર્વેની ઇસ્લામની હિદાયતને આજના વિજ્ઞાનનું પણ સમર્થન
મુખ્બિરે ઈસ્લામ - અનવર વલિયાણી
આપણા દેશની રાજધાની દિલ્હીની એક અતિ મશહૂર આલિમ (જાણકાર વિદ્વાન) ખ્વાજા હસન નિઝામીએ ઉર્દૂમાં લખેલો લેખ ‘ફીત્રત કી ઝુબાન’ (જન્મજાત ટેવની વાચા)માં લખ્યું છે કે, રડવું એ કુદરતની બોલી છે. દુનિયાના કોઇ પણ ખૂણે જન્મતું બાળક પછી તે કાળો હોય કે ગોરો! ઠીંગણો હોય કે લાંબો, ચપટો હોય કે સામાન્ય! જન્મતાની સાથે જ તેનો પહેલામાં પહેલો અમલ રડવાનો હોય છે અને જો તે રડતું નથી તો શ્ર્વાસોશ્ર્વાસ જેને અંગ્રેજીમા રેસ્પીરેશન કહેવામાં આવે છે તે ચાલુ થતા નથી. રડવાથી જ ફેફસાં કામ કરતા થાય છે અને જન્મતાની સાથે બાળક ના રડે તો તેને રડાવવાની કોશિશ તબીબોની સૌપ્રથમ હોય છે.
આજથી ૧૪૪૨-૧૪૪૩ વર્ષો પૂર્વે દીને ઇસ્લામના પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વઆલેહિ વસલ્લમ પર નાઝિલ (આવેલી) થયેલ ઇલાહી કિતાબ કુરાન મજીદમાં નબીઓના રડવાનો ઝીકર (ઉલ્લેખ) છે. ખુદ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ (સલ.) તેમના કાકા હઝરત હમઝાની શહાદત પર રડ્યા છે. મૌલા અલી અલૈયહિ સલ્લામ (અ. સ.) ભાઇ શહીદ જાફર બીન અબી તાલિબની શહાદત પર રડયા છે. રડવું એ તો પયગંબરોની સુન્નત (પવિત્ર આચરણ) છે.
ભાઇબંધ સમાજના એક જાણીતા શાયર જનાબ માથુર લખનવી સા’બે કેટલું સરસ કહ્યું છે :
રોના હય ગમે શાહ મેં
ફીત્રત કા તકાઝા,
બિદઅત ન કહો યહ હય
મોહબ્બત કા તકાઝા
(બિદઅત : આશ્ર્ચર્ય, કમજોરી, નિયમ વિરુદ્ધનું આચરણ)
ભારતમાં આયુર્વેદમાં જે તેર વેગો કહ્યા છે. તેમાં આંસુનો પણ એક વેગ તરીકે ઉલ્લેખ છે. આ તેર વેગોને કદાપી રોકવા ના જોઇએ. રોકવાથી શરીરને અપાર નુકસાન થાય છે.
આધુનિક સંશોધન મુજબ પુરુષો કરતા સ્ત્રીઓ જલ્દી રડે છે. અમેરિકન સાયકોલોજિસ્ટ વિલ્યમ બ્રિયાનના મત મુજબ અમેરિકન પુરુષો કરતા ત્યાંની સ્ત્રીઓના લાંબા આયુષ્યનું રહસ્ય તે ત્યાંની સ્ત્રીઓમાં રડીને આંસુ વહેવા દેવાના ગુણનું પરિણામ છે.
ડૉ. બ્રિયાનના કહેવા મુજબ જો પુરુષ પણ માનસિક આઘાતથી ત્રસ્ત થઇને રડીને આંસુને વહેવા દે તો તેઓને હૃદયરોગ, બ્લડ પ્રેશર જેવી બીમારી ઘટી જાય છે. માનવીની દબાયેલી ભાવનાઓનો તનાવ (તાણ) દૂર થઇ જાય છે. જેનાથી શારીરિક, માનસિક રાહતનો અનુભવ થાય છે.
* સ્ત્રીઓમાં રડવાનો ગુુણ હોવાથી પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓને હાર્ટએટેક ઓછા આવે છે.
રડવાથી હૃદય હળવું થઇ જાય છે, ટેન્શન ઓછું થઇ જાય છે.
* અમેરિકા અને જર્મનીમાં થયેલા સંશોધન મુજબ રડવાથી મન હલકું થઇ
જાય છે.
* રડવાનું રોકી રાખવાથી માણસ કોઇ વાર પાગલ થઇ જાય છે.
* રડવાનું રોકી રાખનારને માથાનો દુ:ખાવો, હૃદયરોગ, ચક્કર આવવા, રોગપ્રતિકારક શક્તિ ઘટવી વગેરે જેવી અનેક તકલીફો થાય છે.
- ટૂંકમાં મનોવૈજ્ઞાનિકોના મતે મુસીબતો અને માનસિક તાણની સ્થિતિમાં આંસુ સારવા એ દુ:ખને હલ્કુ કરવાનો ‘સેફટી વાલ્વ’ હોઇને મૌલા અલી અલૈયહિ સલ્લામે તેમના એક સહાબી (સાથી, સંગાથી)ને આ સંદર્ભમાં કઇ નસીહત આપી તે આવતા અંકમાં વાંચીશું.
- કબીર સી. લાલાણી
* * *
ચેતવણી અપાઇ ચૂકી છે
તમારામાંથી જે મરણ પામ્યા છે, એમણે જે નજરે જોયું છે તે તમે પણ જોતે તો ગભરાઇ ઉઠત તથા ભયભિત અને વિહવળ બની જાત, તેમ જ હક (અધિકાર, સત્ય)ની વાત સાંભળત અને પાલન પણ કરત. પણ એમણે જે નજરે જોયું છે એ હજી તમારી નજરોથી છુપું છે. પણ એ વખત દૂર નથી કે તેના પરથી પરદો ઉઠાવી લેવામાં આવે. અગર તમે સત્ય જોનારી આંખો અને સત્ય સાંભળનાર કાનો ધરાવો છો તો તમને દેખાડી અને સંભળાવી દેવામાં આવ્યું છે અને અગર હિદાયત (ધર્મની સાચી સમજ)ની તલબ (ઇચ્છા) ધરાવો છો તો તમને હિદાયત (માર્ગદર્શન, આદેશ) અપાઇ ચૂકી છે.
‘હું સાચે સાચું કહું છું કે ઇબ્રત (સમજ) તમને બુલંદ સાદે (મોટા અવાજે) પડકારી ચૂકી છે તથા ધમકાવનારી ચીજોથી તમને ધમકી અપાઇ ચૂકી છે. આસમાની રસૂલો (ફરિસ્તાઓ) બાદ બશર (ઇન્સાની
રૂપમાં પયગંબરો) જ એવી હસ્તિઓ છે, જે તમને અલ્લાહનો સંદેશ પહોંચાડે છે...!’ (હવાલો : નહેજુલ બલાગાહ).
- મૌલા અલી (અ.સ.)