ઈક્વિટી માર્કેટમાં સતત પાંચ સત્રના ધોવાણ બાદ બાર્ગેઈન હંટિંગ નીકળતા સેન્સેક્સમાં ૩૬૬ પૉઈન્ટનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત પાંચ સત્ર દરમિયાન ધોવાણ થયા બાદ યુરોપિયન બજારોમાં સુધારો આવ્યાના નિર્દેશો સાથે આજે ઑટો, બૅન્કિંગ, ફાઈનાન્સ અને એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં વધુ ઘટાડો આવ્યો હોય તેવા શૅરોમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૬૬.૬૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૨૮.૮૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ છતાં આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકને ધ્યાનમાં લેતાં અમુક અંશે રોકાણકારોએ સાવચેતીનું વલણ પણ અપનાવ્યું હોવાનું ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે રશિયા-યુક્રેઈન વચ્ચેના તણાવ અને ફુગાવો વધવાની ભીતિને કારણે વિદેશી ફંડોની અવિરત વેચવાલી ટૂંકાગાળાના જોખમી પરિબળો ગણી શકાય. આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૭,૪૯૧.૫૧ના બંધ સામે નરમાઈના ટોને ૫૭,૧૫૮.૬૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૭,૪૦૯.૬૩ અને ઉપરમાં ૫૭,૯૬૬.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૦૪ ટકા અથવા તો ૩૬૬.૬૪ પૉઈન્ટ વધીને ૫૭,૮૫૮.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૧૪૯.૧૦ના બંધ સામે ૧૭,૦૦૧.૫૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૮૩૬.૮૦થી ૧૭,૩૦૯.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૭૫ ટકા અથવા તો ૧૨૮.૮૫ પૉઈન્ટ વધીને ૧૭,૨૭૭.૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એક સપ્તાહના લાંબા સમયગાળાના કોન્સોલિડેશન બાદ આજે મંદીએ રાહતનો શ્ર્વાસ લેતા બજારમાં નીચા મથાળેથી લેવાલી નીકળી હતી. તેમાં પશ્ર્ચિમની બજારમાં જોવા મળેલા સુધારા તેમ જ ક્રૂડતેલના ભાવમાં પણ વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી બજારના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે રોકાણકારોની નજર આજથી શરૂ થતી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર છે અને આગામી બુધવારે તેની ફળશ્રુતિની જાહેરાત ન થાય ત્યાં સુધી બજારમાં ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં રેલિગેર બ્રોકિંગના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આવતીકાલની પ્રજાસત્તાક દિનની જાહેર રજા બાદ ગુરુવારે બજાર પર અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરના વધારાના નિર્ણયની અસર જોવા મળશે. તેમ જ તે દિવસે ડિસેમ્બરનું વલણ પણ પૂરું થઈ રહ્યું હોવાથી બજારમાં ભારે ચંચળતા રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવમાં સુધારો અને ૧૨ શૅરના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આજે મારુતિ સુઝુકીના જાહેર થયેલા ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળાના પરિણામોમાં કંપનીના ચોખ્ખા કોન્સોલિડેટેડ નફામાં બજારની અપેક્ષા કરતાં ઓછો ૪૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાથી શૅરના ભાવમાં સૌથી વધુ ૬.૮૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં એક્સિસ બૅન્કમાં ૬.૭૬ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૪.૨૦ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૩.૮૭ ટકાનો, ભારતી એરટેલમાં ૩.૨૩ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૨.૨૭ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં વિપ્રોમાં ૨.૫૩ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૧.૧૬ ટકાનો, ટિટાનમાં ૦.૯૮ ટકાનો, ઈન્ફોસિસમાં ૦.૮૫ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૭૯ ટકાનો અને ટૅક મહિન્દ્રામાં ૦.૭૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતે સેક્ટર અનુસાર માત્ર બીએસઈ આઈટી અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં આવેલા અનુક્રમે ૦.૩૯ ટકા અને ૦.૧૩ ટકાના ઘટાડાને બાદ કરતાં તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ સુધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં ૨.૫૩ ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૨.૪૬ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૨.૪૪ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૨.૪૧ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૨.૩૨ ટકાનો અને બૅન્કેક્સમાં ૨.૨૧ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ૧.૦૩ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. દરમિયાન આજે એશિયા ખાતે હૉંગકૉંગ, શાંઘાઈ, ટોકિયો અને સિઉલની બજારો તીવ્ર ઘટાડા સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્ય સત્ર દરમિયાન નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટના સુધારાને ટેકો મળ્યો હતો.