સોનામાં સાધારણ ₹ સાતનો સુધારો, ચાંદી ₹ ૧૦૦ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. સાતનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦ ઘટી આવ્યા હતા.
આજે સ્થાનિક સોનાચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦ના ઘટાડા સાથે રૂ. ૬૧,૭૫૯ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની મર્યાદિત લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. સાત વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૭,૯૪૯ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૮,૧૪૨ના મથાળે રહ્યા હતા. વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સતત બે સત્ર સુધી સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે ભાવમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ તેમ જ રોકાણકારોની નજર આગામી ૨૫-૨૬ જાન્યુઆરીના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી હાજરમાં ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૯.૭૨ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૨૦.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ વૈશ્ર્વિક રોકાણકારની નજર ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠક પર વ્યાજદરમાં પહેલા વધારાની જાહેરાત પર સ્થિર થઈ હોવાથી તેની જાહેરાત પૂર્વે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહે તેવી શક્યતા કોમર્ઝ બૅન્કના વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે, થોડાઘણા અંશે સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી માગનો ટેકો મળે તેવી શક્યતા પણ અમુક વર્તુળો વ્યક્ત કરી
રહ્યા છે.