મિડિયમ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે મુખ્યત્વે દેશાવરોની માગ નિરસ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૧૬૦થી ૩૨૦૦ આસપાસના મથાળે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં ક્વિન્ટલે રૂ. ૨નો સાધારણ સુધારો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ટકેલા રહ્યાના અહેવાલ હતા.
બજારનાં સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની એકંદરે માગ જળવાઈ રહેતાં ઉપાડ અંદાજે ૨૭થી ૨૮ ટ્રકનો જળવાઈ રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૩૧૨થી ૩૪૦૨માં ટકેલા ધોરણે થયા હતા અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ખાસ કરીને અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી તેના વેપાર સાધારણ ક્વિન્ટલે રૂ. ૨ના સુધારા સાથે રૂ. ૩૪૫૨થી ૩૬૭૨માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૨૯૫થી ૩૩૪૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૩૨૫થી ૩૪૯૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.