એસસી-એસટીને પ્રમોશનમાં અનામતના મુદ્દે માપદંડ નક્કી કરવા સુપ્રીમનો ઇન્કાર
નવી દિલ્હી: સરકાર નોકરીમાં એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે કોઇ માપદંડ નક્કી કરવા સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઇન્કાર કર્યો હતો.
એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ) અને એસટી (શિડ્યુલ ટ્રાઇલ)નું પ્રતિનિધિત્વ ઓછું કે વધુ છે તે અંગેનો ડેટા એકત્રિત કરવો રાજ્યોની ફરજ છે, તેવું સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ નાગેશ્ર્વર રાવ, સંજીવ ખન્ના અને બીઆર ગવઇની ખંડપીઠે કહ્યું હતું. સમય સમય પર સમીક્ષા કરવામાં આવે તે પછી પ્રતિનિધિત્વ અપૂરતું છે કે કેમ તેનું આકલન કરવું જોઇએ અને ડેટા ભેગો કરવો જોઇએ. સમીક્ષાનો સમયગાળો કેન્દ્ર સરકારે નક્કી કરવો જોઇએ તેવું ખંડપીઠે કહ્યું હતું.
સમગ્ર ‘સર્વિસ’ને સ્થાને ‘કેડર’ને આકલનનું એકમ રાખવું જોઇએ. તેવું ખંડપીઠે કહ્યું હતું. ‘પ્રમોશનના સંબંધમાં ડેટા એકત્રિત કરવા જે-તે કેડરને ધ્યાનમાં લેવું જોઇએ. જો સમગ્ર સર્વિસને આધાર બનાવીને એસસી-એસટી પ્રતિનિધિત્વનો ડેટા ભેગો કરવામાં આવે તો કેડર અર્થહીન બની જશે તેવું અવલોકન ખંડપીઠે કર્યું હતું. તમામ સંબંધિત પરિબળો ધ્યાનમાં લઇને પ્રમોશનમાં એસસી-એસટીનું પ્રતિનિધિત્વ ઓછું છે કે કેમ તે અંગેનું આકલન રાજ્યોએ કરવાનું રહેશે તેવું ખંડપીઠે કહ્યું હતું.
આ અગાઉ કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે આઝાદી મળ્યાનાં ૧૫ વર્ષ પછી પણ મેરિટના જે સ્તર પર સવર્ણો પહોંચ્યા છે ત્યાં સુધી એસસી-એસટીેને લઇ જઇ શકાયા નથી તે એક હકીકત છે.