સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહારાષ્ટ્ર સરકારના ગાલ પર તમાચો: ફડણવીસ
એનસીપીએ કહ્યું ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે વિધાનસભ્યોની ગેરવર્તણૂંકને સુપ્રીમ કોર્ટે હળવાશથી લીધી: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના સિનિયર નેતા અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સુપ્રીમ કોર્ટના ૧૨ વિધાનસભ્યોના સસ્પેન્શનને રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ ચુકાદો શિવસેનાના નેતૃત્વ હેઠળની રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારના ગાલ પર વધુ એક જોરદાર તમાચો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા ફડણવીસે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો ગેરબંધારણીય, અનૈતિક, ગેરવ્યાજબી, ગેરકાયદે અને લોકશાહીનું ઉલ્લંઘન કરનારી કૃતિઓ કરી રહી છે.
એનસીપીએ બીજી તરફ જણાવ્યું હતું કે ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનું પગલું ત્યારના ગૃહના પીઠાસીન અધિકારી દ્વારા લેવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નહીં. જ્યારે શિવસેનાએ વિધાનસભ્યો દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂંકને હળવાશથી લેવાના સુપ્રીમ કોર્ટના વલણ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્વિટ કરીને કહ્યું હતું કે સત્યમેવ જયતે, અમે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓબીસીના આરક્ષણ માટે લડત આપી રહેલા ૧૨ વિધાનસભ્યોની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.
વિધાનસભામાં ભાજપના મુખ્ય વ્હિપ આશિષ શેલાર ઉપરાંત સંજય કુટે, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખળકર, પરાગ અલવણી, હરીશ પિંપલે, યોગેશ સાગર, જયકુમાર રાવલ, નારાયણ કુચે, રામ સાતપુતે અને બન્ટી ભાંગડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ફડણવીસે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા લોકશાહી મુલ્યોનું રક્ષણ કરવામાં આવ્યું છે અને રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને વધુ એક તમાચો છે. હું ભાજપના ૧૨ વિધાનસભ્યોને ન્યાય મળવા બદલ અભિનંદન આપું છું. અમે પહેલેથી જ કહેતા હતા કે આ સંપૂર્ણ ગેરબંધારણીય છે અને સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આનો હેતુ ફક્ત એટલો જ હતો કે સત્તાધારી પક્ષો વિધાનસભામાં કૃત્રિમ બહુમતી સર્જવા માગતા હતા અને તેને માટે કોઈ યોગ્ય કારણ પણ નહોતું. સુપ્રીમ કોર્ટે અમારા વલણને યોગ્ય ઠેરવ્યું છે, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે અપેક્ષા મુજબ જ સુપ્રીમ કોર્ટે ૧૨ વિધાનસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. આ સસ્પેન્શન બંધારણની માળખામાં બેસતું જ નહોતું. તે કાનૂની નહીં, એકપક્ષી હતું. કોર્ટે પણ આમ જ કહ્યું હતું. તેમણે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તેમને તો સુપ્રીમ કોર્ટના તમાચા ખાવાની આદત પડી ગઈ છે.
રાજ્ય સરકારે પણ સમજવું જોઈએ કે લોકશાહીના મુલ્યોને આવી રીતે કચડી નાખવા ન જોઈએ. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ સસ્પેન્શનનો નિર્ણય લેનારી વ્યક્તિ સામે શું સરકાર કોઈ કાર્યવાહી કરશે?
સસ્પેન્ડ કરવામાં આવેલામાંથી એક આશિષ શેલારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે સેના-એનસીપી-કૉંગ્રેસની સરકાર બિનબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ગેરબંધારણીય, ગેરકાયદે અને અતાર્કિક છે. અમારી સસ્પેન્શન રદ કરવાની અરજી અંગે જો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હોત તો અત્યારે આ શરમજનક સ્થિતિમાંથી રાજ્યસરકાર બચી ગઈ હોત.
બીજી તરફ એનસીપી તરફથી આ ચુકાદા અંગે બોલતાં પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો લેખિત આદેશ ઉપલબ્ધ થયા બાદ વિધાનસભાના સ્પીકર આ અંગે નિર્ણય લેશે. ૧૨ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય સ્પીકર દ્વારા લેવામાં આવ્યો હતો, રાજ્ય સરકાર દ્વારા નહીં. સ્પીકરની કચેરીને લેખિત આદેશ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાજ્ય સરકારના ગાલ પર તમાચો હોવાના દાવાને નકારી કાઢતાં રાજ્ય એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલે જણાવ્યું હતું કે તે દિવસે ત્યારના સ્પીકર સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અત્યંત છેલ્લી કક્ષાનું હતું. તેને પગલે ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અંતિમ આદેશ ઉપલબ્ધ થયા બાદ આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ૧૨ વિધાન પરિષદના સભ્યોની યાદીને મંજૂરી આપવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
બધું કાયદા મુજબ થવું જોઈએ, રાજ્યની કેબિનેટે ૧૨ નામની ભલામણ કરી હતી. પરંતુ હજી સુધી તેને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, એમ પણ જયંત પાટીલે જણાવ્યું હતું.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે મને નવાઈ લાગે છે કે સુપ્રીમ કોર્ટે વિધાનસભ્યોના ગેરવર્તન પ્રત્યે હળવું વલણ અપનાવ્યું છે. આ જ સુપ્રીમ કોર્ટ રાજ્ય કેબિનેટ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા ૧૨ નામની યાદી અંગેની સુનાવણીની વાત આવે ત્યારે આવું વલણ અપનાવતી નથી.
રાજ્યપાલ આ ફાઈલ પર રાજકીય દ્વેષભાવનાથી બેસી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ૧૨ વિધાનસભ્યોના સસ્પેન્શનના મુદ્દે સીમાનું ઉલ્લંઘન કર્યું છે, એમ પણ રાઉતે જણાવ્યું હતું.