ટીનમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીએ ₹ ૧૦નો ઘટાડો
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦નો અને કોપર આર્મિચરમાં નિકસ માગને કારણે ભાવમાં કિલોદીઠ રૂ. ૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં કિલોદીઠ રૂ. ૩નો તથા ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧નો સુધારો આવ્યો હતો. આ સિવાયની તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
તાજેતરમાં જાહેર થયેલા ચીનના આર્થિક ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યાના નિર્દેશો સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે એકંદરે કામકાજો પાંખાં રહ્યા હતા તેમ જ સત્રના આરંભે મુખ્યત્વે રોકાણકારોની નિકલમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ૧.૨ ટકા જેટલો ઘટાડો દર્શાવાઈ રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે એકંદરે કામકાજો પાંખાં રહ્યા હતા, જેમાં ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૧૪૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૬૯૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને એલ્યુમિનિમય ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૨૨ અને રૂ. ૨૪૧ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૨૯૪ના મથાળે રહ્યા હતા.