આઈટી કંપનીઓના પ્રોત્સાહક પરિણામો અને નબળા આર્થિક ડેટા પચાવતા સેન્સેક્સમાં ૮૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૫ પૉઈન્ટનો ધીમો સુધારો: રોકાણકારોની સંપત્તિ વધીને ₹ ૨૭૮ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા આઈટી કંપનીઓના પરિણામો એકંદરે પ્રોત્સાહક રહ્યા હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં સુધારો જળવાઈ રહ્યો હતો.
જોકે, ગઈકાલે જાહેર થયેલા નવેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના અને ડિસેમ્બર મહિનાના રિટેલ ફુગાવાના આંકડા નિરાશાજનક રહેતાં બજાર સાંકડી વધઘટે અથડાઈ ગઈ હતી અને સત્રના અંતે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેકસ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૫.૨૬ પૉઈન્ટ અને ૪૫.૪૫ પૉઈન્ટ સુધીનો મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટીએ સતત પાંચમાં સત્રમાં આગેકૂચ જાળવી રાખી હતી અને બીએસઈ ખાતે લિસ્ટેટ થયેલી કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન અથવા રોકાણકારોની સંપત્તિ વધીને રૂ. ૨૭૮ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૧,૧૫૦.૦૪ના બંધ સામે સુધારાના ટોને ૬૧,૨૫૯.૯૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૯૪૯.૮૧ અને ઉપરમાં ૬૧,૩૪૮.૫૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૧૪ ટકા અથવા તો ૮૫.૨૬ પૉઈન્ટ વધીને ૬૧,૨૩૫.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૨૧૨.૩૫ના બંધ સામે ૧૮,૨૫૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૧૬૩.૮૦થી ૧૮,૨૭૨.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધતી ૦.૨૫ ટકા અથવા તો ૪૫.૪૫ પૉઈન્ટ વધીને ૧૮,૨૫૭.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે અમેરિકામાં જાહેર થયેલો ફુગાવો ઊંચી સપાટીએ રહ્યો હોવાના નિર્દેશ તેમ જ ગત ડિસેમ્બર મહિનામાં ચીનની બૅન્કોના ધિરાણમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાથી એકંદરે આજે એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિકમાં સત્રના આરંભે બજાર બેતરફી વધઘટે અથડાતી રહી હતી. જોકે, મધ્યસત્ર પછી બજારમાં મર્યાદિત માત્રામાં સુધારો જોવા મળ્યો હોવાનું આનંદ રાઠી શૅસૅ ઍન્ડ સ્ટોક બ્રોકર્સનાં ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.
ગત નવેમ્બર મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક સતત ત્રીજા મહિનામાં સ્થિર રહ્યો હોવાના તેમ જ ડિસેમ્બર મહિનાનો રિટેલ ફુગાવો વધીને છ મહિનાની ઊંચી ૫.૫૯ ટકાની સપાટીએ રહ્યો હોવાના ગઈકાલના મોડી સાંજના અહેવાલોને ધ્યાનમાં લેતાં એકંદરે બજાર દબાણ હેઠળ રહ્યું હતું. તેમ છતાં ગઈકાલે જાહેર થયેલા આઈટી માંધાતા કંપનીઓનાં પરિણામો એકંદરે પ્રોત્સાહક રહેતાં બજાર સુધારા સાથે બંધ રહેવામાં સફળ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી આજે ૧૯ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. તેમાં સૌથી વધુ ૬.૪૦ ટકાનો ઉછાળો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સન ફાર્મામાં ૩.૫૩ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૨.૩૦ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૬૬ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૫૬ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૪૯ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરમાં સૌથી વધુ છ ટકાનો ઘટાડો વિપ્રોમાં જોવા મળ્યો હતો. આ સિવાય એશિયન પેઈન્ટ્સમાં ૨.૪૭ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૮૧ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૫૫ ટકાનો, કોટક બૅન્કમાં ૧.૪૬ ટકાનો અને એચસીએલ ટૅક્નોલોજીસમાં ૧.૩૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.
ગત ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ટીસીએસનો ચોખ્ખો નફો ૧૨.૨ ટકા ઉછળીને ૯૭૬૯ કરોડની સપાટીએ રહ્યો હતો. તેમ જ નફામાં વૃદ્ધિ જળવાઈ રહેવાનો કંપનીએ આશાવાદ વ્યક્ત કરતાં આજે શૅરના ભાવમાં ૧.૦૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. તે જ પ્રમાણે ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ઈન્ફોસિસના ચોખ્ખા નફામાં પણ ૧૨ ટકા વૃદ્ધિના અહેવાલે આજે શૅરના ભાવ ૧.૦૩ ટકા વધી આવ્યા હતા. જોકે તેનાથી વિપરીત વિપ્રોનો નફો રૂ. ૨૯૬૯ કરોડની સપાટીએ સ્થિર જેવો રહેતાં આજે તેના શૅરના ભાવમાં છ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. દરમિયાન આજે સેક્ટર અનુસાર બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં ૩.૮૬ ટકાનો, કેપિટલ ગૂડસ ઈન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૫૨ ટકાનો, બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૧.૪૦ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૩૨ ટકાનો અને ઈન્ફ્રા ઈન્ડેક્સમાં ૧.૨૯ ટકાનો સુધારો આવ્યો હતો.
જ્યારે બીએસઈ રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૨ ટકાનો, બૅન્કેક્સમાં ૦.૬૭ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઍન્ડ ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૦.૩૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૦.૨૪ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં ૦.૧૫ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૦૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. આજે એશિયન બજારોમાં શાંઘાઈ, ટોકિયો અને સિઉલની બજાર નરમાઈના ટોને અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી. તેમ જ આજે મધ્ય સત્ર સુધી યુરોપના બજારોમાં પણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું.