વિશ્ર્વ બજાર પાછળ ઈક્વિટીમાં અવિરત વેચવાલી, સત્ર દરમિયાન સેન્સેક્સ ૮૪૩ પૉઈન્ટ ગબડ્યા બાદ અંતે ૪૨૭ પૉઈન્ટના ઘટાડે બંધ
ચાર સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ₹ ૧૦.૩૬ લાખ કરોડનું ધોવાણ

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ નાણાનીતિ તંગ કરવાની સાથે ફુગાવામાં પણ વધારો થવાની ભીતિ હેઠળ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક બજારમાં પણ સતત ચોથા સત્રમાં ધોવાણ જળવાઈ રહ્યું હતું. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૮૪૩ પૉઈન્ટ સુધીનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં સત્ર દરમિયાન ૨૭૧ પૉઈન્ટ સુધીનો કડાકો બોલાઈ ગયા બાદ ખાસ કરીને ઈન્ડેક્સ હેવીવેઈટ એચયુએલ, ટીસીએ, મારુતિ સુઝુકી અને એચડીએફસી ટ્વિન્સમાં રોકાણકારોની લેવાલી નીકળતા સત્રના અતે સેન્સેક્સ ૪૨૭.૪૪ પૉઈન્ટના અને નિફ્ટી ૧૩૯.૮૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
વધુમાં સ્થાનિક માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં શૅર આંક વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન સપ્તાહમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩.૫૭ ટકાનો અથવા તો ૨૧૮૫.૮૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો છે, જેમાં રોકાણકારોની સંપત્તિ રૂ. ૧૦,૩૬,૬૩૬.૧૭ કરોડના ધોવાણ સાથે રૂ. ૨,૬૯,૬૫,૮૦૧.૫૪ કરોડની સપાટીએ રહી હતી. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩.૪૯ ટકાનો અથવા તો ૬૩૮.૬૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૬૭૯.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૯,૪૬૪.૬૨ના બંધ સામે નરમાઈના ટોને ૫૯,૦૩૯.૩૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૬૨૦.૯૩ અને ઉપરમાં ૫૯,૩૨૯.૬૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૭૨ ટકા અથવા તો ૪૨૭.૪૪ પૉઈન્ટના ઘટાડા સાથે ૫૯,૦૩૭.૧૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૭૫૭ના બંધ સામે ૧૭,૬૧૩.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૪૮૫.૮૫થી ૧૭,૭૦૭.૬૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૭૯ ટકા અથવા તો ૧૩૯.૮૫ પૉઈન્ટ ઘટીને ૧૭,૬૧૭.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ તેમ જ ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિની ભીતિ સપાટી પર હોવાથી વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને કારણે આજે લગભગ તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે વધુમાં આગામી મહિનાના આરંભે અંદાજપત્રની જાહેરાત થનારી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન બજારમાં ચંચળતાનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. તાજેતરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તમામ લાર્જકેપ કંપનીઓમાં અને અમુક મિડકેપ કંપનીઓમાં નફો બુક કર્યો હોવાથી તેમ જ વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં તેજી આવવાથી ઈનપૂટ ખર્ચમાં વધારાની શક્યતા તેમ જ ગ્રામીણ આવકો પર તેની માઠી અસર પડે તેવી ચિંતા વચ્ચે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ. રંગનાથને જણાવ્યું હતું. દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૨ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ૫.૩૭ ટકાનો ઘટાડો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટૅક મહિન્દ્રામાં ૪.૪૪ ટકાનો, ટાટા સ્ટીલમાં ૩.૧૮ ટકાનો, ભારતી એરટેલમાં ૨.૮૩ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૭૭ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૨.૩૮ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે આઠ મુખ્ય વધનાર શૅરમાં ખાસ કરીને હિન્દુસ્તાન યુનીલિવરમાં આકર્ષક પરિણામોની જાહેરાત થતાં ભાવમાં સૌથી વધુ ૨.૬૮ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં મારુતિ સુઝુકીમાં ૧.૮૯ ટકાનો, નેસ્લેમાં ૧.૦૭ ટકાનો, એચડીએફસીમાં ૦.૯૦ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૭૩ ટકાનો, ટીસીએસમાં ૦.૧૮ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૧૬ ટકાનો અને કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૦૬ ટકાનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ ખાતે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સમાં આવેલા ૦.૦૫ ટકાના સુધારાને બાદ કરતાં તમામ ઈન્ડાઈસીસ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ૩.૦૩ ટકાનો ઘટાડો બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૨.૯૩ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૨.૩૫ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૨.૩૧ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૨.૧૪ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ તથા પીએસયુ ઈન્ડેક્સમાં ૨.૧૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. વૈશ્ર્વિક બજારોમાં કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતાં નબળા આવી રહ્યા હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાની ચિંતા હેઠળ ઈક્વિટી માર્કેટોમાં નરમાઈ આગળ ધપી હતી. આજે એશિયામાં હૉંગકૉંગ, સિઉલ, શાંઘાઈ અને ટોકિયોની બજાર ઘટીને બંધ રહી હતી.